Nayanaben Shah

Classics Children

4  

Nayanaben Shah

Classics Children

પાતળ

પાતળ

6 mins
25


"મમ્મી,આંખો બંધ કર."

"અરે, મંત્ર મને કહે તો ખરો કે કેમ આંખો બંધ કરૂ ?"

"હું તો તારો કહ્યાગરો દીકરો છું તો તારે પણ મારી કહ્યાગરી મમ્મી બનવું જોઈએ."

"ઠીક છે, ચલ હું આંખો બંધ કરૂ છું." 

મંત્ર એની મમ્મીનો હાથ પકડીને ઘરની બહાર લઈ ગયો.બોલ્યો, "મમ્મી,આંખો ખોલ અને તારા જન્મદિવસની ભેટ જો."

યમાને તો યાદ પણ ન હતું કે આજે એનો જન્મદિવસ છે. એ સાથે જ પુત્રવધૂ તથા પુત્ર યમાને પગે લાગતા બોલ્યા, "તમને પ્રિય સિલ્વર રંગની કાર." પુત્રવધૂના હાથમાં પૂજાની થાળી હતી. બોલી, "મમ્મી, તમે કારની પૂજા કરો."

"ના,બેટા મારા હાથે પૂજા ના થાય તું જ પૂજા કર. ગમે તેમ તો પણ હું અપશુકનિયાળ કહેવાવું. કારણ હું વિધવા..."

"મમ્મી, આવા વાક્ય બોલીને તું અમને દુઃખી ના કરીશ. તું જ અમારી ભગવાન છું. લે, આ કારની ચાવી. તું કારમાં આ સ્ટીયરીંગની બાજુમાં ચાવી  નાંખીને મારી બાજુમાં બેસ આપણે બધા મંદિર જઈએ અને એ પહેલાં પૂજાની થાળી લઈ તારી વહાલી દીકરી, એટલે કે મારી પત્ની ઉભી છે. તારે જ પૂજા કરવાની છે.

"બેટા, તારી બાજુમાં તારી પત્ની બેસે એ શોભે."

"મમ્મી, અમારે મન તો તમે જ અમારા ભગવાન છો. અમારા ભગવાન અમારી આગળ જ હોય"

પુત્રને બોલવાની જરૂર જ ના પડી એની પત્ની જ બોલી ઉઠી.

યમાની આંખોમાં આંસુ આવી ગયા અને બીજી જ પળે દીકરાના ખભે માથુ મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બોલી, "દીકરા મેં તો સ્વપ્નમાં પણ આટલા બધા સુખની કલ્પના કરી ન હતી. ઇશ્વરે મને મારી લાયકાતથી પણ વધુ આપ્યુ."

"ના, મમ્મી તને ક્યાં ખબર છે કે તારી લાયકાત કેટલી છે ? તારૂ કામ કસ્તુરી મૃગ જેવું છે.એની નાભિમાં કસ્તુરી હોય તો પણ એને ખબર નથી હોતી. તું અમારા માટે શું છું એ તને ક્યાં ખબર છે ?"

કાર મંદિરના આંગણે ઉભી રહી. મંદિરમાં દર્શન કરતી વખતે યમાએ ભગવાન સમક્ષ હાથ જોડ્યા પરંતુ એની આંખોમાં આંસુ હતાં અને બોલી રહી હતી, "પ્રભુ તારી બલિહારી છે. મેં આજ સુધી કંઈ જ માંગ્યુ નથી પણ તમે તો મને માગ્યા વગર ઘણુ બધુ આપી દીધુ. કહ્યાગરો દીકરો, સંસ્કારી પુત્રવધૂ કે જે મારી દીકરીની ગરજ સારે છે. લાગે છે કે હું તમારી અગ્નિપરિક્ષામાં પાસ થઈ ગઇ. જીવનની ઘટમાળ એવી છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ. જો કે જુવાનીનું દુઃખ સારૂ કે એ સમયે સહન કરવાની તાકાત હોય. અત્યારે તો તમે મને ખોબે ખોબા ભરીને સુખ આપ્યુ."

"મમ્મી પ્રસાદ..." મંત્ર એની મમ્મી સામે જોઈ બોલ્યો. થોડુ અટકીને બોલ્યો, "મમ્મી,થોડાદિવસ પહેલાં ભાભુએ રાજભોગ કરાવેલો ત્યારે તું બોલેલી કે મારી ઈચ્છા પણ રાજભોગ કરાવવાની છે. આજે તારો જન્મદિવસ હતો એટલે મેં રાજભોગ કરાવ્યો છે એટલુ જ નહીં મોટાબાપા અને ભાભુને પણ પ્રાસાદી લેવા બોલાવ્યા છે."

"બેટા, તો એક કામ કર તું મંદિરમાં એક વર્ષ સુધી દરરોજ એક પાતળ લખાવી દે અને આમ પણ મંદિર આપણા ઘરથી નજીક છે એટલે હું જાતે જઇ દરરોજ પાતાળ લઈ બે ગરીબોને નિયમીત જમાડીશ."

"મમ્મી એક વર્ષ પછી પણ તમારી ઈચ્છા હશે તો કાયમ માટે લખાવીશુ. મમ્મી તારી દરેક ઈચ્છા પુરી કરતાં મને તો આનંદ જ થશે. અન્નદાનનું પુણ્ય તો ઘણુ છે એવુ મેં ક્યાંક વાંચેલુ."

"હા, પણ સાથે સાથે એ વાત પણ છે  કે આપણે  સમાજ પાસેથી જે લીધું છે એ સમાજને બમણું પાછુ આપવુ."

"મમ્મી, હું સમજ્યો નહીં. પાતળને અને સમાજને.."

"બેટા, આજે મને તને કહેતાં બિલકુલ સંકોચ થતો નથી. તારા જન્મના બે મહિના પહેલાં તારા પિતાએ મને મારીને ઘરની બહાર કાઢી મુકી કારણ હું પહેલાં જેટલુ કામ કરી શકતી ન હતી. મારી તબિયત બગડતી જતી હતી. તારી દાદીએ તારા પપ્પાને ફરિયાદ કરી કે હું કામચોર છું અને બધુ કામ હું તારી દાદી પાસે કરાવુ છું." બોલતાં યમાની આંખમાં આંસુ આવી ગયા. થોડીવાર અટકીને બોલી, "પિયરમાં માબાપ હતાં પણ એમની પાસે પૈસો ન હતો. જે બચત હતી એ મારા તથા તારા મામાના લગ્નમાં ખર્ચાઈ ગઈ. તારા મામાનો પગાર સારો હતો અને તારી મામી પણ નોકરી કરતી આવી. ઘર તારા મામા ચલાવતા તેથી મારા માબાપ એ જેમ કહે તેમ જ કરવું પડે. જો હું ત્યાં જઉં તો ભાઈ-ભાભીનો ખર્ચ વધી જતો.એ કહેતાં,"અમે સારા છીએ કે તમને પોષીએ છીએ.બાકી  તમારૂ સ્થાન તો વૃધ્ધાશ્રમ જ હોય."

"એવા સંજોગોમાં હું ત્યાં જઉં તો મારા માબાપને એ લોકો ઘરમાંથી કાઢી મુકે. મને પહેરેલે કપડે કાઢી મુકી હતી. હું મારી એક બહેનપણીને ત્યાં ગઇ અને કહ્યું, "મને થોડા દિવસ  તારે  ત્યાં એક રૂમમાં પડી રહેવા દે. એણે કહ્યું, "પણ તારે ખાવા કપડાંનો ખર્ચ તારી જાતે ભોગવવાનો."તારો જન્મ સરકારી દવાખાનામાં થયો. ત્યાં તારા કપડાં તથા મને જમવાનું મળી રહેતુ. એક દાનેશવરીએ મને બે જોડ કપડાનું દાન કર્યું.

અઠવાડિયા પછી હું ઘેર આવી. હવે મારે મારી જાતે બધી વ્યવસ્થા કરવાની હતી. મને પુષ્કળ અશક્તિ હતી. છતાં પણ મંદિરની બહાર તને લઈને બેસતી. દયાળુ લોકોમાંથી કોઇને કોઇ રાજભોગ કરાવતા અને મને પાતળ મળી રહેતી. સવારનું વધેલું સાંજે જમી લેતી. એ દરમ્યાન મેં મારી બહેનપણી ને કહ્યું કે, "બહાર તો નીકળી શકતી નથી. તું જો મને રજા આપે તો હું અહીં ઢીંગલીઘર ચાલુ કરુ. હું તને ભાડુ આપીશ. મારૂ કામ સારૂ ચાલશે તો હું બીજે રહેવા જતી રહીશ. પણ ઢીંગલીઘરને કારણે મારો દીકરો સચવાઈ જશે."

લગભગ પાંચેક માસ સુધી મેં માંગીને પાતળ ખાધી. હું તો ઉપવાસ કરત કે કુવો પુરત પણ તારૂ શું ? હું ના જમુ તો તને પોષણ ક્યાંથી મળે ? તું સાતેક માસનો થયો ત્યારે તારા પિતાનું અવસાન થયું. એમને વાસ્તવિકતા ખબર પડી ગઇ હતી એટલે એમને પોતાનુ ઘર લઈ લીધુ અને એમની મમ્મીથી જુદા થઈ ગયા. તારા મોટાબાપાને બોલાવીને કહ્યું, "યમા નિર્દોષ છે. મેં એને તરછોડી દીધી. મારી આ ભૂલ ઈશ્વર પણ માફ નહીં કરે. આખરે એમને મારી ભાળ મળી. તારા પપ્પા મને મનાવવા આવ્યા. મે કહ્યું આ છોકરાંઓને બીજી સગવડ થાય ત્યાં સુધી તમારે રાહ તો જોવી જ પડશે. "પરંતુ જ્યારે એમને ખબર પડી કે મેં પાતળ માંગીને ખાધી અને દીકરાને ઉછેર્યો ત્યારે તારા પિતા બહુ જ રડ્યા અને વારંવાર મારી માફી માંગતા રહ્યા. થોડા સમય બાદ બધા - બીજી વ્યવસ્થા કરી લીધી. હું તને લઈને આ ઘરમાં આવી. પરંતુ તારી સામે જોઇ તારા પિતા કહેતા મેં મારા બાળકના શરૂઆતના દિવસો બગાડ્યા. ત્યારબાદ તો ક્યારેક એ કલાકો સુધી ચૂપચાપ બેસી રહેતા.

એ પોતાનું દર્દ કહી ના શક્યા. પરિણામ સ્વરૂપ એમને એટેક આવ્યો. તો પણ કોઇને કશું કહ્યું નહીં. એ રાત્રે એમને સતત ત્રણ એટેક આવતા એમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પરંતુ એમના વીમાની થોડી ઘણી રકમ, આ ઘર અને બીજી થોડીઘણી બચત હતી. પણ એટલી રકમમાં તને સારી રીતે મોટો ના કરી શકુ. તેથી મેં નોકરી કરવાનું ચાલુ કર્યું.

દિવસો પસાર થતાં રહેતા હતા. છતાં પણ તારી ટ્યુશન ફી,કોલેજના ખર્ચને હું પહોંચી વળતી નહીં. મારી બહેનપણીઓ મદદ કરતી રહી. આ વાતની તને ખબર પડતાં તે ભણવાની સાથે સાથે નોકરી કરવાનું ચાલુ કર્યું. બહારની સરકારી પરિક્ષાઓ તું આપતો રહ્યો અને પાસ થતો રહ્યો. આજે તો તારી મહેનત અને મારી વર્ષોની તપશ્ર્ચર્યા પૂર્ણ થઈ અને તું  આ શહેરનો કલેક્ટર બની ગયો. બસ,મંત્ર આ હતી આપણી જિંદગી."

"મમ્મી, આપણા જેવા ખરેખર જરૂરિયાતવાળા ઘણા હશે. હવેથી હું નિયમીત ગરીબોને પાતળ જમાડી સમાજના ઋણમાંથી મુકત થઈ સમાજને અનેકગણુ પાછુ આપીશ." વાક્ય પુરૂ થતાં ત્રણેય જણાં ભાવવિભોર બની ગયા. એમની આંખો ભીની થઈ ગઇ.

"મમ્મી એટલે જ તો કહેવાય છે કે માની તોલે કોઇ ના આવે. તેં મને મોટો કરવા જે સંઘર્ષ કર્યો એનું ફળ આજે હું કલેક્ટર બનીને ભોગવી રહ્યો છું."


Rate this content
Log in

Similar gujarati story from Classics