Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Romance

4.3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Romance

ત્યાગ વસ્ત્ર

ત્યાગ વસ્ત્ર

7 mins
565


દસ વર્ષ પછી પાછું એ જ શહેર ને એ જ રસ્તા ... અભિનવ ને જાણે આવકારી રહ્યા હતા. સરકારી મોટર કાર શહેરના મુખ્ય રેલ્વે ક્રોસિંગ તરફ જામેલા ટ્રાફિક વચ્ચે ધીમે ધીમે આગળ વધી રહી હતી. અખિલ ભારતીય સેવા ના અધિકારી તરીકે ફરજનું સ્થળ સમયાંતરે બદલાવું એ એના માટે કંઈ નવું અને અસ્વાભાવિક નહતુંં. અલબત, આ શહેરમાં ફરી એકવાર આવવાનું થયું તે થોડું મનને વિચલિત કરી રહ્યું હતું.

કારણ શું હતુંં...તે આ શહેરની હવા, ગલિયો અને રસ્તાઓ બરાબર જાણતા હતા ને બીજું કોઈ જાણતુંં હોય તો એ અભિનવનું મન !

હા... શહેરની હવામાં હજુ રાગિણીના રાગ વહેતાં હોય એવું તેને શહેરમાં પ્રવેશતાં જાણે અનુભવાયું હતુંં.

ચિરપરિચિત ટ્રાફિક અને રેલવે ક્રોસિંગનો નજારો સામે હતો. ટ્રેન પસાર થાય ત્યાં સુધીમાં અભિનવનું મન ભૂતકાળની સફરે નીકળી પડ્યું હતુંં.

***

વર્ષો વીત્યાં એ વાતને...

જિલ્લાના મુખ્ય મથક એવા આ શહેરમાં નવો નવો આવેલ અભિનવ યુવાન અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ ઉપર દીપી ઉઠેલો. આખું શહેર જાણે આ યુવાનની કાર્યનિષ્ઠા ઉપર મોહિત હતુંં. શહેરના પ્રતિષ્ઠિત કુટુંબો સાથે પણ અભિનવનો ઘરોબો વધી પડેલ.

મહાજન જમના દાસની એકની એક લાવણ્યવતી દીકરી એટલે આ રાગિણી. આર્કિટેક થવા માટે ભણી રહેલી રાગિણીના રૂપનો શણગાર પરમાત્મા નામના મોટા આર્કિટેક દ્વારા બખૂબી થયેલ હતો.

હોનહાર અધિકારી ને પાછો યુવાન ! કોલેજના વાર્ષિક સંમેલનમાં અતિથી પદ પામેલ અભિનવ અને કાર્યક્રમનું સંચાલન કરી રહેલ રાગિણીની આંખો ક્યારે મળી ગઈ અને સ્નેહના મોજા ઉછળતા થયા એ બધું જાણે પલકારામાં બની ગયેલું. જાહેર વ્યક્તિ તરીકેની મર્યાદાનું પાલન કરતાં કરતાં બંને પ્રેમીઓ સંયમ પૂર્વક પ્રેમપંથ પર વધવા લાગ્યા હતાં.

" અભિ... !"

" હા,... રાગી સાંભળું છું...ને સાંભળ્યા કરું તને એવું મન છે આજે....બોલને..."

" હું, સિરિયસ છું...મજાક નહીં હોં !"

" અરે, બાબા ...બોલ ને"

" ક્યાં સુધી...છૂપાઈ રહીને રેસ્ટોરન્ટમાં મળતા રહીશું...તમે પપ્પા ને મળી લો ને ! એ કદી ના નહીં પાડે ... આપણાં બંને માટે.."

" મને ખબર છે...પણ, જમનાદાસને વાત કરું તો એ શું વિચારશે ? પોતે જે ઓફિસરને માન પાન આપે છે, ઘરમાં આવકારે છે એણે જ તેમની દીકરીને વશમાં કરી ? એવું કાંઈક વિચારશે...એટલે હાલ હું ઉપાય વિચારું છું."

" અભિ... ! આવું ક્યાં સુધી ? હું વાત કરું..પપ્પા ને ?"

" અરે...ના, ડોન્ટ વરી...હું કાંઈક વિચારીશ.''

" વિચારવામાં વર્ષ વીત્યું...અભિ, હવે તો છૂપાવવાની મથામણથી થાકી હું...જલદી જે કરવું હોય તે કરો"

" મારા માટે આટલી રાહ જોઈ ને ! થોડીક વધારે હવે"

" જાન જોડી ને લઈ જાઓ...પછી રોજ તમારી રાહ જોઈશ...ઓફિસથી ઘરે આવવાની... સમજ્યા ?"

" ધાર કે, કોઈ વાર હું ઘણા દિવસો સુધી બહાર હોઉં તો ?"

" દિવસો શું... વર્ષો સુધી રાહ જોઈશ...પારખાં કરી લેજો"

***

રેલવે ફાટક ખૂલ્યું ને....સરકારી કાર ટ્રાફિક વચ્ચે આગળ ચાલી, અભિનવની સ્મરણ યાત્રા પણ આગળ વધી.

અભિનવ ને શહેરમાં ત્રણ વર્ષ પૂરા થવા આવ્યાં. નોકરીનો માન, મોભો અને મર્યાદા રાગિણી પ્રત્યેના પ્રેમ ઉપર હાવી જ રહ્યા હતા.

પોતાના પ્રેમનો એકરાર પોતાના પૂરતો જ સીમિત રાખવા જાણે તે મથી રહ્યો હતો. ક્યાંક પોતાની કારકિર્દી ને નુકસાન નો તો ક્યાંક મેળવેલ માનપાન ગુમાવવાનો ડર તેને રોકી રહ્યો હતો. આ બાજુ રાગિણી જાણતી હતી કે પોતાના પિતા અભિનવ પ્રત્યે ઘણું સન્માન ધરાવતા હોઈ અભિનવ સાથેના સબંધ ને મંજૂર રાખશે જ.

પ્રેમ આમ તો કોઈની પરવા કરે નહીં પણ, અહી વાત હતી કારકિર્દી ને જામેલ મોભાની. રાગિણી પ્રત્યેની અનહદ ચાહતનાં દરિયા વચ્ચે સ્વાર્થનો સૂકો બેટ અભિનવ માટે અગત્યનો થઈ પડ્યો !

બીજા રાજ્યમાં બદલી થઈ ને જવાના દિવસો નજીક હતા પણ...પ્રેમિકાના આગ્રહ મુજબ પ્રેમી આગળ ના વધી શક્યો.

" અભિ, શું વિચારો છો ? આમ ને આમ વિચારવામાં વર્ષો વીત્યા ને બદલી પણ થઈ ... "

" હા..., રાગી, હવે તો શહેર છોડવાનું થશે !"

" અને, મને.... ?"

" અરે...તુંં મારા હ્રદયમાં છે.."

" ખાલી હૃદયમાં જ, સાથે રાખી જીવન જીવવું નથી એ તો સાબિત કરી દીધું છે હવે તમે..."

" ના...એવું નથી. હું...આ રવિવારે જ આવું છું, તારા પિતાજી ને મળવા "

" ત્રણ વર્ષથી મળો જ છો...કાંઈક નવું હોય તો કહો"

" અરે, આ વખતે...ચોક્કસ"

નારાજ પ્રેમિકાનો હાથ પોતાની હથેળીમાં લઈ ડૂબતા સૂર્ય સાથે નજર મિલાવવાનો પ્રયત્ન અભિનવ કરી રહ્યો હતો.

***

રવિવાર આવ્યો ને ગયો. પછીના દિવસે અભિનવનો ફોન હતો કે પોતે નવી જગ્યા એ હાજર થઈ થોડા દિવસ પછી પાછો આવશે ને જમના દાસને મળી બધું નકકી કરી લેશે.

રાહ જોવાનું નસીબ રાગિણી ના લલાટે ચમકી રહ્યું.

નવા પ્રદેશમાં નવો માન મરતબો અભિનવ ને ખેંચી રહ્યો હતો.

***

રાગિણીની રાહ જોવાની આદત અજમાયશ પર હતી. આ બાજુ અભિનવનો સંપર્ક નંબર બદલાઈ ગયો, શહેર બદલાયું પણ તેનું મન નહીં બદલાય તેવી રાગિણી ને ખાતરી હતી.

સમય વીત્યો, સંપર્ક સેતું વેર વિખેર થયો...આ બાજુ અભિનવ નવા માહોલમાં નાવીન્ય અનુભવી રહ્યો. કારકિર્દીની વધી રહેલી ચમક આડે બીજું બધું તુંચ્છ લાગતુંં હતુંં. જો કે...રાગિણી નામનો દીવો હૃદયમાં ઊંડે ઊંડે પ્રજ્વલિત હતો.

જેમ જેમ સંપર્ક ઓછો થયો તેમ તેમ ગુનાહિત ભાવ ના કારણે અભિનવે જૂના શહેર અને જૂના સંબંધોથી જાણે દૂર રહેવાનું શરૂ કર્યું હતુંં. નવી જગ્યા ને નવા માન પાન પણ આ માટે જવાબદાર હતા કે શું.. ?

રાગિણી પણ નવી સ્થિતિ ને પામી ગઈ હતી...પણ, પોતાની લાગણી અને બોલ પર મક્કમ રહી. નવી નોકરી પર હાજર થઈ થોડા દિવસ પછી પાછા આવવા ના વચન ઉપર તેણે અભિનવની રાહ જોયા કરી.

સમય વીત્યો, જમનાદાસ દીકરીના લગ્ન માટે મથામણમાં નિષ્ફળ રહી સ્વર્ગે સિધાવી ગયા. શહેરનું મોભાદાર ઘર અને મોટો વ્યવસાય હવે રાગિણીનું સુકાન પામ્યો હતો. વિરહની વેદના કહો કે પ્રેમી તરફથી મળેલ દુઃખ, તેને જીવનનો ભાગ બનાવી પોતાની સઘળી આવડત ખાનદાની વેપારમાં લગાવી દીધી.

આજે...શહેરમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં રાગિણીનું નામ પ્રથમ સ્થાને હતુંં. શહેરનું જર્જરિત ધર્મ ક્ષેત્ર જીર્ણોદ્ધાર કરાવી શહેરનું દિલ જીતી લીધું હતુંં. વળી, ધર્મ ધજા ને ફરકતી રાખવાની પ્રવૃત્તિમાં વધુને વધુ ઓતપ્રોત થયેલી રાગિણી ગમે તે ક્ષણે સંસારી જવાબદારી છોડી સન્યાસ લઈ લે તેવી શહેરમાં ચર્ચા થતી રહેતી.

***

દસ વર્ષ પછી એકવાર ફરી શહેરમાં પાછા નિયુક્ત થયેલ બાહોશ અધિકારી અભિનવ ને સત્કારવા યોજાયેલ સમારંભમાં પણ મુખ્ય અતિથિ રાગિણી મહાજન હતા.

પ્રેમીઓની નજર એકબીજાને વીંધી રહી હતી. જાજરમાન અને ઠસ્સાદાર યુવાન મહિલા અભિનવના મનમાં તરંગો જીવિત કરી રહી જાણે !

" શું...રાગિણી મારી સાથે વાત કરશે ? મને માફ કરશે ? ...અને હવે તો લગ્ન કરી ઠરીઠામ થઈ ગઈ હશે..હવે આ બધું વિચારવાનો ક્યાં મતલબ છે ? ... પોતે હજુ લગ્ન નથી કર્યા તેવું તેને જણાવવું કે નહીં ?...વગેરે વિચારો અભિનવના મનને વ્યસ્ત રાખી રહ્યા હતા."

અભિનવના આશ્ચર્ય વચ્ચે ... કોઈ પણ પ્રકારના સંવાદ વગર સમારંભ પૂરો થયો. સ્મિત સાથે આવકારનો પુષ્પગુચ્છ રાગિણીનાં હાથે અભિનવે સ્વીકાર્યો. આવકારનું ટૂંકું પ્રવચન આપી...શહેરમાં ફરી પધારવા માટે અભિનવનો આભાર માની રાગિણી એ જાણે યંત્રવત ફરજ નિભાવી.

***

આજે રવિવાર હતો. અભિનવની સરકારી ગાડી અચાનક મહાજન મેન્શન આગળ આવી ઊભી.

" પધારો, સાહેબ "

રાગિણીના અર્થસભર આવકારને અભિનવ પામી ગયો હતો.

" રાગિણી, કેવું ચાલે છે ? ઘણા વર્ષો વીતી ગયા...નહીં ?''

" હા, દસ વર્ષ અગિયાર દિવસ ..."

" અરે, તે..તમે...પરફેક્ટ હિસાબ રાખ્યો છે ને કંઈ !"

" લાગણીઓ હિસાબ રાખતી થઈ જાય ત્યારે એ પરફેક્ટ હિસાબ જ રાખે...સાહેબ ! "

" બાય ધ વે, રાગિણી...તમારા ફેમિલી મેમ્બર્સ સાથે ઓળખાણ નહીં કરાવો ?''

" હા, હું રાગિણી મહાજન પોતે અને આ નિવાસસ્થાન મારું ફેમિલી "

" મતલબ, હજુ લગ્ન..."

" અભિનવ સાહેબ...મે વાયદો કરેલ તે મુજબ 'અભિ'ની રાહ જોઈ છે...જોયા જ કરી છે... !"

રાગિણી ઉપર છત તરફ જોઈ કાંઈક વિચારતી બોલી રહી.

" રાગિણી...મારી ભૂલ થઈ ગઈ, કેરિયર, માન મરતબો ને પૈસાની લ્હાયમાં હું તને પણ ભૂલાવી બેઠો, પણ સાચું કહું...તો ભૂલી શક્યો તો નથી. આ તારો ' અભિ ' હજુ તારો થવા જ પાછો આવ્યો છે."

અભિનવની આંખોમાં આંસુનો પ્રવાહ ઉમટયો.

" સાહેબ, આપના જેવા ઉચ્ચ અધિકારીઓ આમ આંસુ સારે તે સારું ના કહેવાય...કોઈ જોઈ જાણી જશે તો તમારા માનમાં ઘટાડો થઈ જશે. તમારા પત્ની, બાળકો શું વિચારશે ?"

" હવે...કોઈ પરવા નથી...મને કોઈ માન જોઈતુંં નથી. મારે મારી ' રાગી ' જોઈએ...અને મારે પત્ની કે બાળકો ક્યાં છે... તને તરછોડી પછી મે કેરિયર સિવાય ક્યાં કશું વિચાર્યું છે... !"

" અભિનવ સાહેબ, તમારી રાહ જોવાની મારી નેમ તો હવે પૂરી થઈ ગઈ છે. હવે હું કોઈ બંધનમાં નથી. હવે, આપ જાઓ...હું આપને ફરી આમંત્રણ આપીશ."

અભિનવ થોડી વાર સૂમસામ બેસી રહ્યો.

" હું તારા આમંત્રણની રાહ જોઈશ..."

" જરૂર, પણ તમારે વધુ રાહ નહીં જોવી પડે.."

***

અઠવાડિયા પછીની વાત છે. શહેરના જીર્ણોદ્ધાર પામેલ ધર્મ ક્ષેત્રમાં ધાર્મિક દીક્ષા સમારોહનું આયોજન થઈ રહ્યું હતુંં. શહેરના કેટલાક પ્રતિષ્ઠિત આગેવાનો યજમાન બન્યા હતા. અભિનવ ને મળેલ પત્રિકામાં નિમંત્રણ આપનાર ટ્રસ્ટી તરીકે રાગિણી મહાજનનું નામ હતુંં.

નિર્ધારિત દિવસે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અભિનવ હતો. દીક્ષા લેનાર અને ધર્મ પંથે પ્રયાણ કરનાર યુવક, યુવતીઓ ને ધાર્મિક વસ્ત્ર ઓઢાડી સન્માન કરવાનું હતુંં.

ધાર્મિક સંગીત અને વિધિ વચ્ચે પોતાની બેઠક પરથી અભિનવ રાગિણીની રાહ જોઈ રહ્યો. સમારંભ ના એક પછી એક ચરણ આગળ વધ્યા. હજુ રાગિણી દેખાઈ નહતી.

પ્રમુખ સાધુ ભગવંતે માઈક હાથમાં લીધું. ઉપસ્થિત મહેમાનો ને સંબોધતા કહ્યું...

" આદરણીય શ્રેષ્ઠીઓ અને ભક્તો...આજે આપણા કાર્યક્રમની જણાવેલ રૂપરેખામાં થોડો ઉમેરો કરું છું. હંમેશા ધર્મ કાર્યમાં આગળ રહેલ શહેરના શ્રેષ્ઠ નારી રત્ન રાગિણી મહાજન ને આ શહેર આજે એક નવા સ્વરૂપે જોશે...ત્યાગ કેવો હોય તેના મૂર્તિમંત સ્વરૂપના દર્શન કરી સૌ ધન્ય થશો.."

બીજી ક્ષણે, દીક્ષા વાંછુ યુવક યુવતીઓના સમૂહમાંથી સાદા પણ જાજરમાન વેશમાં ધાર્મિક વસ્ત્રો પહેરેલ મહિલા ઊભી થઈ નમ્ર પણે ચાલતાં એ પ્રમુખ સાધુ ભગવંતના ચરણ સ્પર્શ કરી ઊભી રહી. બધી જનમેદની સ્તબ્ધ હતી.

" આપણા શ્રેષ્ઠી રત્ન રાગિણી મહાજન ધર્મ પંથે પ્રયાણ કરી રહ્યાં છે. વર્ષોથી આ દિવસની તેઓ રાહ જોઈ રહ્યા હતા. પોતાની સઘળી મિલકત ધર્મક્ષેત્રને દાન કરી તેણી આજે પ્રભુભક્તિનાં માર્ગે ચાલી નીકળ્યાં છે... આપણે સૌ તેમની આ ભૂમિકા વધાવી લઈએ...હું અધ્યક્ષ સ્થાને રહેલ અભિનવ સાહેબને વિનંતી કરીશ કે ભૌતિક જીવનના છેલ્લા જાહેર સન્માન તરીકે તેઓ ત્યાગ વસ્ત્ર ઓઢાડી રાગિણી મહાજનનું સન્માન કરે..."

તાળીઓનો ગડગડાટ શમ્યો ન હતો પણ, અભિનવનો હૃદય ધબકાર જાણે શમી રહ્યો હતો.

" મેં વર્ષો લગી રાહ જોવડાવી, હવે હું જન્મોની રાહ જોઈશ..."

વસ્ત્ર ઓઢાડતી વખતે...અભિનવ જાણે આવું જ કાંઈક ધીમેથી બોલ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract