Rekha Patel

Inspirational

4.0  

Rekha Patel

Inspirational

અણધાર્યો મિલાપ

અણધાર્યો મિલાપ

3 mins
19


અમે પાંચ ભાઈબંધો સહકુટુંબ ક્રુઝની સફરે નીકળ્યાં. ખૂબ મોજ કરી. દરિયામાં રહી દરિયાનો ઘૂઘવાટ સાંભળ્યો. રાત્રે તેની ગર્જના ડરામણી લાગી પણ મનોરંજન માટેના પ્રોગ્રામ જોતાં જોતાં સમય પસાર થઈ ગયો. આનંદનો અનેરો ઉત્સવ કર્યો જે અવિસ્મરણીય હતો. રેખાને આમ પણ દરિયો બહુ ગમતો. ચારે બાજુ પાણી સીવાય કશું નજરમાં આવે નહીં.

ક્રુઝ તરફથી વ્યવસ્થા પણ ઘણી સારી હતી. બે ટાઇમ ચા નાસ્તો અને બે ટાઇમ જમવાનું. રોજ અલગ અલગ હોય. મજા આવી. મનોરંજનમાં જુની ફિલ્મોના લાઈવ ગીતો જોવા મળે અને સાથે નૃત્ય પણ માણવા મળે. જેવું આવે એવો ડાન્સ કરતાં. ભેગા થઈ અંતકડી પણ રમ્યાં. વચ્ચે શ્રીલંકા અને ગોવા પણ ક્રુઝ ઊભી રહી. બન્ને જગ્યાએ ફરી આવ્યાં. ગોવામાં એ વખતે વેલેન્ટાઈન ડે હતો આથી બધાને લાલ ગુલાબ આપી અભિવાદન કર્યું હતું. છેલ્લે મુંબઈ બે દિવસ ઉભી રહી. આખું મુંબઈ ફર્યા. અમે વડોદરા જવા બોમ્બે રેલ્વે સ્ટેશન પર આવ્યાં.

બધામાં સિનિયર સિટીઝન રશ્મિ અને રેખા હતાં. બધાએ ખૂબ મદદ કરી અને મુસાફરીમાં કોઈ તકલીફ પડવા દીધી નહોતી. ગાડીની રાહ જોતા હતાં ત્યારે ખબર પડી કે ભારત બંધનું એલાન આપ્યું છે એટલે બધું બંધ છે. વસઈથી આગળ ગાડી રોકી છે અને આગળ આવવા નથી દેતાં. અમને ઘણી ચિંતા થઇ. હવે જઈશું કેવી રીતે ? પછી જાહેર થયું કે બોરીવલી સુધી ગાડી આવશે એટલે અમે લોકલ ટ્રેનથી બોરીવલી પહોંચ્યા.

પ્લેટફોર્મ પર તો માણસનાં ખાલી માથા દેખાય એવી ભીડ થઈ ગઈ. જાહેર થયું કે વડોદરા જવા માટે ગાડી આવે છે. અમારી રિઝર્વ ટિકિટ હતી એટલે બીજે કોચ પાસે જવા માટે નીકળ્યાં. થોડે સુધી તો રેખા અને રશ્મિ સાથે જ હતાં પણ એક ગાડી આવી એમાં ભીડ વધી ગઈ. રશ્મિ રેખાથી છુટો પડી ગયો. મનોમન તે બોલવા લાગ્યો, "હવે એને ક્યાં શોધું ? હે ભગવાન મદદ કર". રેખા સમજી સામેનાં પ્લેટફોર્મ પર જવાનું છે. આથી તે સામાન લઈ ત્યાં ગઈ પણ કોઈ ન મળ્યું. તે આસપાસ જોવા લાગી. કોઈ પરિચિત ન જણાતાં તેને રડવું આવતું હતું. "હવે શું કરીશ ?"

પાસે પૈસા નહોતા. બન્ને ટિકિટ એની પાસે હતી. આમતેમ વિચાર કરી આંટા માર્યા કોઈ ઉપાય જણાતો નહતો. વળી જાહેર થયું કે સામેનાં પ્લેટફોર્મ પર વડોદરા જવા માટે ગાડી આવે છે. રેખા રડતી રડતી પુલ ચડી ત્યાં જવા નીકળી. ત્યારે પાછળથી રશ્મિ જેવાં શર્ટનો રંગ દેખાયો. પાસે આવ્યો તો એ રશ્મિ જ હતો. એ દોડતી ગઈ અને તેને વળગી પડી. એવું લાગ્યું કે ભવોભવનું મિલન થયું. તે પણ કેવું આકસ્મિક ? નહીંતર મુંબઈમાં ખોવાઈ જાઓ તો મેળાપ થાય નહીં. ગાડી આવી એટલે ઝડપથી ગાડીમાં બેઠાં. બધાં ભાઈબંધો ચિંતા કરતાં હતાં. રેખાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતાં. રશ્મિ બધાની વચ્ચે એજ કહેતો હતો કે, "તું ન મળી હોત તો મારું શું થાત ? તને ક્યાં શોધત ? તારી સાથે અણધાર્યો મિલાપ કરાવી ભગવાને ઘણી કૃપા કરી. હવે સમજાય છે કે સ્વજનનો વિયોગ કેવો હોય. તેં તો મને સાત ભવ યાદ કરાવી દીધાં." રેખા બોલી, "તારા વગર તો હું પણ અધુરી હતી. જીવનસાથી સાથે હોય ત્યારે તેની કદર કરતાં શીખો. ક્યાંક એવી ક્ષણો આવી જાય તો અફસોસ કરવો ન પડે. પ્રેમથી બધાની વચ્ચે હું જરૂર કહીશ તને ચાહું છું. જન્મોજન્મ ચાહતી રહીશ. આપણને કોઈ જુદા નહીં કરી શકે." વડોદરા આવતાં તેમની મુસાફરી પૂરી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational