Rishita Jani

Inspirational

4.8  

Rishita Jani

Inspirational

અન્નપૂર્ણા

અન્નપૂર્ણા

3 mins
536


"રસોડાની રાણી લાવે અવનવી થાળી...તમે પણ જોડાઈ શકો છો અમારાં આ પ્રોગ્રામમાં...નીચે આપેલ નંબર પર તમારી અવનવી વાનગીઓ મોકલો અને અમે આપીશું તમને નવી તક...તમારાં સાસરિયા પણ કહેશે, વહુ અમારી કેવી ! સાક્ષાત અન્નપૂર્ણા દેવી."

ગુસ્સામાં આવી ટીવી બંધ કરી સિદ્ધિ રિમોટ પલંગ પર ફેંકે છે. આ જોઈ વૈભવ પૂછે છે, " શું થયું સિદ્ધિ ? કેમ મૂડ સારો નથી ? કૉલેજમાં કંઈ થયું ?" અને પાણીનો ગ્લાસ આપે છે. સિદ્ધિ એક શ્વાસે પાણી ગટગટાવી જાય છે. વૈભવ ફરી પૂછે છે. ત્યારે સિદ્ધિ દુઃખી અવાજે કહે છે ," થાય શું ? કૉલેજમાં તો મારું કામ જ એવું છે કે કોઈ સવાલ જ ન કરી શકે,પણ..." "પણ શું સિદ્ધિ ?" વૈભવ તેને ખુરશી પર બેસાડી પોતે સામે બેસે છે."પણ એમ કે હું ગુણિયલ નથી." થોડા ખચવાટ સાથે સિદ્ધિ કહે છે.

સિદ્ધિ માંડીને બધી વાત કરે છે કે, સિદ્ધિને પોતે રસોઈ ન આવડતી હોવાથી ગુણવાન વહુ નથી અથવા પોતામાં ખામી છે એવું લાગ્યા કરતું. રોજ વૈભવની સાથે જ કામ પર નીકળી જતી સિદ્ધિ બપોરે ઘરે આવતી ત્યારે પાડોશમાં રહેતા રમામાસી અને ઈલામાસીને પોતાની વહુઓના વખાણ કરતા સાંભળતી અને ક્યારેક સાંજે વળી થોડીવાર નીચે બેસવા જતી ત્યારે ચર્ચામાં ભાગ લેવા બદલ તેને કહેવામાં આવતું, " અરે તને વળી આ રસોઈમાં શું ખબર પડે ! ચિંતા નહીં કર અમારી વહુ બનાવે એટલે તને ચાખવા ચોક્કસ બોલાવીશું."

વૈભવ સિદ્ધિને આવી બધી વાતો ધ્યાનમાં ન લેવા સમજાવે છે. પણ સિદ્ધિને ચિંતા પોતાના સાસુની હોય છે. પોતે અન્ય વહુઓની સરખામણીમાં ગુણવાન નથી. એથી મમ્મીને પણ આ લોકો કંઈ ને કંઈ સંભળાવતા હશે. "બિચારા મમ્મી ! મારા કારણે એમને સાંભળવું પડતું હશે. " સિદ્ધિ નિઃસાસો નાખતા બોલે છે. વૈભવ ઘણું સમજાવે છે છતાં સિદ્ધિના મનમાં પોતાના પ્રત્યે તિરસ્કારની લાગણી એમની એમ રહે છે. સરલાબેન જયારે વૈભવ પાસેથી આ વાત જાણે છે. ત્યારે પોતાના સ્વભાવગત તે શાંતિથી વૈભવને ચિંતા ન કરવા કહી સિદ્ધિ પાસે જાય છે.

કામનું બહાનું કરી તે સિદ્ધિને બહાર લઈ જાય છે. અન્નપૂર્ણાના મંદિરે દર્શન કરી બંન્ને ટેકરી પર બેસે છે. સરલાબેન સિદ્ધિને કૉલેજ અંગે પૂછતા કહે છે," સારું થયું તું પણ નોકરી કરે છે. વૈભવ અને તું બંન્ને છો તો ઘર ચલાવવામાં સરળતા રહે છે. તારા સસરા ગયા પછી પરિસ્થતિ નબળી હતી પણ તું આવી કે ઘરમાં લક્ષ્મી આવી. બહુ સારું છે મારે તું છે તો. બાકી વૈભવ તો બિચારો ધંધાથી બહાર જ હોય છે." આમ સરલાબેન અચાનક આવું બોલતા સિદ્ધિ કારણ પૂછે છે. ત્યારે એ જ મૃદુ સ્વર અને શાંત ચહેરે તે કહે છે, " અરે અચાનક શું ! બહુ પહેલા જ કહેવું હતું, આ તું પણ વૈભવની સાથે કદમથી કદમ મિલાવી કામ કરે છે એટલે આપણે પેટ ભરી ખાઈ શકીએ છીએ. ને કોઈ ગરીબ આંગણેથી ભૂખ્યું નથી જતું. અને તું તો વિદ્યાર્થીઓને જ્ઞાનરુપી ભાથું આપે છે. ભણીગણી આગળ વધી એ બધાં પણ રોટલા કમાવા જશે. હું પરણીને આવી પછી સાસુએ ખિજાઈ ખિજાઈને રસોઈ શીખવાડી પણ મૂઈ એક કળા શીખી તો બીજી રહી ગઈ. સારું છે તું આ બધા બેંકના તથા અન્ય કામો સંભાળી લે છે. મારે તો તું આવી કે લક્ષ્મી, અન્નપૂર્ણા અને બધી સિદ્ધિ આવી."

એ ઢળતી સંધ્યામાં ચાર ચોપડી ભણેલ પોતાના સાસુના ચહેરેથી નીતરતી સમજદારી, પ્રેમ અને હૂંફના કિરણો સિદ્ધિ પોતાની આંખોમાં વસાવતી જોઈ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational