Rishita Jani

Others romance inspirational

4.5  

Rishita Jani

Others romance inspirational

પરસેવો

પરસેવો

4 mins
505


દિવસ હોય કે રાત, અવિરત ઝગારા મારતા શહેરમાં એક સડક ખાલી જોવા ન મળે. અને અહાહાહા કેવો વિરોધાભાસ ! ફૂટપાથ પર પડેલાને ઓઢવા કંઈ નથી અને બીજી તરફ કરોડોની સંપત્તિ ઓઢીને નમાલો અમીર સૂતો હોય. કોઈ ખાવા માટે રખડે છે, કોઈ મોજ ખાતર ફરે છે. કેવી મોહિની લગાડી છે આ શહેરોએ ! બિચારા ગામડાના યુવાનો આ ઝાકમઝોળના સપના સેવી પોટલાં બાંધી નીકળી પડે છે.

"અરે યાર કૌન લાયા ઈસકો ઈધર ?"

"કિતના બાસ મારતા હે પસીને કા..."

રાગિની મેડમ નાકનું ટીચકું ચડાવી જોરથી બોલે છે. અને તરત જ "ક્યા હુઆ ? ક્યા હુઆ ?" કરતો મૅનેજર ભાગતો આવે છે. આવી ન ડાબે જોયું કે ન જમણે બસ, તરત કહી દીધું આ વ્યક્તિને અત્યારે જ સેટ પરથી કાઢો. મૅડમને છાંયો આપવા ઊભો છે કે ગંદી વાસ ? મૅડમના ફરમાનને ના પાડવાના મૂડમાં કોઈ હતું નહીં. ડિરેક્ટર પહેલેથી જ થાકી ગયો હતો રાગિનીથી અને ઉપરથી "આ નહીં ચાલે.", " આમ નહીં અને પેલું કરો." કહી બધાં સ્ટાફને ધંધે લગાડી દીધો હતો. કોઈ પણ લાંબી લપ વગર મૅડમની અરજી મંજૂર કરવામાં આવી.

વધારે અપમાન થાય તે પહેલા જ વીલા મોઢે મનસુખે ચાલતી પકડી. આવા ભેદભાવ અને ચાબા લોકોથી મનસુખને ચીડ ચડી ગઈ હતી. શહેરમાં આવ્યો ત્યારથી આવું જ કંઈક અપમાનજનક સાંભળવા મળી રહ્યું હતું. નોકરી બદલાવી બદલાવી થાક્યો હતો. પણ સૌથી મોટી ચિંતા હતી તૃપ્તિની. મનસુખ ગામડેથી એકલો જ આવ્યો હતો પરંતુ, થોડાં જ સમયમાં તેની પત્ની તૃપ્તિ પણ આવવાની છે તેવી વાત થઈ. નોકરી -ધંધા વગર મનસુખને ભરણપોષણ કરવાની ચિંતા થઈ રહી હતી. ગામથી નીકળ્યો ત્યારે કૈંક સપનાઓ લઈને નીકળ્યો હતો પણ અહીં આવ્યા બાદ અલગ જ દ્રશ્ય હાજર થયું.

પથ્થરને પોતાનું નસીબ માની લાત મારતો મનસુખ એકલો અટૂલો, હારેલ યોદ્ધા સમાન ઘર તરફ રવાના થાય છે. મોટાં સપનાઓ જોવાની વાત છોડો અહીં તો સપના જોવા ઊંઘ જ નસીબ નહોતી થતી. ફરિયાદોનો ભારો લઈને મનસુખ પોતાના ઝૂંપડે આવે છે. શું ખાવાનું ? શું પથારી ? એ કંટાળી અને જમીન પર લોથ થઈ જાય છે. હવે નોકરી વગર પોતે તૃપ્તિને કેમ રાખશે ! અને પોતે નોકરી નથી કરતો આવું કહેશે તો ઘરના શું કહેશે ? વગેરે વિચારો સાથે એ પડ્યો રહ્યો.

બે દિવસ સુધી અલગ અલગ સ્થળો પર પ્રયાસ કરવા છતાં નોકરી ન મળતા છેવટે મજૂરીનો જ વિકલ્પ બચ્યો. ઈંટોના ભઠ્ઠામાં એ કામે લાગી જાય છે. સવારથી જાય અને રાત્રે પાછો આવે,કોઈ ધણીધોરી નહીં. પણ હવે તો તૃપ્તિ આવવાની હતી. બસ પછી તો એ કેવું ધ્યાન રાખશે પોતાનું, એમ વિચારી મનસુખ રાજી થતો પણ સાથોસાથ પોતાને જોઈ પત્નીના શું હાવભાવ હશે ? એ વિચાર એને સતાવી રહ્યો હતો. 

બીજે દિવસે પોતે કેવો લાગી રહ્યો છે તેની પરવા કરવા રોકાયા વગર એ ઝૂંપડેથી નીકળે છે. જો કે એ દેખાવની પરવા કરે પણ કઈ રીતે ! ઘરમાં અરીસો પણ હોવો તો જોઈએ એ માટે. એકલો -એકલો બડબડ કરતો એ રેલવે સ્ટેશન પર પહોંચે છે. ટ્રેનની રાહ જોતો એ પ્લેટફોર્મ બહાર જ બેસે છે. ગામડે ભલે ઝાકમઝોળ ન હતી પણ વ્યવસ્થિત રહેવાનું, ખાવાનું અને પોશાક હતા. ઉપરથી પરિવારજનો પણ હતાં. જયારે અહીં પોતાના દીદાર કોઈને કહેવા જેવા ન હતા. શહેર આવવાનો નિર્ણય પણ પોતાનો જ હતો માટે આરોપ પણ કોના પર નાખવો ?

સમસ્યા માત્ર અમીર - ગરીબની ન હતી, પરંતુ પોતે ઊંચા અને અન્યને તુચ્છ ગણવાની હતી. મહેનતનો પરસેવો દરેકે પાડવો પડતો હોય છે. દરેક વ્યક્તિ તૈયાર ગાદી મળે એવો નસીબદાર નથી હોતો. વ્યક્તિ સફળ થાય ત્યારે પ્રશંશા કરવા હજાર લોકો પહોંચી જતા હોય છે, પણ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન પરિણામની ચિંતા કર્યા વિના સાથે રહેવાવાળા કોઈક જ હોય છે.

લગભગ પંદર મિનિટ પછી ટ્રેન આવે છે અને લોકોની ભીડમાંથી પણ મનસુખ અને તૃપ્તિ એકબીજાને ઓળખી જઈ ભાગીને ગળે વળગી રહે છે. તૃપ્તિ એકધારી મનસુખને જોયા કરે છે. લઘરવઘર, પરસેવે રેબઝેબ મનસુખ એને મન તો પરમ સુખ હતું. જાણે ઘણાં વારસો પછી મળ્યા હોય તેમ બંન્ને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. પોતાને જે વાતનો ડર હતો એથી ઉલટું તૃપ્તિ પોતાની સાડીના છેડાથી મનસુખનું પરસેવે રેબઝેબ મોઢું લૂછી કહે છે," બહુ મહેનત કરતા હશો. થાકી પણ જતા હશો ! ચિંતા ન કરતા હું પણ મદદ કરીશ. ગમે ત્યાં પણ સાથે રહીશું અને સુખી રહીશું." આમ કહી તૃપ્તિ મધમીઠું સ્મિત આપે છે. અને તૃપ્તીને જોઈ મનસુખનો અતૃપ્ત આત્મા સંતોષ પામે છે. એક હાથમાં થેલો અને બીજા હાથે પોતાની પત્નીનો હાથ પકડી બંન્ને ભીડ ઓળંગી ચાલતા થાય છે.

"એને શું ચિંતા વળી પરસેવાની ?

જેને વ્હાલની વર્ષા થતી જ રહેવાની."


Rate this content
Log in