Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

વડલો

વડલો

4 mins
287


આખી સોસાયટીમાં જો કોઈ બંગલો ઈર્ષ્યાને પાત્ર હોય તો એ ગુલાબ બાનો બંગલો. ત્યાં જ્યારે જોઈએ ત્યારે માણસોનો મેળો જોવા મળતો. સંયુક્ત કુટુંબ જયારે કલ્પનાનો વિષય મનાતો હોય ત્યાં પ્રત્યક્ષ એવું કુટુંબ જોવું એ પણ લહાવો ગણાય. પાંચ ભાઈઓ એમની પત્નીઓ તથા એમના છોકરાંઓ. મજાની વાત એ હતી કે પડોશીઓને પણ ખબર પડતી ન હતી કે કોણ કોનું છોકરું છે. જ્યાં આવો સંપ હોય ત્યાં થોડો સમય ઈશ્વરને પણ વસવાટ કરવાની ઈચ્છા થાય.

આમ તો એ બંગલામાં રહેતી કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈની કંપનીની જરૂર જ પડતી નહીંં કારણ કે બંગલામાં જ પચીસેક વ્યક્તિઓ સાથે રહેતી હતી. જો કે એ બંગલામાં વિકલ્પની વાત જુદી હતી. એને બહાર રહેવું વધુ ગમતું હતું અને એના મિત્રો પણ ઘણા હતાં.

તે દિવસે ટીમીના જન્મદિવસની પાર્ટી હતી. તોફાન મસ્તીમાં વિકલ્પ એનો ફોન હોટલમાં જ ભૂલી ગયો હતો. ટીમીને એના ઘરના નંબરની તો જરૂર પડતી ન હતી. એને થયું કે મોબાઈલમાં "હોમ" લખ્યું જ હશે તેથી એચ. પર હોમના બદલે "હીટલર" અને બાજુમાં "સેન્ટ્રલ જેલ" લખ્યુ હતું. બધા સ્તબ્ધ થઈ ગયા. જો કે થોડીવારમાં જ વિકલ્પને યાદ આવ્યું કે એનો ફોન ટીમીને ત્યાં રહી ગયો છે. એ પાછો ફર્યો તો બધા એની સામે જોતાં બોલ્યા,"અહીંથી ક્યાં જવાનો ?"તમે મારો ફોન મચેડયો છે તો સાંભળી લો કે હીટલર જેલરની સેન્ટ્રલ જેલમાં જઉં છું. "

જો કે સંયુકત કુટુંબમાં બધાને એકબીજા સાથે બાંધી રાખવાનું કામ વડીલનું હોય છે. ક્યારેક એ ક્રોધ કરે તો ક્યારેક લાડ પણ કરે. પરંતુ ઉત્તમ સંસ્કાર આપવા એ કાર્ય લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન હોય છે.

વિકલ્પને શિસ્ત સાથે કંઈ સંબંધ જ ન હતો. સમયસર ઘરમાં આવવું કે મોડે સુધી ઘરની બહાર ના રહેવું. જમવા બધાએ સાથે જ બેસવું વગેરે નિયમોનું ચુસ્તતાથી પાલન કરવું પડતું. તે દિવસે પણ સમયસર ઘેર પહોંચવા માટે એ બધા મિત્રોથી વહેલો નીકળી ગયો હતો.

ઘણીવારએ એના મમ્મીપપ્પાને કહેતો,"મારા બધા મિત્રો જલસા કરે છે. મોડે સુધી બહાર ફરે છે. રાત્રીબજારમાં જાતજાતની વાનગીઓ આરોગે છે. જ્યારે મારે. . . . . "

"તારે શું ?" વિકલ્પની વાત વચ્ચેથી કાપતાં એના પપ્પા બોલ્યા,"તું એવું ના સમજીશ કે અમને ખબર નથી પડતી. તું ઘરને સેન્ટ્રલ જેલ કહે છે. પણ કેટલાય મહાપુરૂષો એ જેલમાં રહી આગળ અભ્યાસ પણ કર્યો છે અને ઉત્તમ સાહિત્યનું સર્જન પણ કર્યું છે. શ્રી જવાહરલાલ નહેરૂએ તો જેલમાં રહીને" ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા" જેવું પુસ્તક પણ લખ્યું છે. હીટલરની મહત્વકાંક્ષા ઘણી હતી. મહત્વકાંક્ષા હોવી એ કંઈ ખોટું નથી. દાદી પોતાના પુત્રો કે પૌત્રો માટે એ સમાજમાં મોટું નામ કરે એવી મહત્વાકાંક્ષા રાખે એ તો બહુ જ સ્વાભાવિક છે. એ માટે એ કુમળા છોડની યોગ્ય રીતે માવજત કરે એમાં ખોટું પણ શું છે ? આડીઅવળી થયેલી ડાળીઓને બાંધી યોગ્ય આકાર આપે એમાં કશું પણ અયોગ્ય નથી. બા તો પ્રેમની દોરીથી બાંધે છે. "

"પપ્પા મારા બધા મિત્રો. . . . "

"તેં એવા મિત્રોની પસંદગી કરી હશે. બધા એકસરખા નથી હોતા. દરેકના ઘરનું વાતાવરણ તથા સંસ્કાર જુદાજુદા હોય છે. "પણ "આપણા ઘરે તો કેટલા ચુસ્ત નિતીનિયમો પાળવા પડે છે." વિકલ્પ ગુસ્સે થતાં બોલ્યો.

"બેટા,તારા સૌથી નાના કાકા એક વર્ષના પણ ન હતા ત્યારે તારા દાદાનું અવસાન થયું હતું. મારી મમ્મી એટલે કે તારી દાદી અમારા માટે મા તથા પિતા બંને હતી. આજે અમે બે ભાઈઓ એન્જિનીયર છે, બે ભાઈઓ ડૉક્ટર છે તથા એક ભાઈ ચાર્ટડ એકાઉટન્ટ છે. એ બધો મારી મા નો પ્રતાપ છે. "

તો શું તમારા પપ્પા તમે નાના હતા ને જ ગુજરી ગયા ?"

"હા,માત્ર સાત વર્ષનો હું હતો અને સૌથી મોટો" "તો બાએ શું કર્યું ?"

"બા,ચાર ઘેર રસોઈ કરવા જતી હતી. થોડુ ઘણું ખાવાનું તથા એમના દીકરાઓના જુના કપડાંઓ મળી રહેતા. અમે બા આવતા પહેલાં વાસણ સાફ કરી લૂછીને મુકી દેતા. કપડાં સુકવી દેતાં સાંજે ગડી પણ વાળી દેતાં. બા તો કહેતી કે હું આવીને કરીશ બસ,તમે બધા બહુ જ ભણો. "

"પપ્પા, હવે હું પણ બાનું કહ્યું માનીશ. "કહેતાં હાથમાં મોબાઈલ લઈ હીટલરની જગ્યાએ ઈશ્વર અને સેન્ટ્રલ જેલની જગ્યાએ સ્વર્ગ લખ્યું.

દિવસો પસાર થતા જતા હતાં. બાને તો કોઈ કંઈ જ કામ કરવા દેતા ન હતાં. પણ એક દિવસ એમણે પાંચેય દીકરાઓને બોલાવીને કહ્યું,

"હવે હું બહુ નહીં જીવું. "આ સાંભળતાં જ બંને ડૉક્ટર દીકરાઓ બોલી ઊઠ્યા,"અમે ડૉક્ટર છીએ એમ કંઈ તને મરવા નહીં દઈએ. "

"ડૉક્ટરના માબાપ કે સગાનું મોત ના થાય ? આ તો ઉપરથી લખાઈને આવ્યું છે. મેં મારી બધી જ ફરજ સારી રીતે પૂર્ણ કરી છે. મારી જિંદગીમાં કોઈ જ ઈચ્છા બાકી નથી રહી. હવે હું તમારા પિતા પાસે જઈશ. "

"બા, રામાયણમાં એક પ્રસંગ આવે છે કે રામ,સીતા તથા લક્ષમણ વનવાસ જતાં હતાં ત્યારે ઉર્મિલાએ પણ સાથે આવવા કહ્યું. પણ એના પતિએ કહ્યું,"તું અહીં રહીને મારા માબાપની સેવા કરજે. "

એ સમયે સીતાજીએ ઉર્મિલાને આશીર્વાદ આપ્યા કે,"એક સાથે તું ત્રણ કામ કરી શકીશ"તેથી ઊર્મિલાએ ચૌદ વર્ષ પતિની નિંદ્રા લઈ લીધી સાથે સાથે સાસુસસરાની સેવા પણ કરતી. રામાયણમાં પણ એક સાથે ઘણા સ્વરૂપમાં જીવી છું. એક પ્રેમાળ માતા,શિસ્તપાલન કરાવનાર કડક માતા બધાને પ્રેમથી એકસૂત્રે બાંધી રાખનાર મા. કમાણી કરી ઘરમાં પૈસા લાવતા પિતાની ભૂમિકા તથા એક આદર્શ ગૃહિણી. તારા તો અમે અનેક સ્વરૂપો જોયા છે. બા,તને તો ઈશ્વરે જ એક સાથે અનેક કામ કરવાના આશીર્વાદ આપ્યા છે."

"દીકરાઓ તમે બધા મારી પાસે બેસો. અત્યાર સુધી બધાને એકસૂત્રે બાંધી મેં વડીલ તરીકે આટલા મોટા કુટુંબના વડલાનું કાર્ય કર્યું છે. હવે આપણું કુટુંબ ઘણું વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. વડના મૂળ બહુ ઊંડા નથી હોતા. વાવાઝોડામાં વડ મૂળસોતુ પડી ના જાય એ માટે વડની વડવાઈઓને જમીનમાં ઉતારી દેવામાં આવે છે. જેથી એ વૃક્ષ ક્યારેય પણ જમીનદોસ્ત ના થાય. તમે બધા મારી વડવાઈઓ છો. સતત એકબીજા સાથે જોડાયેલા રહેજો. જેથી મારા આપેલા સંસ્કારોનું વટવૃક્ષ અડીખમ રહે. " કહેતાં ગુલાબ બાએ પુરા સંતોષ સાથે આ દુનિયામાંથી વિદાય લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational