Nayanaben Shah

Inspirational

4.4  

Nayanaben Shah

Inspirational

નિવૃત્તિ – પ્રવૃત્તિ આનંદમય

નિવૃત્તિ – પ્રવૃત્તિ આનંદમય

6 mins
5.4K


રેવતીને તો જાણે આજે બધા જ સ્વપ્ન પૂરા થાય જશે એવું લાગી રહ્યું હતું. રેવતીને તો જીવનનો ભરપુર આનંદ લેવો હતો. હવે એ આનંદ પણ મળી જશે. રેવતી નિવૃત્ત થઇ એજ દિવસે એને બેંકમાં ભાષણ આપતાં કહેલું,


“માણસ નિવૃત્ત તો ક્યારેય થતો જ નથી. નિવૃત્તિ બાદ એ મનગમતી પ્રવૃત્તિમાંથી ભરપૂર આનંદ ઉઠાવે છે. નિવૃત્તિ બાદ બધી જ દુનિયાની ઘડિયાળો ચાલે કે બંધ પડી જાય એની સાથે એને કોઈ જ નિસ્બત હોતી નથી. ઈચ્છા પ્રમાણે જીવન જીવવું એ પણ એક લહાવો હોય છે. જિંદગીના શબ્દકોષમાં એક નવો શબ્દ ઉમેરાશે – આરામ. એ પણ ગમે તે સમયે ઉઠી જવું અને ગમે તે સમયે સૂઈ જવું. માણસ પોતાની ઈચ્છાઓનો માલિક.”


રેવતીએ નિવૃત્તિના ભાષણ વખતે ખૂબ જ સુંદર વ્યક્તવ્ય રજુ કરેલું ત્યારે ઘણા બધાને થયેલું કે આપણે પણ જલદીથી નિવૃત્તિ લેવી જોઈએ. સરકાર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે તો લઇ લેવી જોઈએ. રેવતીના બોલવામાં એક આકર્ષણ હતું. જિંદગીને ભરપુર માણવાની ઈચ્છા હતી. જો કે રેવતી નિવૃત્ત થઇ ત્યારે જ એનો પગાર લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. અરે અનો પગાર તો પડી જ રહેતો હતો. એના પતિનો ધંધો તો ધમધોકાર ચાલતો હતો. લાખો રૂપિયાનું ટર્નઓવર થતું હતું. એનાથી પણ ઘણો વધુ પૈસો એનો પતિ કમાઈ લેતો હતો. વેપારી સમાજમાં એનું નામ હતું. હા, એ સ્વભાવે તોછડો જરૂર હતો પરંતુ વેપાર કરતી વખતે એવી રીતે વાત કરતો કે લાગે કે આ માણસને જીભ નો ડાયાબિટીસ થઇ ગયો છે. એ કારણે જ એનો ધંધો ધમધોકાર ચાલતો હતો.


રેવતી ઘરે આવી ત્યારે ખુબ જ ખુશ હતી. આજે તો જાણે ઘરની દિવાલો પણ એનું સ્વાગત કરતી હોય એવું એને લાગી રહ્યું હતું. એને જિંદગીભર ટી.વી. જોવાનો સમય પણ ક્યાં મળતો હતો ? ઘણીવાર તો બેંકમાંથી આવતાં જ રાતના નવ દસ વાગી જતાં. જો કે એ સમજતી હતી કે આટલો તગડો પગાર મળતો હોય તો એના પ્રમાણે કામ તો રહેવાનું જ. એ તો પુરી નિષ્ઠાથી કામ કરતી હતી. એને ઘરની તો ચિંતા હતી જ નહીં ઘેર નોકર રસોઈયો હતા. વર્ષો જુના હતા. હવે તો એ બધા જાણે ઘરના સભ્ય જ બની ગયા હતા. પતિ પણ જયારે વહેલા ઘેર આવે ત્યારે એમના ફોન ચાલુ જ હોય. સવારે થોડો સમય તો મળતો કે જયારે એ એ ઉતાવળમાં ભગવાન ને દીવો અગરબત્તી કરી દેતો. બાકી રજાને દિવસે પત્નીને સાથે લઇ કોઈ મિત્ર કે સગાને ત્યાં જવું કે એ લોકોને પોતાના ઘેર બોલાવવા.


જો કે રેવતી ના પતિ પ્રજ્ઞેશનું કહેવું હતું કે આપણે મિત્રોને ત્યાં જઈએ, ક્લબમાં જઈએ સગાઓને ત્યાં જઈએ તેથી સંબંધો ગાઢ બને, નવી ઓળખાણો થાય અને આપણો ધંધો વધુ ને વધુ વિકાસ પામે. જેટલી વધુ ઓળખાણ એટલો ધંધો સારો ચાલે. રેવતીને થતું કે માણસને જીવવા માટે કેટલા પૈસા જોઈએ. એની પાસે એટલા પૈસા હતા કે સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં. દિકરો અને વહુ ડૉકટર હતા. અમેરિકામાં એમની પ્રેક્ટીસ ખૂબ સારી ચાલતી હતી. એક રીતે કહી શકાય કે પૈસાની ટંકશાળ જ હતી.

રેવતી ને થતું કે હવે એ રસોઈ કરનાર મહારાજ ને છોડી દેશે. એની રીતે એ રસોઈ બનાવશે. એ વિચાર સાથે જ એને ટી.વી. ચાલુ કર્યું તો ટી.વી. પર રસોઈ શો ચાલુ હતો. રેવતી બોલી, “ચલો, ભગવાને મારા મનની વાત સાંભળી.”


રેવતી પતિની રાહ જોઈ રહી હતી. એને વિશ્વાસ હતો કે આજે છેલ્લો દિવસ હતો તો પતિ મને લેવા આવશે. પરંતુ એની ધારણા ખોટી પડી. પ્રજ્ઞેશ રાતના નવ વાગે આવ્યો. રેવતી ને હતું કે પતિ પૂછશે કે, “વિદાય સમારંભ કેવો રહ્યો ?” પરંતુ પતિએ કશું જ ના પૂછ્યું. રેવતી એ જ કહ્યું, “હવે થી હું ઘરે જ છું. તમે પણ હવે ધીરે ધીરે ધંધો સમેટી લો. આપણે જિંદગીનો ભરપુર આનંદ ઉઠાવીશું.”

“એટલે તું કહેવા શું માંગે છે ? હું ધંધો સમેટીને આખો દિવસ તારુ મોં જોઇને બેસી રહું ? હું તો ઘરમાં ગાંડો થઇ જઉં અને તેં જિંદગીમાં કયો આનંદ નથી માણ્યો ? હિરા જડીત દાગીનાઓથી તું લદાયેલી રહે છે. તારા નામે બંગલો, ફાર્મ હાઉસ બધુ જ છે. ઘરમાં નોકર રસોઈયા છે. શું એ જિંદગીનો આનંદ નથી ? હવે કયો આનંદ માણવાનો બાકી છે. હવે તો ઘેર જ છું તો હું મારા એકાઉન્ટ તૈયાર કરતાં માણસ ને રજા આપી દઈશ હવે થી તું બધા એકાઉન્ટ તૈયાર કરજે. ”


રેવતીની આંખમાં આંસુ આવી ગયા. પતિની નિવૃત્તિનો અર્થ એવો તો ના હોય કે એને ઘરમાં રહી પત્નીનું મોં જોયા કરવાનું. આજે વર્ષો બાદ રેવતીને એના મા બાપ યાદ આવ્યા. એના પિતા કહેતા હતા કે, “દુનિયામાં એંસી ટકા ઝગડા પૈસાને કારણે જ થાય છે. પ્રજ્ઞેશ ના ઘરમાં પૈસો છે, નોકર ચાકર છે, ધંધો ઘણો સારો ચાલે છે તું રાણી બનીને રહીશ. હવે લાંબો વિચાર કર્યા વગર પ્રજ્ઞેશને હા કહી દે.”


એને પ્રજ્ઞેશને હા કહી દીધી હતી. પૈસાની તો રેલમછેલ હતી પણ રેવતી સમજી ગઈ હતી કે પ્રજ્ઞેશમાં તોછડાઈ ઠાંસી ઠાંસી ને ભરેલી છે. તેથી તો એ કામ સિવાય વાત કરતી ન હતી. નિવૃત્તિના દિવસો પસાર થતાં હતાં. એને વાંચવાનો શોખ હતો. નજીકના પુસ્તકાલયમાં જઈ પુસ્તકો લઇ આવતી. ક્રિકેટનો પણ એટલો જ શોખ હતી. જયારે નાની હતી ત્યારે ટી.વી. ન હતા એ રેડિયો પર મેચ સાંભળતી. હવે ટી.વી. પર મેચ જોતી. નિવૃત્તિ પછી એને એકાઉન્ટના નફા નુકશાનથી દૂર રહેવું હતું. પરંતુ પતિ એને એ કામ સોંપવા માંગે છે. એટલે કે એક ગરીબ એકાઉન્ટ લખનાર માણસને કાઢી મુકવો. આટલો પૈસો હોવા છતાંય લોભનો અંત જ નથી. પૈસાથી તમે પાર્થિવ વસ્તુ ખરીદી શકશો. પરંતુ કોઈ ગરીબના આંસુ નહીં લુછી શકો. કોઈ બાળકના મોં પરનું સ્મિત નહીં ખરીદી શકો.


આખરે રેવતીએ નિર્ણય કરી લીધો કે એ આ ઘર છોડીને જતી રહેશે. એની પાસે ઘણી બચત હતી. એનું વ્યાજ તો આવતું જ હતું. તે ઉપરાંત નિવૃત્તિ પછી એનું પેન્શન પણ આવતું હતું. દિકરા વહુને તો પૈસાની જરૂર હતી જ નહીં. પતિને તો પત્નીના બેંક ખાતામાં કેટલા પૈસા છે એની સાથે જ નિસ્બત હતી.

રેવતી એ કહેલું કે, “હવે હું ગરીબો અને જરૂરિયાત મંદોની સેવા કરવા માગુ છું. આખી જિંદગીની કમાણીનો સદ્ઉપયોગ કરવા માંગુ છું.”

ત્યારે પ્રજ્ઞેશે કહેલું, “એના કરતાં તું એવું કહેને કે હવે તું તારા પૈસા ઉડાવી દેવા માંગે છે. જયારે જરૂર પડશે ત્યારે પૈસા જ કામ આવશે એ ભૂખ્યા નાગા તારા કામમાં નહીં આવે. ઘરમાં બેસીને મારા ધંધામાં મદદ કર.”

રેવતી એ નિસાસો નાંખ્યો, “હે ભગવાન મારૂ નામ ‘રેવતી’ શા માટે પાડ્યું ?”


કહેવાય છે કે રેવતીના પિતા ઈશ્વર પાસે જઈને કહે છે મારી પુત્રી માટે પૃથ્વી પર એને યોગ્ય પતિ શોધી આપો. ત્યારે ભગવાને કહ્યું, “પૃથ્વી પર તારી પુત્રીને યોગ્ય એવો એક જ પતિ છે – ‘બલરામ’” પરંતુ હવે તો યુગો વહી ગયા. મનુષ્યની ઉંચાઈ ઓછી થતી ગઈ છે તેથી ભગવાન રેવતી ના મસ્તક પર હાથ મુકે છે અને એની ઉંચાઈ બલરામ કરતાં થોડી ઓછી કરે છે.


ભગવાને તો રેવતીની ઉંચાઈ ઓછી કરી અને યોગ્ય પતિ આપ્યો. પરંતુ મારા પિતાએ ઈશ્વર પાસે પૈસાપાત્ર પતિ માંગી મારા મૂળભૂત સંસ્કારોની ઉંચાઈ આ ઘરમાં આવ્યા પછી ઓછી કરી. પૈસો છે પણ સંસ્કાર નથી એ પૈસાથી સંસ્કાર ખરીદી શકતા નથી. તેથી જ એ એક દિવસ ચિઠ્ઠી લખીને ઘર છોડી ને જતી રહે છે. જેમાં એને લખ્યું હતું, “હું મારા સ્વપ્ન પુરા કરવા જઈ રહી છું. મારે મારા પૈસાનો સદઉપયોગ કરવો છે. હું લોભને ધિક્કારું છું. તમારૂ માનવું છે કે તમે મને જિંદગીમાં બધો આનંદ પ્રાપ્ત કરાવ્યો છે. પરંતુ મારો ખરો આનંદ તમે ક્યારેય નહીં આપી શકો. મારે ગરીબોના આંસુ લૂછવા છે. બાળકોનું હાસ્ય જોવું છે. વડીલોના આશીર્વાદ લેવા છે.”

બીજી પણ એક વાત કહેવા માંગુ છું કે ઈશ્વરે રેવતી ની ઉંચાઈ ઓછી કરી હતી. એના ગુણો એ જ રહ્યા હતા તેથી તો એ ઈશ્વર ના અવતાર બલરામજી ને પ્રાપ્ત કરી શકી. મને હવે પૈસાનો મોહ નથી. જિંદગીમાં ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેમાં અર્થોપજન નહીં પણ દિલની ખુશી હોય. તમારે મારી પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો જરૂર આવજો. બાકી હું મારી જિંદગી મારી રીતે આનંદમય પ્રવૃત્તિમાં વીતાવવા માંગુ છું.


જો કે રેવતી ની ચિઠ્ઠી વાંચ્યા પછી પ્રજ્ઞેશ બોલ્યો, “સંસ્કાર ની વાતો કરનાર બધા દંભી છે. ખરી જિંદગી જ અર્થોપજન માટે છે. સામે એને પણ રેવતી ને જવાબ મોકલ્યો હતો.” “જયારે પસ્તાય ત્યારે જરૂર પાછી આવજે. તારા માટે દ્વાર ખુલ્લા જ છે.” રેવતી મનમાં બોલી, “જિંદગી માં કોણ પસ્તાય છે અને કોણ સુખી થાય છે એતો માત્ર ઈશ્વર જ જાણે છે.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational