Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

મીઠું સરોવર

મીઠું સરોવર

4 mins
406


શૈશવીનો ફોન અમેરિકાથી આવ્યો. કિતાબે સાસુના મોબાઈલમાં શૈશવીનું નામ જોયું. રાતના બે વાગ્યા હતા. એ સમજી ગઈ કે શૈશવી આન્ટીને ત્યાં દિવસ હશે. એટલે એણે વાત કરવા માટે ફોન ઉપાડ્યો કે તરત શૈશવી બોલી, "પ્રેમદા, મને ખબર હતી કે તું જાગતી જ હોઈશ. તું ક્રિકેટ જોવાનું ચૂકે જ શેની ?"

કિતાબ બોલી ઊઠી,"આન્ટી, મમ્મીજી મારા દીકરા હાસ્યને સુવાડવા લઈ ગયેલા એ બહુ જ રડતો હતો એટલે એને સુવાડતા એ સૂઈ ગયા. મમ્મીજી ઊઠશે એટલે હું તમને ફોન કરવાનું કહીશ. અત્યારે ઉઠાડીશ તો એમની ઊંઘ બગડશે. કોઈ ખાસ સંદેશો હોય તો કહો. "

"મને તો એમ કે એ અત્યારે ક્રિકેટ મેચ જોતી હશે. આ સમયે હું ઘરમાં એકલી જ હોઉં એટલે ગપ્પા મારવા જ ફોન કરેલો. "

શૈશવીને કહેવાનું મન થયું કે, "પ્રેમદાને તો નાનપણથી ક્રિકેટનો ગાંડો શોખ. શૈશવીને કંઈ જ ખબર ના પડે એટલે એ ઘણીવાર હસતાં હસતાં કહેતી, "મને બોલ કે દડામાં કંઈ ખબર ના પડે"એમાં ય જ્યારે અમદાવાદમાં મેચ હોય તો પેવેલીયનની ટિકીટ ખરીદી લીધી હોય. જો કે પ્રેમદા ભણવામાં હોંશિયાર હતી. પણ જ્યારે મેચ રસાકસીભરી હોય તો એ દિવસે સ્કૂલે ના આવે.

એ જમાનામાં તો રેડિયો પર કોમેન્ટ્રી સાંભળવાની. પણ ઘરે રહેવા માટે સવારથી કહે કે મારા પેટમાં દુઃખે છે તો ક્યારેક માથુ દુઃખવાનું બહાનું તો હાથવગુ હોય જ.

ધીરે ધીરે એના ઘરનાને ખબર પડી ગઈ કે પેટમાં દુખવું કે માથુ દુખવું એ મેચ રસાકસીભરી હોય ત્યારે જ બહાનું કાઢે છે. એટલે ઘરના કહેતાં કે, "આજે મેચનો છેલ્લો દિવસ છે. આજે તારૂ માથુ દુઃખે કે પેટમાં દુઃખે સ્કૂલે તો જવાનું જ છે. "

ત્યારબાદ કોલેજમાં તો બધા કેન્ટીનમાં બેસી કોમેન્ટ્રી સાંભળતા જ હોય. શૈશવી ઘણીવાર કહેતી,"પ્રેમદા,તું સાસરે જઈશ પછી તારા આ શોખનું શું થશે ?"

"સાચા દિલથી ભગવાનને કહેવાનું કે,"મારા શોખમાં ક્યાંય વિઘ્ન ના આવવું જોઈએ. અને ભગવાન ભક્તની પ્રાર્થના સાંભળે છે. "

લગ્નબાદ શૈશવી પરદેશ જતી રહી. પ્રેમદાના ત્યારબાદ બે વર્ષે લગ્ન થયા. શૈશવી પ્રેમદાના લગ્નમાં જઈ ના શકી. જો કે ફોનથી સતત સંપર્કમાં રહેતા હતા. એ વખતે મોબાઈલને બદલે લેન્ડલાઈન ફોન જ હતા. શૈશવીને તો વિશ્વાસ હતો કે હવે એનો ક્રિકેટનો નશો ઉતરી જશે.

જો કે બહેનપણીઓને એકબીજાને હેરાન કરવાનો પુરેપુરો હક હોય છે તેથી એણે ટી. વી. પર જોયું કે હવે ઈન્ડિયા જીતવાની તૈયારીમાં છે. એ જ સમયે એણે પ્રેમદાને ફોન કર્યો ત્યારે એના સાસુએ કહ્યું કે,"એ બાજુમાં પડોશીને ત્યાં ટી. વી. પર મેચ જોવા ગઈ છે. આવે એટલે હું કહીશ તને ફોન કરે."

શૈશવીને થતું કે પ્રેમદા જબરાઈ કરતી હશે. બાકી રસોઈના સમયે બાજુમાં પડોશીને ત્યાં જઈને મેચ જુએ !

દિવસો પસાર થતાં રહેતા હતાં. પરંતુ તે દિવસે કિતાબે કહ્યું,"મમ્મી, મારા દીકરાને સુવાડવા લઈ ગયા. "એટલે બિચારી. . પ્રેમદાની હાલત ખરાબ હશે. એણે એના શોખનો ત્યાગ કરવો પડ્યો હશે.

એક દિવસ એણે સવારે ફોન કર્યો કે આપણી બહેનપણી સુશોભિતાનું ગઈકાલે અવસાન થયું છે એનું આજે બેસણું છે. સમય કેટલા વાગ્યાનો છે એ જોઈ લીધો છે ? તારે ત્યાં તો છાપુ વહેલું આવી જાય છે. " શૈશવીને ખાતરી હતી કે સવારે સાત વાગ્યા સુધી તો એણે છાપુ વાંચી જ લીધું હોય કારણ કે એ હંમેશ કહેતી,"છાપુ વાંચ્યા વગર મારો દિવસ ખરાબ જાય. સૌ પ્રથમ છાપુ મારે જ વાંચવાનું. છાપુ ના વાંચો તો દુનિયામાં શું ચાલી રહ્યું છે એ ખબર ક્યાંથી પડે ?"

પરંતુ તે દિવસે પ્રેમદાએ કહી દીધુ,"શૈશવી, છાપુ તો કિતાબ વાંચે છે હું એને પૂછી જોઉં. " શૈશવીને થયું કે કોલેજમાં બધી બહેનપણીઓ એને ઊધઈ કહેતી, કારણ આખો વખત એ વાંચ્યા જ કરતી હોય. આજે છાપુ દીકરાની વહુ પહેલાં વાંચે !

એક સવારે શૈશવી પ્રેમદાને ત્યાં હાજર થઈ ગઈ. બંને બહેનપણીઓ એકબીજાને ભેટી પડી.

શૈશવી નક્કી કરીને આવી હતી કે એની પૂત્રવધુને એની જબરાઈ બદલ  બરાબર ખખડાવીશ. પ્રેમદાને ક્રિકેટનો શોખ, સવારે પહેલાં છાપુ વાંચવા જોઈએ. એ બધુ કિતાબે છીનવી લીધું હતું.

શૈશવીને જોઈને કિતાબ એને પગે લાગી. શૈશવીને ગુસ્સો તો આવેલો જ. એ તો માનતી હતી કે પ્રેમદા બહુ દુઃખી છે. એના બધા શોખ એની પૂત્રવધુએ છીનવી લીધા છે.

પ્રેમદા અને શૈશવી જ્યારે એની રૂમમાં બેસીને વાતો કરતાં હતાં એ દરમ્યાન કિતાબ પાણી તથા ચા નાસ્તો લઈને હાજર થઈ  ગઈ. બંને બહેનપણીઓ વાતોમાં મશગુલ હતી. એ દરમ્યાન કિતાબે રસોઈ પણ બનાવી દીધી.

શૈશવી બોલી ઊઠી, "પ્રેમદા, આ બધુ એ દેખાડો કરવા કરે છે. તું હવે ક્રિકેટ નથી જોતી. વહેલી સવારે છાપુ નથી વાંચતી. તારા શોખનું શું ?"

"શૈશવી, કિતાબ સગી દીકરીથી પણ અધિક મારૂ ધ્યાન રાખે છે. મને ક્રિકેટનો શોખ છે જ. પણ તને યાદ છે કે હું લગ્ન કરીને આવી ત્યારે મેં મારા સાસુને કહ્યું, "મમ્મી, આજે જલદી રસોઈ બનાવી દઈશ. મારે બાજુમાં જઈ  મેચ જોવી છે"

ત્યારે મારા સાસુએ કહેલું,"તું જા હું રસોઈ કરીશ. તારો શોખ પુરો કર." ત્યારબાદ સવારે મને છાપુ આવે કે તરત વાંચવા જોઈએ. ક્યારેક મારા પતિ પણ વહેલા ઊઠે તો છાપા માટે ખેંચતાણ થતી. એમાં ક્યારેક છાપુ ફાટી જતું. તેથી મમ્મીએ બીજુ પણ એક છાપુ બંધાવી દીધું. મને દીકરી જેટલો જ પ્રેમ આપ્યો છે. સાચુ કહું તો મારા સાસુ એટલે પ્રેમનું મીઠું સરોવર."

થોડીવાર અટકીને એ બોલી, "શૈશવી મેંં ત્યારથી જ નક્કી કરેલું કે હું પણ મારી પૂત્રવધુ માટે મીઠું સરોવર બનીને રહીશ. કિતાબ તો મારા શોખથી બિલકુલ અજાણ છે. હું એને ખુશ જોવા ઈચ્છું છું એમ એ પણ મને ખુશ જોવા ઈચ્છે છે. "ખરેખર એકબીજા માટે પ્રેમનું મીઠું સરોવર બનીને રહેવાથી શાંતિ તથા સંતોષભરી જિંદગી જીવી શકાય છે. "

શૈશવીએ સંપૂર્ણ સંતોષ સાથે પ્રેમદાની વિદાય લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational