Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

દેહલી દિપક

દેહલી દિપક

5 mins
346


ચૂડામણિને લાગતું હતું કે એણે નાનપણમાં જે સ્વપ્ન જોયા હતા એ બધા સ્વપ્ન સાકાર થઈ ગયા હતા. એનો પતિ ચમનો એને બરાબર સમજતો હતો. બંનેને એકબીજાને "I love you" જેવા આજકાલના છોકરાંઓની જેમ બોલવાની જરૂર  પડતી ન હતી. ખરેખર તો બંને જે રીતે જીવતા હતા એ જોઇને ભણેલો વર્ગ પણ કહેતો,"Made for each other". પ્રેમ એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી. એક હ્દયની ભાવના છે.

ચૂડામણિના કુટુંબમાં એનો એક ભાઇ હતો. જ્યારે ચમનાને પણ એક બહેન જ હતી ચંદ્રમણિ. ચૂડામણિ ચમનાને ખેતીમાં ઘણી મદદ કરતી જેથી માત્ર એક એકર જમીનમાં ઘણો પાક ઉતરતો. જેમાં પતિપત્ની બંનેની તનતોડ મહેનત દેખાઈ આવતી. ગામમાં પણ લોકો કહેતાં કે,"ચમનાની વહુ મંગળ પગલાંની છે. ચમનો પણ હવે લઘરવઘર ફરતો નથી. ધીરે ધીરે ચમનાને બધા માનથી ચીમન કહેવા લાગ્યા. કોઈક કોઈક તો એટલે સુધી કહેતુ કે,"ચૂડામણિ તો સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. દરેક ઘરમાં આવી સુશીલ કન્યા હોવી જોઈએ. "

"ચૂડામણિના સંસ્કાર જોઇને બધા કહેતાં, "માબાપે કેવા સરસ સંસ્કાર આપ્યા છે !"

તેથી જ એક દિવસ ચમનાની મા એની દીકરી ચંદ્રમણિ માટે કહેવા ગયા કે, "તમારો દીકરો કૈલાસ અમને પસંદ છે" બસ, પછી તો ચંદ્રમણિ અને કૈલાસના  લગ્ન પણ લેવાઈ ગયા. બંને કુટુંબમાં આનંદ છવાઇ ગયો.

કહેવાય છે કે દરેકે દરેક ઘરના સંસ્કારમાં ફેર હોય છે. ચંદ્રમણિ એકની એક હોવાને કારણે લાડકોડમાં ઉછરી હતી. એમાંય ઘરમાં નાની એટલે મોટાભાગનું કામ એની મા કરી લેતી. તેથી તો એ માનતી કે જિંદગી એટલે ખાઇપીને મજા કરવાની. ખેતરમાં રોટલા આપવા જાય ત્યારે પણ એનો આગ્રહ રહેતો કે કામ તો કાયમનું છે આપણે ઝાડની છાયામાં બેસીને વાતો કરીએ.

કૈલાસને પણ વાતો કરવાનું ગમવા માંડ્યુ. જમીન પોતાની તો હતી નહીં એ તો ખેતમજુર તરીકે કામ કરતો હતો. એના આળસના પરિણામે ઉત્પાદન પર અસર થવા માંડી એટલું જ નહીં પરંતુ કામના સમયમાં વાતો કરતાં પણ બે ચાર વાર જમીનદારે ટોક્યો હતો. પણ એનામાં કોઇ સુધાર આવ્યો નહીં અને જમીનદારે એને કાઢી મુક્યો. ઘરમાં પૈસાની તૂટ પડવા માંડી. અત્યાર સુધી  કૈલાસ કરીને બોલાવતા લોકો એને કૈલા કરીને તોછડાઇથી બોલાવા લાગ્યા. ધીરે ધીરે કૈલાસનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. પ્રેમાળ સ્વભાવને બદલે ચિડીયો સ્વભાવ થઈ ગયો હતો. પીવાનું પણ ચાલુ કરી દીધુ હતું. પૈસા ના હોવાને કારણે પત્નીને મારઝુડ કરવાનું ચાલુ કર્યું. એકાદવાર એની મમ્મી વચ્ચે  પડી તો એને પણ મારવા લાગ્યો.

ત્યારબાદ તો એવું થવા લાગ્યું કે કૈલાની માને હંમેશ માટે ચંદ્રમણિનો જ વાંક દેખાવા લાગ્યો. એક દિવસ એવો આવ્યો કે કૈલાએ તથા એની મા એ ચંદ્રમણિને મારીને કાઢી મુકી એટલું જ નહીં પણ સાથે સાથે કહી પણ દીધું કે તું ક્યારેય આ ઘરમાં ના આવીશ.

ચંદ્રમણિ પિયર પહોંચી ત્યારે એની પાસે ઢગલાબંધ ફરિયાદો હતી. રજુઆત પણ એટલી સુંદર રીતે કરતી કે બધો એના સાસરિયાનો જ વાંક દેખાય. ચૂડામણિને કહેવાનું મન થયું કે, "કોઈ પણ વ્યક્તિને પોતાનો વાંક અને વાંસો ના દેખાય. "

બીજા દિવસનું પરિણામ સ્પષ્ટ હતું કે ચૂડામણિને પણ કાઢી મુકવાની. એ રાત્રે ચીમન તથા ચૂડામણિ આખીરાત રડતાં રહ્યા. બીજા જ દિવસે એના સાસુએ કહી દીધું કે, "ચૂડામણિ તું પણ તારા પિયર જતી રહે. મારા ઘરમા તું ના જોઈએ. "ચમના અને ચૂડામણિ બંનેેની આંખમાં આંસુ હતાં. બંનેને એકબીજાથી છૂટુ જ ક્યાં પડવુ હતું ? 

છેવટે ચીમને કહ્યું, "બા,તલ તૈયાર થઈ  અને સુકાઈ ગયા છે. એમાં તો ત્રણેેક જાણાંની જરૂર  પડે. તલ કાઢીને તૈયાર કરતાં અઠવાડિયાનો સમય લાગશે. છેલ્લી ઘડીએ હું મજુર શોધવા ક્યાં જઉં ? અને ત્રીજો મજુર હતો એ બિમાર પડી ગયો છે. અમે બે જણ એકલા કેટલું કરીશું ? ચંદ્રમણિ સામે જોઈ ને એ બોલ્યો, "તું અમારી સાથે આવી શકીશ ? જો હવે તો તું અહીં જ છું એટલે તારે હવે મને મદદ તો કરવી જ પડશે. "

ચંદ્રમણિની ઈચ્છા તો આમ પણ કામ કરવાની હતી જ નહીં. ખેતરમાં જતી ત્યાં રસ્તામાં નદી આવતી ત્યા બહેનપણીઓ જોડે ગપ્પા મારતી પણ ખેતરનું કામ કરવાનું એ વિચારી પણ શકતી ન હતી. પણ તે દિવસની વાત જુદી એટલા માટે હતી કે એની ઈચ્છા ચૂડામણિને બતાવી દેવાની હતી કે તમારા વગર અમારૂ કામ નહીં અટકે. ચૂડામણિ તો સખત મહેનત કરતી હતી એટલે એણે તો ઝડપથી કામ કરવાનું ચાલુ કરી દીધું. પરંતુ ચંદ્રમણિ તો માંડ અડધો કલાકમાં થાકી ગઈ. ચીમન બહેનને સમજાવતાં બોલ્યો,

"પતિને જો યોગ્યસાથ મળે તો એ કેટકેટલી પ્રગતિ કરી શકે છે એ તું અમને જોઇને શીખ જયારે કૈલાસ તો સુખી હતો એ જ્યાં કામ કરતો હતો ત્યાં જમીનદાર એને ખુબ સુખ સુવિધા આપતો. ઉત્પાદનમાં પણ ઘણો બધો ભાગ આપતો. પણ જ્યાં આળસનું આગમન થાય ત્યાં પૈસો પાછલા બારણેથી ઘરની બહાર નીકળી જાય. "

ચંદ્રમણિની આંખમાં આંસુ આવી ગયા.

ચૂડામણિ એની બાજુમાં બેસીને બોલી, "જો તમે સાસરે જવા તૈયાર હોવ તો હું મારા ભાઇને સમજાવવા તૈયાર છું. તમારા કારણે અમારૂ પણ વગર વાંકે ઘર ભાંગશે. અમને જુદા પાડવાનું પાપ તમે ના કરતાં અમે એકબીજા વગર જીવી જ નહીં શકીએ. "કહેતાં ચૂડામણિ અને ચીમન પણ રડી પડ્યા.

બંનેના આંસુ જોઈ એનું નારી હ્દય પીગળી ગયું. બોલી, "પણ મને એ ઘરમાંથી કાઢી મુકી છે. હવે કઈ  રીતે જઉ ?"

"હું ઘરમાં મોટી છું. હું મારી મા તથા ભાઇને સમજાવીશ જુઓ તમે ત્યાં જશો તો અમારો તૂટતો સંબંધ બચી જશે અને બીજી વાત કે તમે ફોઈ બનવાના છો. તો અમારી ઈચ્છા પુરી નહીં કરો ?"

"હું ઘેર આવીશ તો મા મને સાસરે નહીં જવાદે" "હું અત્યારે જ તમને મુકવા આવુ છું પણ તમે આળસને તિલાજંલિ આપી દે જો" થોડું અટકી ને એ બોલી, "હા,પણ તમે હવે તમારા પતિને કૈલામાંથી કૈલાસ બનાવજો. "

સાંજે ચૂડામણિ અને ચીમન જ પાછા આવ્યા.

દીકરીની ગેરહાજરી એની માને ખુંચી. પરંતુ જ્યારે ખબર પડી કે ચૂડામણિ એને સાસરે મુકી ને આવી. એ જાણી એના સાસુ બોલ્યા,"મારી ઈચ્છા પણ તારા જેવી વહુને કાઢી મુકવાની ન હતી. તેં એક સાથે બે ઘરને તૂટતાં બચાવ્યા. આપણા ગામમાં એકશબ્દ છે કે"દેહલીદિપક" એટલે ઉંબરા પર મુકેલો દીવો એક સાથે બે ઓરડામાં પ્રકાશ ફેલાવે. તું પણ મારી દેહલીદિપક છું તારા સંસ્કારના અજવાળે બબ્બે કુુટુંબને તૂટતાં બચાવ્યા. મારા દેહલીદિપક હું તારો ઉપકાર નહીં ભુલી શકુ. "જ્યારે વાક્ય પુરૂ થયું ત્યારે ત્રણેની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational