Rekha Patel

Romance Tragedy

4.5  

Rekha Patel

Romance Tragedy

સહાનુભૂતિ

સહાનુભૂતિ

4 mins
310


પ્રીતી અને કેયૂર એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. તેમની જિંદગીમાં રૂપ કરતાં પ્રેમનું મહત્વ વધારે હતું. તેઓ પ્રેમનું સમીકરણ કરી દરેક ખૂશીઓને એકબીજા સાથે વહેંચીને રહેતાં. આમ શકુન ભરી જિંદગી તેમનાં સપનાઓ અને અરમાનો પૂરા કરવાનાં પડકારો સાથે ચાલી રહી હતી. એ અરસામાં પ્રેમનાં પરિપાક રૂપ ફૂલનો જન્મ થયો અને એનું નામ મિત રાખ્યું.

કેયૂરને એક દિવસ પેટમાં બહુ દુઃખતું હતું અને સાથેસાથે ઉલટીઓ પણ ઘણી થતી હતી. કશું ખવાતું નહતું અને પાણી પણ નીકળી જતું હતું. આથી તેઓ હોસ્પિટલમાં બતાવવા માટે ગયાં. થોડા રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવી તો તેને આંતરડાનાં કેન્સરનું નિદાન થયું હતું. બન્ને જણા એટલાં ગભરાઈ ગયાં કે બોલે તો શું બોલે ? વાચા હણાઈ ગઈ. બન્નેની આંખોમાં આંસુઓ સાથે જિંદગી જીવવાની જિજીવિષાઓ પણ હતી. કમનસીબે કેયૂર પાસે બહુ થોડી જિંદગી બચી હતી. એમાં એને ઘણાં કામ કરવાનાં હતાં પણ ભગવાને એની પાસેથી એ સમય પણ છીનવી લીધો હતો અને તે પ્રીતી અને મિત માટે કશું ન કરી શક્યો.

પ્રીતને પાસે બોલાવી માથે વહાલ ભર્યો હાથ ફેરવી બોલ્યો, "મને વચન આપ કે મિતને ખાતર તારી જિંદગીને બેરંગ નહીં બનાવે અને બીજો જીવનસાથી શોધીને તેને અપનાવી પપ્પાની ખોટ નહીં લાગવા દે. આટલી નાની ઉંમરમાં હું તને વિધવાનો લિબાસ પહેરવામાંથી મુક્તિ આપું છું. તારે જીવવાનું છે આપણાં પ્રેમને ખાતર અને મિતને ઉંચી ઉડાન આપી આપણાં સપનાઓને સાકાર કરવાનાં છે."

આટલું બોલતાં તો તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. પ્રીતી લાચાર થઈને તેને જોઈ રહી અને બોલી,"તને ગુમાવ્યાં પછી હું તારા પ્રેમને કેવી રીતે ભૂલી શકું ? મારા દિલમાં તારી હયાતીનું સ્થાન કોઈ છીનવીને લઈ જાય એ મને મંજૂર નથી. તમારું વચન પાછું ખેંચી લો. અમે મા દિકરો તમારી યાદો સાથે જીવી લઈશું. બીજામાં તારા પ્રેમની શોધ કેવી રીતે કરું ? તારા વગરનો ખાલીપો મને મંજૂર નથી તો મારું દિલ પણ બીજા પ્રેમનો સ્વીકાર નહીં કરે. કહો આ પરિસ્થિતિમાં મારે શું કરવાનું ? શું વિચારવાનું ? મારું મન મને તારી યાદોમાંથી મુક્ત નહીં કરી શકે તો પછી મારે આ સળગતા અંગારા પર કેમ ચાલવું ?"

કેયૂરે પ્રીતી અને મિતનાં ભવિષ્યનો વિચાર કરીને તેને મનાવવાનો પ્રયત્ન કર્યો. આખરે પ્રીતીએ એની આખરી ઈચ્છાને માન આપવા બીજા લગ્ન કરવા માટે હાથમાં હાથ મૂકીને મંજૂરી આપી એટલે તરત જ તેનો આત્મા આ નશ્વર દેહને છોડીને પ્રયાણ કરી ગયો.

પ્રીતીએ ખૂબ હિંમત કરી તેની પાછળ બધી વિધીઓ કરી તેનાં આત્માને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો. કેયૂર સપનામાં પણ આવતો અને તેનાં કર્તવ્યનું ભાન કરાવતો. પ્રીતી તો એવી હાલતમાં હતી કે તેને કેયૂરનાં પ્રેમ વગરની જિંદગી બેકાર લાગતી હતી. મિતને જોઈને પણ તેને જીવવું પડશે એવાં વિચારો આવતાં અને તે વિરહમાં દુઃખી થઈ જતી.

સમય પસાર થતાં દુઃખ અને વેદનામાંથી બહાર આવી કેયૂરને આપેલાં વચન ઉપર વિચાર કરવા લાગી. શું કરવું ? ક્યાં જવું ? આટલી વિશાળ દુનિયામાં અમને બન્નેને અમારાં ભૂતકાળ સાથે અપનાવવાં કોણ તૈયાર થશે ? તેને કંઈ સમજ પડતી નહતી. તેણે બધી ચિંતાઓ ભગવાનને સોંપી નિશ્ચિત થઈ ગઈ. તે ભણેલી હતી આથી નોકરી માટે અરજી કરતાં તેને સારી કંપનીમાં સારા પગારથી નોકરી મળી ગઈ.

તે બધા સાથે હળીમળીને રહેતી અને કામ પણ શીખતી ગઈ. તેનાં કામથી તેનાં બોસ પણ ખૂશ હતાં. તે કોઈને ફરિયાદ કરવાનો મોકો આપતી નહીં. તેની સાથે કામ કરતાં પીયૂષની ઓળખાણ થઈ હતી. પહેલાં તો સામાન્ય કામ બાબતની વાતચીતનો દોર શરૂ થયો. આટલી નાની ઉંમરમાં આવું દુઃખ જોવાનું ને અનુભવવાનું થયું એ માટે તેને પ્રીતી પ્રત્યે સહાનુભૂતિ ઉભી થઈ. એણે પણ કેરિયર બનાવવાની લ્હાયમાં લગ્ન કર્યાં નહોતાં. ધીરે ધીરે એ સહાનુભૂતિ લાગણીઓ સાથે પ્રેમમાં પરિણમી. પ્રીતી પણ તેનાં પ્રેમભર્યા વ્યવહારથી સંતુષ્ટ હતી. તેને લાગ્યું કે કેયૂર જે પ્રમાણે કહીને ગયો હતો એ મારે માટે અને મિતને માટે યોગ્ય વ્યક્તિ છે. તેણે પીયૂષને જીવનની બધી વાત કરી અને કેયૂરને આપેલાં વચન પ્રમાણે મિતને પણ છોડીને આવી ન શકું એમ જણાવ્યું હતું. પીયૂષે પણ તેનાં વિચારો જાણી મિતનો સ્વીકાર કરવાની હા પાડીને કહ્યું, "તું ચિંતા ના કર. એ આપણો દિકરો બનીને રહેશે. એનો ઉછેર આપણે બન્ને સારી રીતે કરીશું. તેને પપ્પાની કોઈ ખોટ નહીં વર્તાવા દઉં. તેને મારું નામ આપીશ અને લાગણીઓનો વરસાદ પણ કરીશ. એને હું મારી ફરજ પણ સમજીશ."

 પીયૂષની વાત સાંભળી તેને સંતોષ પણ થયો અને જીવન જીવવાનો મકસદ પણ મળ્યો. કેયૂરનો આત્મા પણ આ પ્રેમની શોધથી ખૂબ ખૂશ થયો હશે. પિતાનાં પ્રેમથી વંચિત એક બાળકને એ પ્રેમ મળતાં તેમનો પરિવાર પૂર્ણ થયો અને સહજીવનમાં પ્રવેશી જિંદગીની નવી સફર શરૂ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance