sonu sonanu

Drama

3  

sonu sonanu

Drama

આભાસી સપનાંનો મહેલ

આભાસી સપનાંનો મહેલ

3 mins
176


મંગુ આજે ખૂબ ખુશ હતી. હોય જ ને કેમ ના હોય આજે એનાં ચૂંદડી ચોખા નક્કી થયા. જીવનનાં હરખનાં તેડાં આજે ખોબલે ખોબલે વધાવાયા. ગોળધાણાની થાળીમાં એકીટશે જોઈ રહી મંગુ ભાવિ જીવનનાં સપનાંઓમાં ખોવાઈ જાય છે. વિચારે છે આજીવન મા-બાપ વગર કાકા કાકી ભેગી રહી ખૂબ સહન કર્યું બસ હવે સહન નહીં કરવું પડે. સાસુ સસરાની ખુબ સેવા કરીશ. એટલે એમનો મમતા ભર્યો હાથ માથે ફરશે. પતિને ક્યારેય કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં. એટલે એ પણ વ્હાલની વર્ષામાં ભીંજવીને તરબોળ રાખશે. નાનાં નાનાં બાળકો હશે કાલું કાલું બોલશે અને પાછળ પાછળ દોડાવી મને થકવાડી દેસે. એક મૂંઝવણ છે ત્યાં મોટા શહેરમાં તો બધા અંગ્રેજી બોલતા હશે ઈ મને નથી આવડતું એનું શું કરીશ ?

પાછળથી બહેનપણી ચકુ આવી બૂમ પાડે છે. મંગુ એ મંગુ કયાં ખોવાઈ ગઈ.... ? ઓ હો હો અત્યારથી જ શહેરના સપનાં જોવા માંડી કે શું ?... મંગુ ચુંદડીનો છેડો મોમાં ભરાવી ધત કહી શરમાય છે......... સખીઓ ચીડાવે છે જોતો ખરી મંગુ ના ગાલ તો લાલ થઈ ગયાં.

 ફળિયાનાં બધાજ લોકો મંગુની સગાઈનો સમાન જોઈને વાતો કરવા લાગ્યા. આ આપણી મંગુડીનાં તો ભાગ્ય ખૂલી ગયા આ સગાઈમાં આટલા ઘરેણાં ને લૂગડાં લાવ્યાં છે. તો લગ્ન ટાણે તો મંગુડીને હોને મઢશે નઈ ! ને એની સાસુ સસરા પણ કેવા નમ્ર સ્વભાવનાં લાગે છે આટલા રૂપિયાવાળા હોવા છતાં પણ જરાય મોટાઈ નથી.. મંગુડીનાં કાકા કાકી ભલે અત્યાર સુધી ગમે તેમ રાખી પણ સાસરું સારું ગોત્યું. ને વરરાજો તો જાણે રાજકુમાર મોઢામાં જીભ જ ભાળી નથી એવો ડાહ્યો લાગ્યો.

સગાઈ થયા પછી પંદર દિવસ પછી લગ્નનું મુહર્ત હતું. આ પંદર દિવસ મંગુ જીવનની એવું ખુશી અને લાગણીભરી પળોમાંથી પસાર થઈ કે ના પૂછો વાત... બસ આ જિંદગીમાં હવે કોઈ જ ગમ નથી. કુદરત ને રાત દિવસ હાથ જોડી કહેતી ભગવાન તે મને આખી જિંદગી દુઃખ વેઠ્યાનું ફળ એક સાથે આપી દીધું.

સફેદ પાનેતર પહેરી મંગુ એની કોરુંમાં જીવનની ખુશીનીમાં નજર ના લાગે એટલે એક ગાંઠ વાળે છે. આંખ્યું ના કાજળથી પોતાની નજર ઉતારી માતાના ફોટા સામે જોઈ કહે છે. જો મા તારી દીકરી સોળ શણગાર સજીને આજ પિયુ ધરે ઘરચોળાની ભાત્યુંમાં નવું જીવન અંકરવા જઈ રહી છે. માતા પિતા અને ભાઈ હોત તો મને હાથ પકડી ને મંડપમાં લઈ જાત. પણ અહીં તો કાકા કાકી કામમાં છે... કોનો હાથ ઝાલીને મંડપ માં જઈશ...એમ બોલે છે અને રડે છે... ત્યાંજ બહેનપણી ચકુ આવી ને પોતાનો હાથ લંબાવે છે. ચાલ જાલીલે મારો હાથ હું તને મંડપમાં લઈ જાવ... ચકુ ભણેલ ગણેલ પૈસાદાર કુટુંબની દીકરી છે...મંગુની એક માત્ર બહેનપણી.

આજે સપનાંઓનાં ઢેર રચી મંગુ સાસરે આવે છે.. સાસુ સસરા ગાડીમાંથી ઉતરી ગયાં.. પતિ ગળાની વરમાળા ફેંકી ઉપર કદમ દઈ અંદર જતો રહ્યો... ના થયું પોંખણું... ના કંકુ પગલાં કે ના ચોખાની લોટી ઢોળાવી. મંગુ તો મૂંઝાતી મૂંઝાતી નીચે ઉતરી દરવાજે આવી વિચારે છે કે શહેરમાં કદાચ આવું જ નવી વહુનું સ્વાગત થતું હશે....જેવી એ અંદર આવી એટલે સાસુ એ બૂમ મારી વહુ બેટા દીપ્તિ...તો અંદર રૂમમાંથી જીન્સ પેન્ટ પહેરી એક યુવતી આવી અને મંગુના પતિને હાય ડાર્લિગ મિસ યુ કહી ભેટી પડી... મંગુ એકીટશે જોતી રહી કંઈજ સમજાતું નથી... પછી મંગુ સાસુ ને પગે લાગી અને પૂછે છે મા આ કોણ છે ? સાસુ બોલ્યાં મા નહીં માલકીન બોલ તું આ ઘરની વહુ નથી. આ દીપ્તિ મારી વહુ છે... અમે ચારેય જણા ઓફિસ સાંભળીએ છીએ એટલે ઘરકામ અને મારા દીકરાનો દીકરો પાર્થ જે ત્રણ વર્ષનો છે. એને સંભાળવા તને લાવ્યા છીએ.. અને હા તારા કાકાના કહેવાથી જ અમારે આવું નાટક કરવું પડ્યું. દર મહિને તારો પગાર એને મોકલવાનું નક્કી થયું છે... અને એડવાન્સ પચાસ હજાર આપ્યા છે. અને હવે ભૂલી જા કે તું આ ઘરની વહુ છે. બધા ઘરેણાં ઉતાર અને ચૂપચાપ રસોડું સંભાળ બધાને બહુ જ ભૂખ લાગી છે. અને આમેય તારા કાકા કાકી એ તારા હાથનાં ભોજનનાં ખૂબ વખાણ કર્યા છે... જા જલ્દી...જા.

મંગુના આભાસી સપનાંનો મહેલ કડડભૂસ કરતો તૂટ્યો ને એ કાચની કણીઓ ઉપર હાલતી હોય એમ રસોડા ભણી જાય છે..અને પગલાંમાંથી કંકુ નહીં પણ અરમાનોના લોહી વહેવાનો આભાસ પ્રતીત થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama