Rekha Patel

Tragedy

3  

Rekha Patel

Tragedy

ચિત્તભ્રમ

ચિત્તભ્રમ

2 mins
172


આ વખતે ધંધામાં જરા બરકત આવી હોવાથી રમણલાલ તેની છોકરી ઉષાનાં લગ્ન કરવા માટે ઉતાવળ કરતાં હતાં. એમ કંઈ મુરતિયો થોડો મળી જાય ? કેટલાય છોકરાઓ જોયાં પછી અક્ષય તેમને યોગ્ય લાગ્યો. ઉષાને પણ તે ગમ્યો હતો. થોડી વાતચીત ને વિચારોની આપલે કર્યા પછી બંનેએ સહજીવન જીવવાનું નક્કી કર્યું.

ઉષાને કોલેજમાં અનિલ સાથે મિત્રતા હતી. તેને તે લાગણીશીલ હોવાને કારણે બહુ ગમતો હતો. તેનાં આ સ્વભાવને કારણે તેની સાથે સહજીવનનાં સપનાઓ જોયાં હતાં. બધાને વિધાતા મનગમતું થોડું આપે છે ? ઉષાને મનમાં હતું કે તે માબાપને મનાવી લેશે પણ અનિલની નાત અલગ હોવાને કારણે તેનાં જુનવાણી ઋઢીચુસ્ત માબાપ માનતાં નહોતાં આથી પોતાનાં સપનાંઓ કોરાણે મૂકીને તેમણે બતાવેલાં અક્ષય સાથે લગ્ન કરી જીવવાનું સ્વીકારી લીધું.

લગ્નનો દિવસ પણ આવી ગયો. ઉષા સોળે શણગાર સજી નવવધુ બનીને સાસરે પોંખાવા આવી ગઈ હતી. આખું ઘર આનંદમાં હિલોળા લેતું હતું. મંગળ ગીતો ગવાતા હતાં. નવવધુ સાથે જાન લઈને આવેલાં અક્ષયને અને વધુને પોંખાવા તેની મા આરતીની થાળી લઈને આવી હતી. ભારે મૂંઝારો વેઠતો અક્ષય દુઃખાવાને કારણે છાતીએ હાથ દઈ ઝાડ પરની કપાયેલી ડાળીની માફક નીચે પડી ગયો અને બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ફરજ પરના તબીબે ગંભીર હૃદય રોગને કારણે મૃત્યુ પામેલો જાહેર કર્યો.

ઉષા તો સમજી ન શકી કે સ્વીકારી ન શકી કે શું થયું ? તે ચિત્તભ્રમ જેવી દશામાં ચકળવકળ જોયાં કરતી હતી. આસપાસની દુનિયાથી તે બેખબર બની ગઈ હતી. હોસ્પિટલમાંથી અક્ષયની લાશ લઈને ઘેર આવ્યાં અને ઉષા બોલી ", સાસુજી અમને ઝટ પોંખી લોને. સમય વીતી જાય છે". સાસુ રડતી આંખે તેની સામુ જોઈ રહ્યા. તેને બાથમાં ભરી કહ્યું, " બેટા રડી લે. અક્ષય હવે સ્વર્ગમાં ગયો. તેનાં પોંખણા ભગવાનને ઘેર થશે." દીકરાને તો ગુમાવ્યો પણ નવી વહુને આ દશામાં જોઈ કુદરતનાં કેર આગળ તેઓ મૌન થઈ ભારે નિઃસાસા સાથે આંખોમાં આંસુઓનાં તોરણ બંધાઈ ગયાં જે રોકવાનું નામ લેતાં નહતાં. ખરડાયેલાં આંસુઓ સૂકાઈ ગયાં પણ ઉષાનો ચિત્તભ્રમ ક્યારેય દૂર ન થયો. તે તેની અવસ્થામાં ખોવાયેલી રહી લાશ બની જીવતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy