Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpak Goswami

Abstract Thriller Others

4.5  

Pushpak Goswami

Abstract Thriller Others

વિજેતા - એક શૌર્યગાથા

વિજેતા - એક શૌર્યગાથા

12 mins
318


હું એટલે કે વિર પ્રતાપ સિંહ, આજે એક એવી વાત કહેવા જઈ રહ્યો છું, જે ઈતિહાસના પાને કાયમ માટે દફન થઈ ગઈ, એક સાઈલન્ટ ઓપરેશનના નામે દુનિયાની ભીડમાં ક્યાંય ખોવાઈ ગઈ... આ રચના એવા શહીદોને સમર્પિત કે જેમણે માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું.

આજે મારા દીકરાને ગાર્ડનમાં રાષ્ટ્રધ્વજ લઈને તેના સાથી મિત્રો સાથે રમતો જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. આજે મને પણ મારા મિત્રોની યાદ આવતા આંખ ભરાઈ ગઈ. એમ થયું કે કાશ મારા મિત્રો પણ મારી સાથે હોત તો કેટલું સારું થાત.

અમે છ મિત્રો હતા. હું એટલે કે વિર પ્રતાપ સિંહ, ઈમ્તિયાઝ અલી, જગદીશ મિશ્રા, એઝાઝ ખાન, ત્રિદેવ મહેરા અને અમર સક્સેના. શરૂઆતથી જ જાણે એકબીજા વગર દિવસની શરૂઆત જ ના થાય. એક બીમાર પડે તો તાવ ૬ એ જણને આવી જાય એવી હતી અમારી મિત્રતા. સ્કૂલેથી છૂટીને જ્યારે ઘરે જતા હોઈએ ત્યારે જો આકાશમાંથી વિમાન જતું દેખાય તો ખુશ ખુશ થઈ જતાં અને અમે પણ વિચારતા કે અમને ક્યારે વિમાન ચલાવવા મળશે. 

આમ ને આમ અમારું સ્કૂલનું શિક્ષણ હસતા રમતા પૂરું થઈ ગયું. અમે કોલેજ પણ સાથે જ કરી અને કોલેજ કરતાં કરતા એરફોર્સ ની તૈયારી પણ ચાલુ કરી દીધી. વિમાન ચલાવવાનું ભૂત તો અમારી માથે એવું સવાર હતું કે અમે ૬ એ જણ ગાંડાની માફક એરફોર્સની તૈયારીમાં લાગી ગયા. ૨ વર્ષની સખત મહેનત આખરે રંગ લાવી. અહીંયા પણ અમે અમારી ભાઈબંધી ના છોડી. એક સાથે જ અમે સિલેક્ટ થઈ ગયા. બીજા દિવસે અમને નિમણુક પત્ર આપવામાં આવ્યા જેમાં અમારી ટ્રેનિંગની જગ્યા અને ક્યારે હાજર થવાનું તે લખેલું હતું. અમને ૬ જણને બે અલગ અલગ ટ્રેનિંગ સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. હું, ઈમ્તિયાઝ અને અમર કોચીન સેન્ટર પર જ્યારે જગદીશ, એઝાઝ અને ત્રિદેવ ને કલકત્તા સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા.

અમારા બધા માટે ખુબજ મુશ્કેલી ભરી વાત એ હતી કે અત્યાર સુધી સાથે ઉછરેલા છોડ હવે વૃક્ષ બનવા માટે અલગ પડવાના હતા. ભારે હૈયે એકબીજાને મળતા રહેવાનું અને કઈ નહિ તો દિવસમાં એક વાર અચૂકપણે ફોનથી જોડાયેલા રહેવાનું વચન આપી અમે છૂટા પડ્યા.

બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરૂ થઈ. અમે બધા જ વિમાન ને જોવા માટે ખૂબ જ ઉત્સાહી હતા. ફટાફટ થિયરીનો ક્લાસ પૂર્ણ કરી અને હું, ઈમ્તિયાઝ અને અમર વિમાન જોવા માટે વર્કશોપમાં ગયા. ત્યાં ગયા તો અમારી આંખો ખુલી ને ખુલી જ રહી ગઈ.... બાપ રે... આટલું મોટું વિમાન... આજ પહેલા અડવાનું તો શું, આટલા નજીકથી જોવાનું પણ નસીબમાં ન હતું. મન ભરીને નિહાળી લીધા પછી અમે ત્રણે ભાઈબંધો એ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે આ વિમાન ને રમકડાંની જેમ ઉડાડતા શીખવું છે. સાંજે રૂમ પર આવીને જગદીશ, એઝાઝ અને ત્રિદેવ ને કોલ કરીને તેમનો અનુભવ પણ જાણી લીધો અને પોતાનો વર્ણવી પણ દીધો. એ દિવસે અમે ૬ એ જણાએ ખુદને એક વચન આપ્યું કે કોઈ પણ ભોગે ભારત ના શ્રેષ્ઠ પાઈલટ બની ને બતાવવું છે. પછી થાય શું ? શરૂ થઈ સ્કૂલમાં ચાલતી હતી એવી જ હરીફાઈ....

બીજા જ દિવસથી અઘરામાં અઘરી ટ્રેનિંગ અને બને તેટલો સમય ફિલ્ડ માં વિતાવવાનું શરૂ કરી દીધું. જ્યાં બીજા પાઈલોટ ૩ અથવા ૪ કલાક હવામાં પસાર કરતા ત્યાં અમે ૭-૭ ને ૮-૮ કલાક પસાર કરવાનું શરૂ કરી દીધું. સતત field માં રહેવાના કારણે અને પોતાની જાતને વધુમાં વધુ સમય વિમાન સાથે આપવાના કારણે ૨વર્ષની ટ્રેનીંગ જાણે ૨ મહિનામાં પૂરી થઈ ગઈ હોય એવું લાગ્યું. ૨૬ જાન્યુઆરી એ અમારા ટ્રેનીંગ સેન્ટર નો છેલ્લો દિવસ હતો. અમારા બધાની અંદર ખૂબ જ ઉત્સાહ હતો કેમ કે ૨વર્ષ પછી અમે ૬ મિત્રો આજે મળવાના હતા. હું, ઈમ્તિયાઝ ને અમર, અમારો સાથ આપવાના હતા જગદીશ, એઝાઝ ને ત્રિદેવ. આજે અમારી આકાશી કરતબ કરવાની વારી હતી અને ૬ મિત્રો સાથે હોય પછી પુછવું જ શું ? એવા તો કરતબ કર્યા કે જોવા વાળાને પણ મજ્જા આવી ગઈ. રાતનું જમવાનું પૂર્ણ કરી અમે ઘરે આવવા રવાના થયા.

વહેલી સવારે અમે અમારા ગામ આવી પહોંચ્યા અને જોયું તો ઓ..હો...હો...હો.... આખું ગામ જાણે અમારા સ્વાગત માટે ઉમટી પડ્યું હતું. ખરેખર આજે એહસાસ થયો કે ભારતમાતાના રક્ષક હોવું એ કેટલી ગર્વ લેવા જેવી બાબત હોય છે.

ઘણી બધી અલગ અલગ જગ્યાએ અમે ફરજ નિભાવી, ઘણા નાના મોટા ઓપરેશન પાર પાડ્યા અને ઘણા ઉતાર ચઢાવ પણ જોયા. ઘણી નાની મોટી લડાઈઓમાં પણ અમે ભાગ લીધો અને વિજયી પણ રહ્યા. આટલો બહોળો અનુભવ અને અમારી ધગશ ના કારણે અમે વિમાની કરતબો ને આત્મસાત તો કરી લીધા પરંતુ જ્યાં સુધી વિદ્યા યોગ્ય જગ્યાએ કામ ના આવે ત્યાં સુધી શું કામની ? એટલે અમે ૬ મિત્રોએ સરકાર ને એક અપીલ કરી કે અમને એક અલગ ટીમ બનાવવા દેવામાં આવે જે દરેક સમસ્યા માટે સજ્જ રહેશે. જ્યારે ખૂબ જ ક્રિટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે જ આ ટીમ એક યુનિટ તરીકે કામ કરશે અને કામ પૂર્ણ કર્યા વગર ક્યારેય પરત નહીં ફરે. ઘણી મહેનત અને થોડી લાગવગના કારણે અમને ટીમ બનાવવાની પરવાનગી મળી ગઈ. અમને જાણે આખું આસમાન સોંપી દીધું હોય તેટલી ખુશી થઈ હતી.

આ ટીમ ને કેટલાક નીતિ નિયમો પણ આપવામાં આવ્યા, જેમ કે; આ ટીમ ફક્ત પ્રધાનમંત્રી ના આદેશ થી જ કાર્યરત થશે, ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાની નિર્ધારિત જગ્યા પર જ સેવા બજાવશે. આ ટીમ કોઈને પણ કોઈ પણ જવાબ આપવા માટે ક્યારેય બંધાયેલી નથી. જ્યારે ટીમ તેના કોઈ પર્સનલ મિશન પર હોય તો તેની જાણકારી ફક્ત પ્રધાનમંત્રી ને જ હશે, ટીમ ના પારિવારિક સભ્યોને પણ કોઈ જાણ ના હોવી જોઈએ, અને જો કોઈ મિશન દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો ટીમ ના કોઈ પણ સદસ્ય ને ભારત સરકાર સ્વીકારશે પણ નહિ. આ દરેક શરત પર અમે ૬ મિત્રોએ સહી કરી અને ટીમને નામ આપવામાં આવ્યું "VIJETA". V = વિર પ્રતાપ સિંહ, I = ઈમ્તિયાઝ અલી, J = જગદીશ મિશ્રા, E = એઝાઝ ખાન, T = ત્રિદેવ મહેરા અને A = અમર સક્સેના.

છેલ્લા ૫ વર્ષમાં કારગીલ થી લઈને કન્યાકુમારી સુધી કોઈ જ પટ્ટો એવો બાકી નહી હોય કે જ્યાં VIJETA એ કોઈ મિશન ના કર્યું હોય અને વિજયી ના બની હોય. જોત જોતામાં અમે ફિલ્મસ્ટાર્સ કરતા પણ આગળ નીકળી ગયા. અવાર નવાર ચર્ચામાં રહેવા લાગ્યા. આ દરમિયાનમાં દુશ્મન પણ ઘણા શાંત થઈ ગયા હોય એવું લાગ્યું એટલે અમે રજા લઈ અને ઘરે થોડા દિવસ રોકવા આવ્યા. એ અરસામાં અમારા મા બાપ એ અમારા માટે જાણે છોકરીઓ શોધી જ રાખી હોય તેમ ફટાફટ લગ્ન કરાવી દીધા. લગ્ન પછી અમે હનીમૂન માટે કુલું મનાલી જવાનું નક્કી કર્યું અને એક સરસ પ્લાન બનાવી ને બધા ફરવા ગયા.

કુલુ મનાલીમાં પહેલા ૨-૩ દિવસ તો સારું લાગ્યું, પરંતુ થોડા દિવસ પછી અમને થોડું અજીબ લાગવા લાગ્યું. એવું લાગવા લાગ્યું જાણે કોઈ અમારો પીછો કરી રહ્યું હોય અને સતત અમારી પર નજર રાખી રહ્યું હોય....

અમે પણ અમારી રીતે તપાસ ચાલુ કરી. અમારી પત્નીઓને ખબર ના પડે તે રીતે અમે વચ્ચે વચ્ચે થોડો સમય ગાયબ થઈ જતાં અને અમારી રીતે અમારા પર કોણ નજર રાખી રહ્યું છે તેની તપાસ હાથ ધરી. તપાસ કરતા જે ખબર પડી તે વાત ખૂબ જ ચોંકાવનારી હતી. રશિયાની કોઈ સ્પાય એજન્સી ને અમારા પર નજર રાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અમે ક્યાં જઈએ છીએ, શું ખાઈએ છીએ, અમારી પસંદ - નાપસંદ દરેક નાનીથી લઈને મોટી વાતની જાણકારી આ લોકો જોડે હતી. એટલે અમે અમારી તપાસ થોડી ઊંડે સુધી કરવાનું વિચાર્યું કે રશિયા ને ભારતથી કઈ વાતનો ખતરો છે. તપાસ કરતા ખબર પડી કે રશિયા તો માત્ર કામ કરે છે, પણ એ કામ ચીને રશિયા ને સોંપ્યું છે, એટલે અમે છેક ચીન સુધી અમારી તપાસ લંબાવી. 

વાત કઈક અલગ લાગી એટલે અમે જાતે જ તપાસ કરવાનું વિચાર્યું. ઈમ્તિયાઝ, એઝાઝ અને જગદીશ ને ચીન જવાનું કીધું અને હું, ત્રિદેવ ને અમર અમે અહીંયા ભારતમાં રહીને તપાસ કરવાનું અને જરૂર પડ્યે ચીન સુધી કોઈ સપોર્ટ મોકલવો હોય તો તેના માટે અમે અહીંયા જ રહ્યા.

બીજા જ દિવસે ઈમ્તિયાઝ, એઝાઝ અને જગદીશ ચીન જવા રવાના થયા, કેમ કે વાત ધાર્યા કરતા વધારે સિરિયસ હતી અને ભારતમાતા પર કોઈ પણ ખતરો લેવાના મૂડમાં અમે ક્યારેય પણ ન હતા. ત્યાં પહોંચી ને તેમણે તેમની રીતે તપાસ હાથ ધરી દીધી. અહીંયા અમે પણ તેમની સુરક્ષા પર અને અહીંની ગતિવિધિ પર પણ નજર રાખી રહ્યા હતા. ચીનમાં લગભગ એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો પરંતુ કઈ જ હાથ લાગ્યું નહિ. એક દિવસ અચાનક ઈમ્તિયાઝ અને એઝાઝ ને એક પાકિસ્તાની છોકરી શબનમ નો કોન્ટેક્ટ થયો. જગદીશ ને કીધા વગર જ ઈમ્તિયાઝ ને એઝાઝ શબનમ ને મળવા જતા રહ્યા. તેમણે જે મેસેજ અમને મોકલ્યો તે જાણીને અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ... 

તેમના કહેવા પ્રમાણે પાકિસ્તાન ભારત પર ખૂબ મોટા પ્રમાણમાં એટેક પ્લાન કરી રહ્યું છે, જેમાં ભારતની આર્મી, નેવી અને એરફોર્સ ના ખૂબ મોટા હોદ્દેદારો પણ શામેલ છે. હવે અહીંયા અમારી ચિંતા વધી ગઈ કે આ વાત કરવી તો કોને કરવી ? કોને કહેવું ? કોના પર ભરોસો કરવો ? ઈમ્તિયાઝ ને એઝાઝ ને મે શબનમ સાથે કોન્ટેક્ટ બનાવી રાખવા માટે કહ્યું અને અહીંયા મારે કોને આ વાત કરવી તેની અસમંજસમાં હું મુકાઈ ગયો.

એક દિવસ જગદીશે મને કીધું કે ઈમ્તિયાઝ અને એઝાઝ ની હરકત કંઈક બદલાયેલી હોય તેવું લાગે છે. મે તેનું કારણ પૂછ્યું તો જગદીશ મને કે એ બંને જણ શબનમ સાથે મળી ગયા હોય તેવું લાગે છે. શબનમ સાથે મળીને તે લોકો ભારતમાં કંઈક કરવાનું વિચારી રહ્યા છે. મને ત્યારે જગદીશ પર ખૂબ જ ગુસ્સો આવ્યો કે તું આપણા લંગોટિયા યાર પર શક કરે છે, તો મને કે, વાત આપણા મિત્રોની નથી, અહીંયા વાત છે ભારતમાતાની, વાત છે એ સવા સો કરોડ ભારતીયો ની, ને એમની જિંદગી સાથે હું કોઈ પણ જાતનું રિસ્ક ના લઈ શકું.મને અત્યારે એવું લાગ્યું કે જગદીશ પર આ ભૂત એટલું સવાર થઈ ગયું છે કે અત્યારે તેને કઈ દેખાશે નહિ. તેને કોમવાદ ના વિચારો ઘેરી વળ્યા હતા અને અમારી બધાની મિત્રતા અત્યારે એક નાજુક સમયમાંથી પસાર થઈ રહી હતી. એટલે મેં મારા બીજા સોર્સ દ્વારા જાણકારી મેળવવાનું નક્કી કર્યું.

એક અઠવાડિયાની અંદર જે જાણકારી મળી તે ખૂબ જ ચોંકાવનારી હતી. તેમના કહ્યા મુજબ એઝાઝ અને ઈમ્તિયાઝ બંને શબનમ અને તેની મિત્ર નિલોફર ના પ્રેમમાં પાગલ બની ગયા હતા. તેમને ભારતમાતા કરતાં વધારે અગત્યનું તે લાગવા લાગ્યું હતું. અને શબનમ અને નિલોફર વિશે માહિતી મેળવી તો ખબર પડી કે તે બંને ISI ની એજન્ટ છે, અને ઈમ્તિયાઝ અને એઝાઝ સાથે મળીને તે લોકો ભારત પર ખૂબ મોટો એટેક કરવાનું પ્લાન કરી રહ્યા છે, જેની મુખ્ય સૂત્રધાર શબનમ છે. હું જગદીશને કોઈપણ ભોગે ખોવા ન હતો માંગતો, એટલે મે તેને તરત જ ખાલી એટેક ની જગ્યા જાણી અને પરત આવતા રહેવાની સૂચના આપી. ખૂબ જ સમજાવ્યા પછી તે માની ગયો અને તેણે પાછા આવી અને મને જણાવ્યું કે એ લોકો ગુજરાતમાં એટેક કરવાનું પ્લાન કરી રહ્યા છે. તેણે મને ઈમ્તિયાઝ અને શબનમ તેમજ એઝાઝ અને નિલોફર ના ફોટા બતાવ્યા, જેના પરથી એક વાત તો સ્પષ્ટ હતી કે ઈમ્તિયાઝ અને એઝાઝ હવે પૂરેપૂરા શબનમ અને નિલોફર ના વશમાં હતા. જગદીશ એ પણ જાણી લાવ્યો હતો કે એ લોકો ગુજરાતના કયા શહેરને ટાર્ગેટ કરવાનાં હતા અને કેવી રીતે. હવે નક્કી એ કરવાનું હતું કે મિત્રતા મોટી કે દેશપ્રેમ. કેમ કે ખબર જ હતી કે કાલે ઊઠીને આ જ મિત્રો સામે હથિયાર ચલાવવા પડશે જેની સાથે બેસીને ક્યારેક એક જ થાળીમાં જમ્યા હતા.

અંતે તે ઘડી આવી ગઈ. ઈમ્તિયાઝ, એઝાઝ, શબનમ અને નિલોફર, ચારે જણાં અમદાવાદમાં ભાડેથી રૂમ રાખી અને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા. એક અઠવાડિયા પછી બ્લાસ્ટનો પ્લાન પણ નક્કી થઈ ગયો. મે અને મારી આખી ટીમે તેમના પર નજર રાખવાનું શરૂ કરી દીધું. તેમની દરેક ગતિવિધિ પર અમારી નજર રહેતી. તે લોકો ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, દરેક નાની નાની બાબતની પણ માહિતી મેળવતા રહ્યા. અંતે નિર્ધારિત સમય પ્રમાણે બ્લાસ્ટનો દિવસ આવી ગયો, અને સવારથી આ ચારે લોકો અચાનક ગાયબ થઈ ગયા. અમારી આખી ટીમ, SOG ની ટીમ તેમજ કમાન્ડો ટીમ, બધા જ કામ પર લાગી ગયા, પરંતુ કોઈના હાથ કંઈ જ લાગ્યું નહિ. મને ખુદ પર એટલો બધો ગુસ્સો આવવા લાગ્યો કે કંઈ જ સમજાતું ન હતું કે શું કરવું. એક સમય માટે તો એવું લાગવા લાગ્યું કે એ લોકો આવ્યા તે જ દિવસે તેમને શૂટ કરી દેવા જોઈતા હતા. પરંતુ હવે હાથમાં કઈ જ ન હતું.

બીજા દિવસે સમાચારમાં જાણવા મળ્યું કે ISI ની એક ટીમે ગુજરાતની કચ્છ બેઝ ન્યુક્લિયર લેબ ઉડાવી દીધી અને ભારતનું પરમાણુ બનાવવાનું સપનું કાયમ માટે રોળી નાખ્યું. આ નુકશાનથી ભારત દુનિયા ના બીજા દેશ કરતા લગભગ ૫૦ વર્ષ પાછળ જતું રહ્યું. મારા પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ. હું અહીંયા અમદાવાદમાં શોધતો હતો ને એ લોકો કચ્છમાં બ્લાસ્ટ કરીને પાછા પાકિસ્તાન જતાં પણ રહ્યા. મે ત્યાર પછી ખૂબ મહેનત કરી પણ આજદિન સુધી એ લોકો નો કોઈ જ પત્તો લાગ્યો નથી. કોણ ક્યાં છે, શું કરે છે કોઈ જ ખબર નથી.

આજે એ વાતને ૩૦ વર્ષ થઈ ગયા. આજે પણ મને એમ થાય છે કે ઈમ્તિયાઝ અને એઝાઝ એ આવું શું કામ કર્યું ?? મે તેમના ઘરે પણ તપાસ કરી હતી, તેમની પત્ની અને છોકરાઓ ને પણ લોકો દેશદ્રોહી મને છે. તે લોકો પણ ખૂબ જ નર્કની જિંદગી જીવી રહ્યા છે અહીંયા ભારતમાં. મે તેમને મારાથી થતી મદદ પણ કરી અને તેમને પાછા પાકિસ્તાન જતાં રહેવા પણ જણાવ્યું, પરંતુ તેમનું કહેવું છે કે ભારત જ અમારો મુલ્ક છે ને કાયમ માટે રહેશે. મને ત્યારે એવું થઈ આવ્યું કે આટલી વાત ઈમ્તિયાઝ અને એઝાઝ કેમ ના સમજી શક્યા ?

હું મારી નાકામિયાબી પર અને મિત્રોના દગા પર વિચાર કરતો અને ખુદ ને કોસતો મારી જિંદગી પસાર કરવા લાગ્યો હતો. હવે ના કોઈ મકસદ હતું કે ના કોઈ મંજિલ. બસ જિંદગી પૂરી કરવાની હતી. હવે તો મે બનાવેલી મારી જ ટીમ "VIJETA" પર પણ ધિક્કાર થતો હતો. કે ભારતની સામે કોઈ નજર પણ ના નાખી શકે એ ઈરાદાથી મે જે ટીમ બનાવી હતી તે જ ટીમના સભ્યોએ ભારતને આટલો મોટો ફટકો આપ્યો હતો.

રોજ સવાર થતું ને સાંજ ની રાહ જોતો, સાંજ પડતી ને સવાર ની રાહ.... બસ આમ જ જિંદગી પસાર કરવાની હતી. એક સાંજે હું એ જ રીતે બાલ્કની માં બેઠો હતો, જૂના ગીત ચાલતા હતા અને કુરિયર આવ્યું. મારી પત્ની એ કુરિયર છોડાવ્યું, તેમાં લખ્યું હતું કે, " For squaden leader only". હું જાણે ફરીથી ૩૦ વર્ષ પાછળ જતો રહ્યો. આ નામ અત્યારે કોણ લે ??? અને કોઈ ને ખબર પણ નથી કે આવી કોઈ squade હતી તો પછી આ મોકલ્યું કોણે હશે ?? મે કોઈ પણ જાતના વિલંબ વિના તે કવર ખોલ્યું તો તેમાં એક સીડી હતી. મે લેપટોપ ઓન કર્યું અને સીડી નાખી પણ તેમાં પાસવર્ડ હતો. મે ખૂબ પ્રયત્ન કર્યો પણ સીડી ઓપન ના થઈ. અચાનક મને યાદ આવ્યું કે સીડી મોકલનાર ને એ ખબર છે કે હું કોઈ ટીમનો લીડર હતો તો કદાચ પાસવર્ડ પણ એ જ હોય. મે VIJETA લખ્યું અને સીડી ખુલી ગઈ.

એક પછી એક ફોટા જોયા, વિડિયો જોયા, ઓડિયો ક્લિપ સંભાળી, અને ડોક્યુમેન્ટ પણ જોયા. ખરેખર આંખો પર વિશ્વાસ કરવો પણ અઘરો હતો. પરંતુ સમય સાથે તાલમેલ સાધી જોયો તો ખબર પડી કે બધી જ વાત સત્ય હતી. આ સીડી મોકલવા વાળી વ્યક્તિ હતી મોહમ્મદ અલી અને બરકત ખાન. મોહમ્મદ અલી એટલે પાકિસ્તાની એર ફોર્સ ના વડા, અને બરકત ખાન એટલે પાકિસ્તાની આર્મી ચીફ. તેમણે મને આ સીડી મોકલાવી અને લખ્યું હતું કે વિશ્વાસ ના આવે અમારી વાત પર તો છેલ્લા ૩૦ વર્ષનો ઈતિહાસ તપાસી લેવો. પાકિસ્તાન એક પણ વાર ભારત પર એટેક કરવામાં સફળ નથી રહ્યું, અને તેનું કારણ છે, "વિજેતા". મેં ધ્યાન થી મોહમ્મદ અલી અને બરકત ખાન ના ફોટા જોયા, તેને સોફ્ટવેર માં નાખી એડિટ કરી જોયા, ને હું ચોધાર આંસુએ રડી પડ્યો. 

હું અહીંયા મારા ફેમિલી સાથે શાંતિથી નિવૃત્ત જિંદગી પસાર કરી રહ્યો હતો ને મારા બે મિત્રો, ઈમ્તિયાઝ અલી (મોહમ્મદ અલી) અને એઝાઝ ખાન (બરકત ખાન) પાકિસ્તાની એરફોર્સ અને આર્મી ને લીડ કરી ભારત ને ઈનપુટ આપતા રહ્યા છે અને પોતાના પરિવાર, મિત્રો એટલે સુધી કે પોતાની ઓળખાણ પણ ભૂસવી દઈને ભારતમાતાની રક્ષા કરી રહ્યા છે.

તેમણે જે કચ્છ બેસ પર એટેક કર્યો હતો તે માત્ર નાટક હતું, એટેક ની આગલી રાત્રે જ આખી લેબ ખાલી કરાવી દીધી હતી અને ગુજરાત બહાર બીજી જગ્યા એ પરમાણુ પરીક્ષણ કરવા માટે બધું જ શિફ્ટ કરી દીધું હતું. બ્લાસ્ટ માત્ર પાકિસ્તાનની નજરમાં સારા દેખાવા માટે અને તેમની આર્મીમાં જગ્યા મેળવવા માટે ઈમ્તિયાઝ અને એઝાઝ એ રચેલો પ્લાન હતો અને તેમાં શબનમ અને નિલોફર નામની બે ISI એજન્ટ ખૂબ સહેલાઈથી ફસાઈ ગઈ. મારા તે બે મિત્રોએ આ વાતની ખબર કોઈ ને પણ ના પડવા દીધી અને આજે પણ તે ભારતમાતાનું ઋણ ચૂકવી રહ્યા છે. 

આજે પણ "વિજેતા" એટલી જ આન, બાન અને શાન થી ભારતમાતાની રક્ષા કરી રહ્યું છે. ધન્ય છે આવા વિર પુત્રોને જે ઈતિહાસના પાનામાં ક્યાંય દફન થઈ ગયા, પરંતુ ભારત માતા પર એક આંચ ના આવવા દીધી.

જય હિન્દ.... જય ભારત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract