Rishita Jani

Others

4  

Rishita Jani

Others

બે કિનારા

બે કિનારા

3 mins
225


એક તરફ સૂર્યોદયના કિરણોની સોનેરી સુંદરતા અને બીજી તરફ ઢળતી સંધ્યાની શાંત સૌમ્યતા. સ્ત્રોત બંનેનો એક જ પણ લક્ષણો તદ્દન જુદાં. તેમ છતાં કોઈ એકની પણ ગેરહાજરી વગર જીવન ચાલે નહીં.

જુવાનીના ઉંબરે ઊભેલી શ્રદ્ધા અને ઢળતી ઉંમરના ઓટલે બેઠેલ ભાવનાબેન બંનેનાં જીવનની કરુણતા એ હતી કે બંને એ અકસ્માતે પતિ ગુમાવ્યા હતાં. હતા તો સાસુ અને વહુ પણ બંનેમાં અંતર બહુ. એક નદીના બે કિનારા માનો. બંનેને જોડતો એકમાત્ર સ્ત્રોત એટલે નાનો સ્વપ્નિલ. મમ્મી અને દાદીનો લાડલો સ્વપ્નિલ બંને માટે જીવવાનું એક અગત્યનું અને કદાચ એકમાત્ર કારણ હતો.  

ભાવનાબેન પહેલેથી જૂની રૂઢિમાં માનવાવાળા તેમને શ્રદ્ધાની સ્વતંત્રતા ગમતી નહીં અને કદાચ આજે પણ શ્રદ્ધાનું નોકરી પર જવું એમને પચતું નહીં. પણ સ્વપ્નિલના સપનાઓ અને જરૂરિયાતો પૂરી કરવાનું એકમાત્ર સાધન હતું શ્રદ્ધાની નોકરી. વહુ ઓફિસે જતી અને સાસુ માર્યાદિત આવકમાંથી ઘર સંભાળી લેતા. 

જીવન કપરું છતાં શાંતિથી ચાલ્યે જતું હતું, સ્વપ્નિલની ફી સમયસર ભરાઈ જતી અને શ્રદ્ધા ભણતરનું પણ ધ્યાન રાખતી. ભાવનાબેન નિત નવી વાનગીઓ બનાવી સ્વપ્નિલને જમાડતાં. સાસુ વહુ જરૂર પૂરતી જ એકબીજા સાથે વાત કરતા. સ્વપ્નિલ હોય તો વળી ક્યારેક બંને એકબીજાથી જોડાતાં.

સમયને કદાચ એમનું આ શાંત જીવન પરવડ્યું ન હોય તેમ એક દિવસ શ્રદ્ધા રોડ અકસ્માતનો ભોગ બને છે. અને સારવાર દરમિયાન જાણવા મળે છે કે કાળ બની આવેલ કારવાળો પોતાની સાથે શ્રદ્ધાની ફરી પાછા ચાલવાની શક્યતાઓ પણ લેતો ગયો. એટલું ઓછું હોય ઘરનો એકમાત્ર આવકનો સ્ત્રોત, શ્રદ્ધાની નોકરી અને પાઈ-પાઈ કરીને ભેગી કરેલ બચત પણ આ અકસ્માત સાથે લઈ ગયો. 

શાંત પાણીમાં કોઈ કાંકરીચાળો કરી ગયું હોઈ તેમ શ્રદ્ધા અને ભાવનાબેનનું જીવન ફરી એકવખત વમળોમાં ફસાઈ ગયું. સાસુ વહુ સાવ નદાયા બની ગયા. જે સાસુ પોતાની નોકરીને લઈ આટલી ચીડ રાખતા તે હવે વહુ ફરજિયાતપણે ઘરે બેસી જશે એ જાણી ખુશ થશે આવો વિચાર સહુને આવે પણ થયું કંઈક જુદું.

હા ચોક્કસ ભાવનાબેન જૂની વિચારધારા ધરાવતા, પરંતુ પતિ અને પુત્રના ગયા બાદ વહુએ જે રીતે જવાબદારી સ્વીકારી તેની અવગણના કરી શકાય તેમ ન હતી. અને વાત હવે માત્ર વહુની નોકરી કરવા જવાની નહીં પરંતુ ઘરનું ગુજરાન ચલાવવાની હતી. બાળકના ભરણ પોષણની હતી. પણ આટલા વખતથી બંને વચ્ચે આવેલ અંતરને કારણે ભાવનાબેન કે શ્રદ્ધા ક્યારેય પણ એ ખાડો ભરવા પ્રયાસ ન કરતા જેમ ચાલે તેમ જ ચાલવા દેતા.

શ્રદ્ધા ચિંતામાં આવી ડિપ્રેશનનો શિકાર બનવા લાગી. અને પૈસાની તાણ વધવા લાગી. એક દિવસ સ્વપ્નિલ શાળાએથી આવ્યો અને દાદીને કહેવા લાગ્યો, " દાદી તમે તો માસ્ટર શેફ છો. તમને ખબર છે તમારી વાનગીઓ તો આખી સ્કૂલમાં ફેમસ છે ! " પછી સ્વપ્નિલ ભાવનાબેન દ્વારા બનાવેલ અવનવી વાનગીઓના તેના મિત્રો અને શિક્ષકો દ્વારા કરેલ વખાણ સંભળાવતો ગયો.

બલ્બમાં ઝબકારો થાય તેમ ભાવનાબેનના મગજમાં પણ સ્પાર્ક થયો અને બસ ઉતાવળે શ્રદ્ધાને તેમણે પોતાને થયેલા વિચારની ઉત્પત્તિ અંગે વાત કરી.

આજ સ્વપ્નિલ પોતાના કર્મચારીઓને વાત કરતો હોય છે," મારા મોમ અને દાદી બંને સાવ અલગ કિનારા છે, એકદમ વિરુદ્ધ પણ બંનેમાં સામાન્ય શું છે ખબર છે ? લડી જવાની અને જીવન જીવવાની જિજિવિષા. અને તેનું જ પરિણામ છે, આ 'અમૃતનો ઓડકાર' ફૂડ ચેઈન."

ભાવનાબેનની સિક્રેટ રેસિપી અને શ્રદ્ધાની ક્રિએટિવ માર્કેટિંગના પરિણામે આજ સ્વપ્નિલ પોતાના મમ્મી અને દાદીની મહેનતનું ભાથું ઘર ઘર પહોંચાડતો હતો.

માન્યું કે બે કિનારા કદી ભેગા થતા નથી.

પણ તારી પાસે નદીનો વિકલ્પ ક્યાં નથી !


Rate this content
Log in