Rishita Jani

Romance

4.5  

Rishita Jani

Romance

વ્હાલ ભરેલી વેણી

વ્હાલ ભરેલી વેણી

3 mins
401


ઉતાવળે પગલે બધાની નજર ચૂકવી દબાતા પગલે પ્રમોદભાઈ ઘરની બહાર નીકળે છે. પોતાના જ ઘરમાં ચોરની જેમ લપાતા છૂપાતા ફરવું કોને ગમે ? પણ પ્રમોદભાઈને ન છૂટકે આવું કરવું પડતું. કારણ કે જો ઘરના સભ્યોની નજરે ચડે તો તેઓ પૂછી બેસે ," પપ્પા ક્યાં જાઓ છો ? સવાર સવારમાં ! આમ તૈયાર થઈને ક્યાં ફરવા જાઓ છો ?" આટલું ઓછું હોય તેમ નાનો ટેણીયો પણ જિદ પકડે ," દાદા મને આવવું છે. તમારી સાથે લઈ જાઓ ને..."

સવારે ઊઠી બ્રશ કરી સૌપ્રથમ બહાર જવું એ પ્રમોદભાઈનો નિત્યક્રમ. આજની સવાર કંઈક અલગ જ રોમાંચભરી હતી. પ્રમોદભાઈ રોજ કરતા વધારે ઉત્સુક હતા. વહેલી સવારે સૂરજના સોનેરી કિરણો પુષ્પ પર રહેલ ઝાકળબિંદુ સાથે અથડાઈને એવું તો મનમોહક દ્રશ્ય ઊભું કરતા હતા કે જાણે સુવર્ણ વર્ષા થઈ હોય. પક્ષીઓના મંત્રમુગ્ધ કરી દેતા અવાજ અને આ સોનેરી સવારમાં ટહેલવા કે ચાલવા નીકળતા લોકો આહલાદ્ક વાતાવરણ માણી રહ્યા હતા. પ્રમોદભાઈ રસ્તામાં મળતાં એ જ રોજના જાણીતા ચહેરાઓ સામે સ્મિત આપી ગુડ મોર્નિંગ કહી ચાલતા જાય છે.

ચાર રસ્તે આવી એક ખૂણામાં રીક્ષા સ્ટેન્ડની બાજુમાં રંગબેરંગી ફૂલો પાથરી બેઠેલી રેખા પાસે જાય છે. જેના ફૂલોની સુંગંધ હવામય બની આસપાસના વાતાવરણને ખુશ્બુદાર બનાવતી હતી. પ્રમોદભાઈને જોતા જ રેખા તેને પાનથી ઢાંકેલ એક પડિયું આપે છે. પ્રમોદભાઈ પૂછે છે ," મેં કીધું હતું એમ જ બનાવ્યું છે ને ?" રેખા માથું હલાવતા જવાબ આપે છે ," હા, સાહેબ. કોઈ જ ભૂલ વગર તમે કીધું એમ જ કર્યું છે. એવું હોય તો જોઈ લો તમે જ." ના, ના એમ માથું ધુણાવતા એ રેખાને પૈસા આપી ચાલતા થાય છે. ચહેરા પર ગજબનો મલકાટ લઈ પ્રમોદભાઈ કોઈનું ધ્યાન ન પડે તેમ ઘરમાં દાખલ થાય છે. અને કોઈની નજર પોતાના પર ન હોવાની ખાતરી કાર્ય બાદ ઝડપથી પોતાનામાં રૂમમાં આવી દરવાજે આંકડી મારી દે છે.

"હાશ....! સારું થયું કોઈનું ધ્યાન નથી, વળી જાતજાતના સવાલો વરસાવી દેત આ લોકો મારી પર." એમ બોલતા તે હળવેથી પાન ખસેડી પડિયામાંથી એક ગુલાબી અને સફેદ રંગના ગુલાબથી બનેલી વેણી કાઢે છે. અને એ જોઈને ખુબ હરખ સાથે બોલે છે ," વાહ ! રેખાએ પણ મેં કીધું એમ જ કર્યું હોં. મન ખુશ થઈ ગયું." પછી પોતાની સામે રાખેલ ફોટોફ્રેમને ખુશ્બુદાર વેણીથી સજાવી ખુરશી લઈ તેની સામે બેસે છે. અને એકધારું જોયા કરે છે જાણે પોતે કોઈ અલગ જ વિશ્વમાં ખોવાઈ ગયા હોય. " મને ખબર છે લતા, તને થતું હશે આજ વળી કેમ આ અલગ વેણી લાવ્યા ! જો કે તારી ઉપર તો ગમે તે રંગની વેણી સુંદર જ લાગે છે. પણ ખબર છે ? બે દિવસ પહેલાં મેં દીકરા- વહુને વેલેન્ટાઈન ડે વિશે વાત કરતા સાંભળ્યા હતાં. તને ગુલાબી અને સફેદ ગુલાબ અનહદ વ્હાલાં હતા એટલે હું રેખાને એડવાન્સમાં જ કહી આવ્યો હતો."

નિઃસાસો નાખી તે ફરી બોલે છે, " લતા તને ખબર છે ! આ લોકોને હું ગાંડો જ લાગુ છું. તું હતી ત્યારે પણ હું રોજ વેણી લાવતો તારી માટે, તો હવે શું વાંધો છે એમને, રામ જાણે. પણ મને તો આદત છે રોજ સરસ મજાની વેણી લાવવાની. મને હજી યાદ છે તું કેવી રિસાઈ ગઈ હતી જયારે હું વેણી લાવતા ભૂલી ગયો હતો." હાસ્ય સાથે પોતાના સ્થાન પર સરખા થઈ ચશ્મા ઠીક કરે છે. "ચિંતા ન કર હવે તો પેલા જુવાનિયા કરાવે ને ! એવા ટેટુની જેમ જ મારા મનમાં તારી માટે વેણી લાવવાનું છપાઈ ગયું છે. ક્યારેય નહીં ભૂંસાઈ હવે. "

આમ પોતાના વ્હાલથી ભરેલી વેણી પત્નીના ફોટા પર સજાવી, તે કલાકો વાતો કરતા રહ્યા અને તેમને જોઈ વાતાવરણ પણ પ્રેમના રંગે રંગાઈ ગયું. બારી બહારથી આવતી હવાની લહેરખીએ આખા રૂમને બગીચામાં ફેરવી નાખ્યો હતો.

"તને ચાહવા તારી હાજરીની ક્યાં જરૂર છે !"

"હૈયામાં જ તો વસે છે તું, બહુ ક્યાં દૂર છે ! "


Rate this content
Log in

Similar gujarati story from Romance