Rekha Patel

Romance

4.5  

Rekha Patel

Romance

બે દિલની ધડકનો

બે દિલની ધડકનો

2 mins
364


કૃતિ અને કુણાલનાં કુટુંબનાં બધાં સગા સંબંધીઓ આજે ભેગાં થયાં હતાં. ઘણાં વખતથી તેમની વચ્ચે સગપણની વાતચીત ચાલતી હતી પણ કંઈ ને કંઈ વિઘ્ન આવ્યાં કરતું હતું અને તેઓ મળી શકતાં નહોતાં. આથી તેઓ સારો દિવસ જોઈ સારું મુહૂર્ત જોઈ બધું નક્કી કરવા બેઠાં હતાં.

કૃતિ તો શરમાઈને અંદરનાં ઓરડામાં બેઠી હતી. તેનાં કાળાં ભમ્મર રેશમ જેવાં વાળ લહેરાતા હતાં. તેનાં ગોરા મુખ પર કાળી લટો વિખરાતી હતી. તેને તેનાં વાળ બહુ ગમતાં. તેને કેશ ગુંફન કરવું પણ ગમતું. તેણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હતો. તે જાતજાતનો કેશ ગુંફનનો પ્રયોગ તેનાં વાળ પર કરાવતી અને પછી તેનાં ફોટાઓ પાડી બીજાઓનાં વાળમાં પણ કરી આપતી. આ તેનો પ્રિય શોખ હતો.

ઓચિંતો કુણાલ ત્યાં આવ્યો અને કહ્યું, " ચાલ, લોંગ ડ્રાઈવ પર જઈએ." કૃતિ કહે, "બસ, બે મિનિટ, તૈયાર થઈ જાઉ." કૃતિ કાંસકો લઈને બેસી ગઈ વાળને એ રીતે ગોઠવી દીધાં કે કુણાલ જોતો જ રહી ગયો. કૃતિ એટલી સુંદર લાગતી હતી કે, "હમણાં તેને બાથમાં લઈને ચુંબન લઈ લઉં અને આલિંગનમાં જકડી લઉં, પણ કેવી લાચારી ? કંઈ કરી શકતો નથી. હમણાં એવી આઝાદી ક્યાંથી મળે ? હજી વાર છે. મનને કાબુમાં રાખ."

મનને કાબુમાં કરે પણ દિલ ક્યાં કદી કોઈનું સાંભળે છે ? પણ જવા દો, આ તો પ્રેમની વાતો કોઈ બીજાને કેવીરીતે કહેવાય ? મન તો ખેંચાય પણ વાળવું કેવીરીતે ? આ જિંદગી છે તો કેટલું સાચવવાનું ? કૃતિ મનમાં મલકાતી હતી," મારું કેશ ગુંફન ગમ્યું લાગે છે. વારે વારે જોયાં કરે છે. જે જોવું હોય તે. હમણાં કશું નહીં. જિંદગી પડી છે." ભાવો તો જાગ્યા છે બંને તરફથી પણ સંસ્કારોની બેડી એવી પડી છે કે બંનેમાંથી કોઈ પોતાની રીતે મચક આપે એવાં નથી અને આમજ લગ્નનો દિવસ આવી પણ ગયો. તે દિવસે તેણે અંબોડામાં ઝીણાં ઝીણાં મોતી પરોવ્યાં હતાં અને ફરતી મોગરાનાં ફૂલોની વેણી બાંધી હતી. પાનેતર પહેરી માથા ઉપર પારદર્શક ચૂંદડી તારલાથી મઢેલી ઓઢી હતી. સાક્ષાત સૌંદર્યની દેવી ધરતી પર ઉતરી આવી હતી. ચોરીમાં કુણાલ તેને જોતો રહી ગયો અને ક્યારે ફેરા ફરાઈ ગયાં તેમાં તેનું ધ્યાન ન રહ્યું. લગ્ન થઈ ગયાં. જે થવાનું હતું તે થઈ ગયું. સુંદર મજાનો કેશ ગુંફન પળવારમાં વિખેરાઈ ગયો અને બે દિલની ધડકનો એક થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance