Nayanaben Shah

Drama Tragedy Inspirational

4  

Nayanaben Shah

Drama Tragedy Inspirational

ગત દિનમ્

ગત દિનમ્

5 mins
7


કાવેરી અને કસ્તુરી બંને જણાં ખુશ હતાં. એમની કોલેજના છેલ્લા વર્ષની પરિક્ષા પતી ગઈ હતી. હવે આગળ અભ્યાસ પહેલાં બહુ મોટુ વેકેશન હતું. બંનેની કોલેજ એક જ હતી. હા, પણ બંનેના વિષયો જુદા જુદા હતા. કાવેરીનો વિષય ગુજરાતી સાહિત્ય હતો તો કસ્તુરીનો વિષય હતો માનસશાસ્ત્ર. કસ્તુરી પહેલા વર્ષથી સતત ગોલ્ડમેડલ મેળવતી. એટલું જ નહીં અભ્યાસ ઉપરાંત પણ એ માનસશાસ્ત્રના પુસ્તકો પુસ્તકાલયમાં જઈને ઉથલાવતી રહેતી. એની સાથે વાત કરતાં લાગે કે આ તો કેટલું બધું જાણે છે !

પૈસે ટકે બંને બહેનપણીઓ સુખી. તેથી દર વર્ષે તેઓ ફોરેન ટૂર મારતા. પરંતુ કાવેરીએ કહ્યું,

"કસ્તુરી,આ વર્ષે આપણે "હાસ્યના વાવાઝોડા" પાસે જઈએ. "

"એટલે શું ?"

"હાસ્યનું વાવાઝોડુ એટલે મારા નાનીમા. એ ગામડે રહે છે. બહુ જ પ્રેમાળ છે. મારા મામાને ગામમાં બધા કહે કે તમે શહેરમાં જાવ ત્યાં તમને કમાવાની તક વધુ મળશે. "

કાવેરી થોડુ અટકીને બોલી,"કસ્તુરી,સામાન્ય રીતે સ્ત્રીઓ જુદા રહેવાનું પસંદ કરે. પણ મારા મામી તો એમના પિયર જવા પણ તૈયાર નહીં. એ તો એમની સાસુને છોડવા પણ તૈયાર નથી. એ ઉપરથી તું અનુમાન કર કે મારા નાનીમાનો સ્વભાવ કેટલો સારો હશે !"

કસ્તુરીને પણ થયું કે ક્યારેક ગામડાંની જિંદગી પણ માણવી જોઈએ. એણે વિચારેલું કે ગામડે થી આવી થોડા દિવસ પપ્પા સાથે બેસી એમની પાસે આવનાર દર્દીઓનું તેઓ કન્સલટીંગ કઈ રીતે કરે છે એ પણ મને શીખવા મળશે. કારણ એના પપ્પા જાણીતા માનસશાસ્ત્રી હતા. ઘણા બધા જટિલ કેસ એમને સહેજમાં સુધાર્યા હતા.

કસ્તુરીનું વાંચન તો હતું જ. એમાં પણ પપ્પા સાથે બેસીને લીધેલો અનુભવ.

બંને બહેનપણીઓ જ્યારે ગામડે પહોંચી ત્યારે નાનીમાની આનંદની કોઈ સીમા ન હતી. એ જ ચિરપરિચિત હાસ્ય તથા પ્રેમાળ આવકાર. કસ્તુરીને પણ થયું કે એ કોઈ પ્રેમાળ વ્યક્તિને ત્યાં આવી ગઈ છે. પ્રથમ વખત મળતાં હોવા છતાં પણ જાણે કે વર્ષોથી ઓળખતા હોય એવો એમનો વહેવાર. નિર્દોષ બાળક જેવું હાસ્ય.

મામામામીએ પણ બંને બહેનપણીઓને પ્રેમથી આવકારી. એ રાત્રે નાનીમાએ બંને પહેનપણીઓને હસાવી લોટપોટ કરી દીધી. એમની વાતોમાં એમના નાનપણના તોફાનોથી માંડીને પડોશીઓની મુર્ખતાની પણ વાતો આવી જાય. મામામામી બંને બહેનપણીઓને બીજા દિવસે ખેતરે લઈ ગયા ત્યાં ઝાડ પર જ પાકેલી હાફુસ કેરી તોડીને બંને જણાંને આપી. ત્યારે જાણે કે પહેલીવાર જ કેમિકલ વગર અને ઝાડ પર જ પાકેલી કેરી ખાધી ત્યારે મિષ્ટાન પણ ભૂલાઈ જાય એવો સ્વાદ માણવા મળ્યો.

સાંજે બધા ઘરે આવ્યા ત્યારે નાનીમાએ રસોઈ તૈયાર રાખી હતી. છેલ્લા બે દિવસથી કસ્તુરી જોતી હતી કે બધાને હસાવતા તથા બધા પર વાત્સલ્યનો વરસાદ વરસાવતા નાનીમા સાંજના સાત વાગતા ઉદાસ થઈ જતાં. થોડીવારબાદ સામાન્ય બની જતાં. જો કે આ વાત તો કોઈના ધ્યાનમાં આવી ન હતી પરંતુ કસ્તુરી તો માનસશાસ્ત્રની વિદ્યાર્થિની એમાં ય પપ્પા સાથે રહીને મેળવેલો અનુભવ પણ એમાં ઉમેરાયો હોય ત્યારે તો કસ્તુરીથી તો આવી વાત ક્યાંથી છાની રહે !

થોડા દિવસો બાદ જ્યારે બંને બહેનપણીઓ શહેરમાં જવા તૈયાર થઈ ત્યારે નાનીમાએ બંને જણાંને બે ટોપલા ભરીને હાફુસ કેરીઓ ઉપરાંત જાતજાતના નાસ્તા બનાવીને આપ્યા. પરંતુ કસ્તુરીએ કહ્યું,"નાનીમા,તમને બધા હાસ્યનું વાવાઝોડુ ભલે કહેતાં પરંતુ મેં જોયું છે કે તમારા હાસ્ય પાછળ કયાંક દર્દ છુપાયેલું છે. મારે જાણવું છે. જે બધા જોઈ શકતા નથી એ હું જોઈ શકુ છું. ક્યારેક મેં તમને સવારે પણ ઉદાસ જોયા છે. બસ મારે તમારા દર્દનું કારણ જાણવું છે. તમે બે દિવસમાં કેટલીયે વાર બોલ્યા છોકે,"તું પણ મારી કાવેરી જ છું. મને કારણ નહીં કહો તો હું તમારી આપેલી કોઈ જ વસ્તુનો સ્વીકાર નહીં કરૂ. "

"બેટા,એવું કંઈ નથી. "

"તો નાનીમા,મારા માથે હાથ મુકી ને કહો કે એવું કંઈ જ નથી. "

"બેટા,તેં નક્કી જ કર્યું છે કે આજે નાનીમાના ઘા ખોતરી એમને રડાવવા. "

"નાનીમા,ક્યારેક કોઈ વ્યક્તિ મનમાં છુપાવેલું દર્દ વ્યક્ત કરીને રડી લે તો બધા દુઃખ ગાયબ થઈ જાય. "

કાવેરી તથા એના મામા મામી સ્તબ્ધ થઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા કે આટલા વર્ષો સાથે રહેવા છતાં પણ અમે તો એવું જ સમજતાં હતા કે બા સુખી છે. પણ એક પારકી છોકરી એમની વ્યથા સમજી ગઈ.

"નાનીમા,બોલો. . . "

"બેટા,મને સાત વાગે જુના દિવસો યાદ આવે છે. સવારે તો કંઈ વિચારવાનો સમય મળતો જ નથી કારણ સવારે તો કામમાં સમય જતો રહે છે એ માટે તમારે ચાલીસ વર્ષ પહેલાંના એ સુવર્ણ દિવસો સાંભળવા પડશે. "

થોડીવાર અટકીને બોલ્યા,"હું લગ્ન કરીને આવી ત્યારે તારા દાદા અને એમના મમ્મીપપ્પા સાથે જ રહેતા હતાં. એટલું જ નહીં પણ ખૂબ મોટી હવેલી હતી. જેમાં તારા દાદા એમના કાકાઓ,એમના છોકરાંઓ બધા જુદાજુુદા ઘરમાં હવલીમાં જ રહેતાં હતાં. હવેલી ખૂબ જ મોટી હતી વચ્ચે ઘણો જ મોટો ચોક હતો. કુલ આઠ કુટુંબો હતા. બધા વચ્ચે એક જ સેવા. બધાના વારા.

દરેક જણે એકએક મહિનો સેવા કરવાની. સવાર સાંજ આરતી થાય પરંતુ આરતીના સમયે બધા આરતીમાં હાજર રહે. "

"કહેવાય છે કે બે વાસણો હોય તો ખખડ્યા વગર ના રહે. બધાને અવારનવાર ઝગડા થતાં રહેતા હતાં. પરંતુ મજાની વાત એ હતી કે આરતી સમયે બધા ભેગા મળીને આરતી કરતાં. અરે,એકવાર તો બે ભાઈઓ વચ્ચે એટલો ઝગડો વધી ગયો કે બંને લાકડીઓ લઈને એકબીજાને મારવા તૈયાર થયેલા. એટલીવારમાં આરતીનો સમય થઈ ગયો એટલે બંને લાકડીઓ ફેંકી આરતી કરવા લાગ્યા.

મેં તે દિવસે તારા દાદાને કહ્યું,"આ તો મહાભારતના યુધ્ધ જેવું તમારે ત્યાં છે કે સંધ્યાકાળે યુધ્ધવિરામનો શંખ ફૂંકાય પછી યુધ્ધ ના થાય.

કોઈપણ ઝગડો જલદી ભૂલાઈ જાય. વર્ષ દરમ્યાન આવતાં તહેવારો ભેગા મળીને કરવાના. એ તહેવાર જેનો વારો હોય એ જ કરે.

જો કે બધા મદદ માટે જાય. જેવા કે દિવાળી પર અન્નકૂટ કરવાનો,તુલસીવિવાહ કરવાના. જન્માષ્ટમી તથા મહા મહિનામાં બ્રહ્મભોજન કરાવવું. ત્યારનો આનંદ જ જુદો હોય. ત્યારે તો ક્યારે સવાર પડે અને ક્યારે સાંજ પડે એ જ ખબર પડતી ન હતી.

ત્યારબાદ નવી પેઢીની વહુઓ આવવા લાગી. અમુક તો નોકરી કરતી હતી. એમાં કામચોરીનું પ્રમાણ વધતુ ગયું. એ દરમિયાન તારા દાદાની સતત ઈચ્છા રહેતી કે હું એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયો છું તો મારે સરકારી નોકરી છોડી ગામમાં જઈ ખેતી કરવી છે. પણ એમના પપ્પાને એ હવેલી છોડવી ન હતી. અને કાકાના દીકરાઓને મોટા મોટા બંગલાનો મોહ જાગ્યો હતો. ધીરે ધીરે દરેકભાઈ પોતાના ભાગની હવેલી વેચી બંગલે રહેવા જવા માંડ્યા. એ દરમ્યાન તારા દાદાના મમ્મી પપ્પા પણ અવસાન પામ્યા. તે પછી તારા દાદાને ગામમાં સ્થાયી થવા માટે કોઈ રોકનાર ન હતું.

વાત રહી સેવાની. અમે લેવા તૈયાર હતા. પણ બધાની ઈચ્છા મંદિરમાં જ સેવા પધરાવાની હતી. આખરે અમે બધુ છોડીને અહીં ગામડે આવી ગયા.

જો કે મને પાછળથી ખબર પડી કે મંદિરમાં એ લોકો થોડા જ દાગીના આપવાના હતા. બાકીના વાસણ તથા દાગીના વેચીને ભાગે પડતાં પૈસા લઈ લેવાના હતા. હજી પણ હું એ સેવા ભૂલી શકતી નથી. સાત વાગે આરતીનો સમય એ સમયે મને ઘરના લોકો તથા ભગવાનની સેવા ખૂબ જ યાદ આવે છે. "કહેતાં નાનીમાની આખોમાંથી આંસુ વહેવા માંડ્યા.

કસ્તુુરી બોલી,"નાનીમા. અમે હવે કાલે સવારે જઈશું. મામી તરફ જોઈ એ બોલી,"આ જે આપણે બધા ભેગા થઈને આરતી કરીશું. કાલથી તમે બધા ભેગા થઈ આરતી કરજો. તમારા એ દિવસો ચોક્કસ પાછા આવશે જ. એવુ માનવાની જરૂર નથી કે,"ગત દિનમ્"

બસ હવે તમે કોઈ પણ જાતના ખરાબ વિચારો છોડી ખરા અર્થમાં "હાસ્યનું વાવાઝોડુ" બની જાવ.


Rate this content
Log in

Similar gujarati story from Drama