Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

દેવી

દેવી

7 mins
28


સર્વને ઈચ્છા થતી જ ન હતી કે ફોન રિસીવ કરે. એ જાણતો હતો કે ફોન કરનાર સર્વરી વિશે જ પૂછશે. સમાજમાં તો જાણે એનું અસ્તિત્વ જ ન હતું. એણે જોયેલા બધા સ્વપ્નનું શું ? જો આમ જ જિંદગી જવાની હોય તો લગ્ન કરવાની જરૂર જ ક્યાં હતી ?

એને નિવૃત થયે પાંચ વર્ષ વીતી ગયા. એને લાગતું કે હવે જિંદગી સારી રીતે જીવનસાથી સાથે વિતશે. કારણ કે પત્નીની ઇચ્છા મુજબ એ અમદાવાદ આવી ગયો હતો.

લગ્નબાદ સર્વરી કહેતી કે,"અમદાવાદ છોડીને ક્યાંય નહીં જવાનું. "

"સારી તક મળે તો ગમે તે શહેરમાં જવાય. "

અને સર્વને વલસાડમાં સારા પગારની નોકરી મળી ગઈ. ત્યારે સર્વરીએ કહ્યું,"મેં અમદાવાદ છોડવાની તમને ના કહી હતી હવે હું કંઈ મારી બદલી વલસાડ નથી કરાવવાની. રહેજો તમે એકલા. "

જો કે સર્વરી પિયર જતી રહી. પિયરમાં તો એના માબાપેે એનું ભવ્યસ્વાગત કરતા કહ્યું,"બેટા તેં બહુ સારૂ કામ કર્યું એ માણસે આપણા બધાની સલાહ લેવી જોઈએ. આ રીતે એની મનમાની કરે એ ના ચાલે. એને બરાબર પાઠ ભણાવવો જ જોઇએ. "

સર્વ કહેતો,"સર્વરી,મને ત્યાં વધારે પગાર મળતો હતો એ તો આપણા ઉજ્જવળ ભાવિ માટે છે. કાલ ઉઠીને આપણા બાળકો થશે તો એને સારામાં સારી સગવડ આપી શકીશું. "

બે મહિના બાદ સર્વરીએ સમાચાર આપ્યા કે,

"હવે આઠ મહિના બાદ આપણા બાળકનું આગમન થશે. ત્યાંસુધી તમે અમદાવાદમાં જ નોકરી શોધી લો. બાકી જો તમે માનતા હોવ કે હું વલસાડ આવીશ તો એ વાત ભૂલી જજો. "

એણે તો જો કે સ્પષ્ટ કહી જ દીધુ હતું કે,"જો મને અહીં સારી તક મળતી હોય તો હું શા માટે અમદાવાદ આવું ?"એ દરમ્યાન સર્વના મમ્મી પપ્પાએ પણ ઘણું કહેલું કે,"સર્વરી,આ ઘર તારુ જ છે ભલે સર્વ વલસાડ ગયો તું અહીં રહે. જ્યાં સુધી સર્વ અમદાવાદ ના આવે કે તું વલસાડ ના જાય. "પણ સર્વરી મક્કમ હતી કે હું તો વલસાડ બદલી કરાવાની જ નથી. બાકી વલસાડથી અમદાવાદ આવવા ઘણા બધા તૈયાર છે પણ તમારો દીકરો એના મનનું ધાર્યું કરવા જ ટેવાયેલો છે. એણે નથી મને પૂછ્યું કે નથી મારા પપ્પાને પૂછ્યું. "

સર્વના માબાપને થયું કે અમે હજી જીવતાં છીએ તો અમારો દીકરો તારા પપ્પાની કે તારી સલાહ શા માટે લે ? શું સારૂ છે એ વાત એ સારી રીતે વિચારી શકે એટલી એની બુધ્ધિ છે. "પણ એકના એક દીકરાની પત્ની અને તે પણ ગર્ભવતી.

એટલે જ એ લોકો ચૂપ રહ્યા.

પરંતુ એ લોકોના મૌનને સર્વરી એમની કમજોરી સમજતી હતી. પરંતુ એને એમની ખાનદાની દેખાતી ન હતી. છતાં પણ સર્વ પંદરેક દિવસે અમદાવાદ આવી જતો.

આઠેક મહિના બાદ શુભાંગીનો જન્મ થયો ત્યારે સર્વ ખૂબ જ ખુશ હતો. એણે તો કહ્યું પણ ખરૂ કે

"દીકરી તો બાપને બહુ જ વહાલી હોય. હવે શુભાંગીને લઈ ને વલસાડ આવી જજે"

"એટલે તમે એવા સ્વપ્ન જુઓ છો કે હું વલસાડ આવીશ. એવા સ્વપ્ન જોવાનું છોડી દો. "સર્વરી પતિનું અપમાન કરતાં બોલી.

શુભાંગી પાંચ વર્ષની થઈ ત્યારે એના ભાઈએ કહી દીધું કે ,"મને એક છોકરી પસંદ છે અને હું એની સાથે લગ્ન કરવાનો છું બાકી તો સર્વરી આ ઘરમાં છે ત્યાં સુધી કોઈ પણ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. સર્વરીએ તો એની જિંદગી બગાડી જ છે સાથે સાથે મારી પણ જિંદગી બગાડવા બેઠી છે. "

સર્વરીને ખરાબ તો લાગ્યુ જ પણ બોલી,"આ ઘર જેમ તારા બાપનું છે એમ મારા બાપનું પણ છે. હું આ ઘરમાંથી પગ કાઢવાની નથી. "

પરંતુ અંદરથી એ ભાંગી પડી હતી. આખરે એણે કંટાળીને વલસાડ બદલી કરાવી લીધી. એના માબાપે તો કહી દીધું કે ,"હજી અમારા બંનેની તબિયત સારી છે. શુભાંગીને અમે અહીં જ રાખી ને મોટી કરીશું. આ ઘરમાં તારો હક્ક છે જ. "

સર્વની ઈચ્છા હતી કે હું મારી લાડલીને મન ભરી ને જોઉં એને રમાડુ એની જોડે કાલીઘેલી ભાષામાં વાત કરૂ. પણ સર્વરી દીકરીને પિયર મુકીને આવી હતી. એણે એકાદ વખત દબાતા સ્વરે કહ્યું,"શુભાંગીને આપણી પાસે રાખીએ. "

એ વખતે સર્વરીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પતિ સાથે ઝગડો કર્યો. ત્યારબાદ સર્વએ એની સાથે માથાકૂટ કરવાની છોડી દીધી.

જો કે સર્વરીની ઇચ્છા હતી કે પુત્ર તો જોઈએ જ. ફરી સારા સમાચાર મળતાં જ સર્વરીએ કહી દીધુ હું હવે અમદાવાદ જઈશ. મને પૈસાની પડી નથી. હું લાંબી રજા પર ઉતરી જઈશ. "લીવ વિધાઉટ પે" અમને રજાઓ મળે જ છે. "

સર્વરી અમદાવાદ જતી રહી અને લગભગ દોઢ વર્ષે સાત્વિકને લઈને આવી. શુભાંગી પણ સમજણી થઈ ગઈ હતી. એ આઠ વર્ષની થઈ ગઈ હતી. કહેતી કે હવે મારે મારા ભઇલા સાથે જ રહેવું છે. આખરે શુભાંગી પણ વલસાડ આવી ગઈ. બંને જણા નોકરી કરતાં હોવાથી સાત્વિકને રાખવા બાઈ રાખી લીધી. એ સવારસાંજ રસોઈ પણ કરતી. સર્વને ઈચ્છા થતી કે સાંજે એ બાળકો સાથે બેસે. રજાના દિવસે બાળકોને લઇ બગીચામાં જાય. પરંતુ વાતે વાતે એ પતિનું અપમાન કરતી. પરિણામ સ્વરૂપ મોટા થતાં બાળકો પણ એમના પપ્પાનું અપમાન કરતાં.

એક દિવસ ગુસ્સે થઈ સર્વએ શુભાંગીને એની ભૂલ બદલ ઠપકો આપ્યો તેથી શુભાંગી રિસાઈ ગઈ. જો કે સર્વરીએ એ બાબતે પતિ સાથે ઝગડો કર્યો અને કહી દીધું,"એ માણસ એવો જ છે. તું અમદાવાદ જતી રહે. "જો કે શુભાંગીને આમ પણ મોસાળમાં રહેવુ ગમતુ હતું. સાત્વિક મોટો થતો ગયો એટલે એ સ્કૂલે જતો થઈ ગયો હતો.

નવા વર્ષથી શુભાંગી અમદાવાદ મોસાળ જતી રહી. સર્વને થતું કે જાણે એના બાળકોને કંઈ જ કહેવાનો એને હકક જ નથી ? હવે એ ઘરમાં ચૂપ જ રહેતો હતો. સર્વરી નોકરીએથી છૂટીને ખરીદી કરવા જતી રહેતી. સર્વ ઘરમાં કંટાળી જતો. સાત્વિક પણ આવીને રમવા જતો રહેતો.

ઘણીવાર સર્વ કહેતો,"સર્વરી,તું નોકરી છોડી દે. "

"મને ખબર છે કે આવું તમે કેમ કહો છે ? તમારે તમારા માબાપને તથા તમારી બે ફોઈઓ,એક કુંવારી અને એક વિધવા બધાને અહીં બોલાવવા છે જેથી હું આખો દિવસ મજૂરી કરૂ અને મારો દર મહિને મળતો તગડો પગાર ગુમાવું. તમારા ઘરની નોકરડી બની જઉં. આ ઘર છે. આ કંઈ"ખોડા ઢોરો"નું નિવાસ સ્થાન નથી. "

સર્વને થતું કે મારી જિંદગી બગડી. પણ પડ્યું પાન નિભાવવું પડે અને સમાજમાં આબરૂ જાય તો એના બંને બાળકોનું ભવિષ્ય બગડે.

બંને છોકરાંઓ મોટા થતાં જતાં હતા. દીકરી છેલ્લા વર્ષમાં હતી ત્યારે સર્વ નિવૃત થયો. એ દરમિયાન બધા વડીલો સ્વર્ગે સિધાઈ ગયા હતા. તેથી સર્વરીએ કહી દીધું,"મારે તો હજી પાંચ વર્ષ નિવૃત થવાના બાકી છે. હવે અમદાવાદ જ ચલો. ત્યાં તમારા માબાપનું ઘર છે. મને તો અહીં ગમતું જ નથી. મારી બહેનપણીઓ,મારા પિયરના સગા બધા ત્યાં જ છે"

આખરે એ લોકો અમદાવાદ આવી ગયા. હવે સર્વરી બહુ જ ખુશ રહેતી હતી. ઓફિસથી છૂટી ને એ હવે એ બહેનપણીઓને ત્યાં જતી. દીકરીએ માબાપને કહ્યા વગર લગ્ન કરી લીધા અને દીકરાએ કહી દીધુ,"મારે અહીં નથી રહેવુ હું અમેરિકા જવા માંગુ છું. "આખરે સાત્વિક અમેરિકા જતો રહ્યો. ઘરમાં પતિ પત્ની એકલા જ રહ્યા.

સર્વને ખાસ કોઈ સગાં હતા નહીં. તેથી ક્યાંય જવા આવવાનું થતું નહીં. મંદિર જવાનુ તો એના ઘરનું વાતવરણ જ ન હતું. રસોઈવાળી આવીને બે ટાઈમ રસોઈ કરી જતી. સર્વરીનો ઘેર આવવાનો સમય નક્કી નહીં. ક્યારેક સર્વને થતું કે આજે સાથે જમીશું. પરંતુ સર્વરી મોડી આવતી અને આવતાની સર્વને કહેતી,"મારી રાહ જોવાની શું જરૂર હતી ?ઠંડુ ખાવાની ટેવ પડી ગઈ છે. "

હવે તો જાણે સર્વરીને પતિની ચિંતા જ ન હતી. કોઈને કંઈપણ જરૂર હોય તો સર્વરી હાજર થઈ જાય. સર્વ વિચારતો કે નિવૃતિ બાદ તો એ ઘરમાં જ રહેશે. પરંતુ ત્યારબાદ તો એ કહેતી કે,

"મારે અનુષ્ઠાન કરવાનું છે. હું દસ દિવસ પછી આવીશ. "તો ક્યારેક હરદ્વાર સપ્તાહ સાંભળવા જતી. જો કે કોઈ ને કંઈ પણ તકલીફ હોય તો સર્વરીને બોલાવી લે. તો એ તરત હાજર થઈ જતી. એ દરમ્યાન સર્વની તબિયત બગડતી જતી હતી. પણ સર્વરીને એની સામે જોવાનો સમય જ ન હતો. ક્યારેક કોઈ આશ્રમમાં જઈ માનદ સેવા આપતી. ટૂંકમાં બધા કહેતાં,"સર્વરી એટલે સંકટ સમયની સાંકળ.

સમાજમાં કહેવાતુ સર્વરી તો દેવી છે. . . દેવી.

એના ફોન સતત ચાલુ રહેતાં. પછી તો બધાને ગમતું કે સર્વરી એનું પેટ્રોલ બાળીને સેવા કરે છે. એટલે એમને ત્યાં કોઈ ધક્કા ખાનાર હોય તો પણ કામ તો સર્વરીને જ બતાવવાનું.

આખરે એક દિવસ સર્વરી ઘેર આવી ત્યારે ટેબલ પર ચિઠ્ઠી પડી હતી. જેમાં સર્વએ લખ્યું હતું કે,

"મારે જીવનસાથીની જરૂર છે, નહીંં કે કોઈ દેવીની. દેવીની ભલે બધા પૂજા કરે પણ મારે દેવીની નહીંં જીવનસાથીની જરૂર છે જેની સાથે બે ઘડી બેસી સુખદુઃખની વાતો કરી શકું. આ ઉંમરે મને એવી કોઈ મિત્ર તો મળી જ જશે. તારી સમાજસેવા અને તારી ભક્તિ તને મુબારક.

બાળકોને તો તેં હમેશ મારાથી દૂર જ રાખ્યા છે. મને શોધવાનો પ્રયત્ન ના કરીશ. આ ઘર તારા નામે કરી દીધુ છે. "

ચિઠ્ઠી વાંચી સર્વરી એટલું જ મનમાં બબડી,"સારૂ થયું હું મોહમાયામાંથી મુક્ત થઈ ગઈ. "

જ્યારે સર્વ વિચારી રહ્યો હતો કે જન્મોજન્મ કોઈ દેવી જોડે પનારો ના પડે. હું માણસ હોઉં તો સામે મને અનુકૂળ થાય એવી જ જીવનસાથી આપજો કોઈ આવી દેવી નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy