Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

ભ્રમ

ભ્રમ

6 mins
19


દ્રવ્યાને ગામડેથી બધા પડોશીઓનો વારાફરતી ફોન આવી જતો કે તું ગામડે આવી જા. ગામના લોકો તને ખૂબ યાદ કરે છે.

દ્રવ્યા કોલેજમાં પ્રોફેસર હતી. એની સાથે જ નોકરી કરતો દ્વિજેન અને દ્રવ્યા એકબીજાના પ્રેમમાં હતાં. જો કે બંને જણે એકબીજાની સાથે સ્પષ્ટપણે પ્રેમ વ્યક્ત કર્યો ન હતો. પણ દરેક વાત કહેવાની ના હોય તમારા વર્તન પરથી સામેની વ્યક્તિ સમજી જ જતી હોય છે. બંને જણા પતિપત્ની હોય એ રીતે જ એકબીજા પર હક્ક કરતાં હતા. જો કે એ બંને એકબીજા માટે જ જાણે કે સર્જાયા હોય એ રીતે જ વર્તતા હતા.

દ્વિજેનના મમ્મીને કમરના મણકાનું ઓપરેશન કરાવ્યું ત્યારેે દ્રવ્યા સવાર સાંજ એમને ત્યાં જઈ રસોઈ કરતી એટલું જ નહીં એના મમ્મીને સ્પંચ કરવું, કપડાં બદલાવવા, માથુ ઓળી આપવું વગેરે કામ દ્રવ્યા જ કરતી. બદલામાં એના મમ્મી કહેતાં, "મારી દીકરી, મારી દીકરી"જો કે આ શબ્દો દ્રવ્યાને બહુ જ ગમતા. કારણ એકવાર ગામમાં જમણવાર હતો અને જમવાને કારણે એના માબાપને "ફુડ પોઈઝનીંગ"થઈ ગયું. એ દિવસે જ એનો આ કોલેજમાં ઈન્ટરવ્યુ હતો એટલે એ લગ્નમાં જઈ શકી ન હતી. પણ એ જમણવારના કારણે એના માબાપે એકસાથે આ દુનિયા પરથી વિદાય લીધી હતી. એકની એક હોવાને કારણે ભાઈબહેન તો હતા નહીં. એને એ કોલેજમાં જ નોકરી મળી ગઈ. તેથી જ એણે નક્કી કર્યું કે ગામમાં ઘર ભલે રહ્યું પણ હવે મારે આ જગ્યાએ રહેવું નથી. તેથી જ શહેરમાં એને ભાડાનું મકાન લઈ લીધુ હતું.

દ્રવ્યાએ ધાર્યુ હોત તો ગામડેથી શહેરમાં આવ જા કરી નોકરી કરી શકી હોત કારણ કોલેજ એના ગામથી અડધો કલાકના રસ્તે જ હતી. પણ ગામમાં તો એને સતત માબાપની યાદ આવતી.

એના કરતાં શહેરમાં રહી સતત કામમાં ડૂબેલા રહેવું સારૂ.

જો કે ગામમાં બધા કહેતાં, "દ્રવ્યાબેટા, શહેરમાં તને ગામ જેટલી આત્મિયતા નહીં મળે. જેવું છે એવું આપણું ગામ સારૂ છે. શહેરમાં સાચવીને રહેજે. "જો કે દ્રવ્યાને પણ આટલા પ્રેમાળ માણસો છોડીને જવાનું દુઃખ તો હતું જ. પણ એ ઘરની દરેક દીવાલો અને દરેક જગ્યાએ એના માબાપની યાદ હતી. એ બધુ યાદ આવતા એ રડ્યા કરતી હતી. એટલે જ એ કામમાં વ્યસ્ત રહીને નવેસરથી જિંદગી જીવવા માંગતી હતી.

એને હજી પણ એ દિવસ યાદ હતો કે દ્વિજેનના મમ્મી ચાલતા થયા અને ઘરનું કામ પણ કરવા લાગ્યા હતા છતાં પણ એ જ્યારે દ્વિજેનને ત્યાં જતી ત્યારે એ જ ઘરનું બધુ કામ ઉપાડી લેતી. એને હતું કે હવે દ્વિજેન એના મમ્મીને એમના લગ્ન બાબતે વાત કરશે પરંતુ એણે તો એવો કોઈ જ અણસાર આવવા દીધો ન હતો. આખરે દ્રવ્યાએ એની સાથે કામ કરતાં મેડમને વાત કરી કે, "જુઓ આપણે એક જ કોલેજમાં કામ કરીએ છીએ. મારે માબાપ કે બીજુ કોઈ વડીલ નથી માટે તમે જ મારા લગ્નની વાત દ્વિજેનના ઘરનાને કરો. તમે તો દ્વિજેનને પણ ઓળખો છો. "

બીજે દિવસે બંને જણાં એ નક્કી કર્યું કે આપણે વારાફરતી જઈશું. હું સાડાત્રણ વાગે જઈશ તમે ચાર વાગ્યે આવજો. દ્રવ્યા એ દિવસે બહુ જ ખુશ હતી. એને વિશ્વાસ હતો કે એની જેમ જ દ્વિજેનના ઘરના પણ એથી ખુશ થશે.

એ સાડા ત્રણની આસપાસ ત્યાં પહોંચી ત્યારે ઘરનું બારણુ ખુલ્લુ જ હતું એના મમ્મી કહી રહ્યા હતા, "દ્વિજેન, હવે તું લગ્ન કરી લે"દ્રવ્યા ખુશ થઈ ગઈ અને અંદર જવાને બદલે એ બહાર જ ઊભી રહી. એ પછીનું વાક્ય સાંભળવા એ આતુર હતી.

"મમ્મી મેં પ્રભાસી સાથે વાત કરી એણે કહ્યું કે પપ્પા ફોરેન ગયા છે આવતા મહિને એ ભારત આવશે એટલે વિવાહ જાહેર કરી દઇશું. મમ્મી, દ્રવ્યાને કારણે તને મફત કામવાળી, રસોઈવાળી મળી ગઈ હતી હવે આપણે એની જરૂર નથી. "

આ સાંભળતાં જ દ્રવ્યાના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ. એ ત્યાંથી તરત પાછી ફરી રહી હતી. પણ હવે તો એનું મગજ જ જાણે કે કામ કરતું ન હતું. એના પગ પણ એને સાથ આપતા ન હતાં. એથી તો એને સામેથી આવતી કાર પણ દેખાઈ નહીં. કારવાળી વ્યક્તિએ બ્રેક મારી ત્યાં સુધી દ્રવ્યા ચક્કર ખાઈ ને પડી ગઈ એ સાથે જ એ બેભાન થઈ ગઈ.

એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ખબર પડી કે એના હાથે અને પગે ફેક્ચર છે. દ્રવ્યા બિલકુલ પથારીવશ થઈ ગઈ હતી. એને શારીરિક તકલીફ કરતાં માનસિક તકલીફ વધુ હતી. શારીરિક દુઃખાવો ભૂલવા માટે ડૉક્ટર પેઈનકિલર આપે પણ માનસિક તકલીફ. .

ગામડે એની બાજુમાં રહેતાં આન્ટીને એના અકસ્માતની ખબર પડતાં શહેરમાં દ્રવ્યાની ખબર જોવા આવી ગયા. બોલ્યા, "બેટા, ગામડા જેવી આત્મિયતા શહેરમાં જોવા ના મળે. તું એકલી રૂમમાં સૂઈ રહી છું. બે ટાઈમ ટિફિન આવે છે એ ખઈ લે છે. તારૂ માથુ ઓળવું કે તારા કપડાં બદલાવા જે બાઈ આવે છે એને તું પૈસા આપીને કામ કરાવે છે. એ તો પૈસા માટે કામ કરે છે એમાં સ્નેહ અને લાગણીનો સતત અભાવ હોય. "

આ સાંભળતાં જ દ્રવ્યા એના આન્ટીના ખોળામાં માથુ મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આન્ટી બોલી ઊઠ્યા, "બેટા, હું તો તારી ખબર જોવા સિવાય પણ બીજા એક કામે આવી છું. "

કહેતાં થોડીવાર દ્રવ્યા સામે જોઈને પછી બોલ્યા, "આપણા ગામના સરપંચનો દીકરો લેખન હાલ જ ડૉક્ટરીનું ભણી ગામમાં આવ્યો છે. એ હવે ગામમાં જ રહેવાનો છે. કહેતો હતો કે હું ગામમાં હોત તો ખાવાનામાં ઝેરને કારણે આટલા બધા મોતને ભેટ્યા ના હોત. હું તાત્કાલિક સારવાર કરત તો ઘણા બધા બચી ગયા હોત. હું ગામની વ્યક્તિઓના કામમાં ના આવ્યો. આપણા ગામમાં પણ કોઈ ડૉક્ટર ન હતા. બિચારી દ્રવ્યા માબાપ વગર અનાથ બની ગઈ. હવે હું ગામમાં રહી લોકોની સેવા કરીશ. પૈસો તો ઘણો છે તો હું એનો સદઉપયોગ કરીશ. "

થોડીવાર ચૂપ રહી ફરીથી બોલ્યા, "દ્રવ્યા મેં લેખનને કહ્યું કે તને દ્રવ્યા પસંદ હોય તો ગામની છોકરી ગામમાં જ રહે. "થોડી વાર આડીઅવળી વાતો કરી આન્ટી જવા ઊઠ્યા અને જતી વખતે ઢગલો નાસ્તો આપતા ગયા.

દ્રવ્યાને હતું કે દ્વિજેન ભલે મારી સાથે લગ્ન ના કરે પણ મારી ખબર જોવા તો જરૂરથી આવશે. એના મમ્મીની તો મેં કેટલી બધી સેવા કરી છે ! એ ભલે ના આવે પણ ફોન કરીને ખબર તો પૂછશે જ. એમના ઘરની મને વહુ ના બનાવે તો પણ વાંધો નહીં પણ માનવતા પણ મરી પરવારી ?

દ્રવ્યા બે દિવસ સુધી સતત દ્વિજેન તથા એના મમ્મીની રાહ જોતી રહી ન તો ફોન આવ્યો કે ના જાતે આવ્યા. દ્રવ્યાની સાથે કામ કરતાં મેડમ આવ્યા ત્યારે એમણે કહ્યું કે, " તારી ખબર કાઢવા તો દ્વિજેન અને એના મમ્મી આવતાં જ હશે. હવે તું ત્યાં જ જતી રહે. આમ પણ તેં એ લોકો માટે ઘણુ કર્યું છે. "

દ્રવ્યા આંખના આંસુ છુપાવતાં બોલી, "કહેવાય છે કે નેકી કર ઓર કૂવે મેં ડાલ"

"દ્રવ્યા, એ બધી સાધુ સંતોની વાતો છે આપણે સંસારી માણસો છે માટે સ્વાભાવિક છે કે આપણે અપેક્ષા રાખીએ જ. "

દ્વિજેનના મમ્મી બીમાર હતા ત્યારે એ કોલેજથી આવી જાતજાતના નાસ્તા બનાવીને લઈ જતી તો ક્યારેક એને ઘેર બનાવીને રસોઈ લઈ જતી. આજે કોઈ એની પાસે નથી. શહેરમાં સુખસાહ્યબીની જિંદગી હોય છે એવો ભ્રમ તો એને નાનપણથી પોષે લો. વાત પણ સાચી હતી ખરેખર સુખસાહ્યબી હતી એમાં માત્ર એક જ વસ્તુ ન હતી સતત લાગણીનો અભાવ. અત્યાર સુધી એને માત્ર સ્વાર્થનો જ અનુભવ થયેલો એમાં અપવાદ હોઈ શકે પણ એને એવો અનુભવ થયો ન હતો. દ્રવ્યા શારિરીક અને માનસિક તકલીફથી ભાંગી પડી હતી.

આખરે એણે એનો મોબાઈલ હાથમાં લીધો અને લેખનને ફોન કરીને કહ્યું, "લેખન, મારે ગામડે આવવું છે તું એમ્યુલન્સની વ્યવસ્થા કર અને મને લઈ જા. "

"દ્રવ્યા તું ગામડે પણ આવ અને મારા દિલની રાણી બનીને આવ. આન્ટીએ તને વાત કરી જ હશે. "

"હું કોલેજની નોકરી છોડીને કાયમ માટે ગામડે આવી સમાજસેવા કરવા માગુ છું. શહેર વિષે તથા ત્યાંના માણસો વિષેનો મારો ભ્રમ ભાંગી ગયો છે. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy