sonu sonanu

Children Stories Inspirational

4  

sonu sonanu

Children Stories Inspirational

આજીવન વિયોગ ભેટ

આજીવન વિયોગ ભેટ

3 mins
401


 "મંજુડી ઓ મંજુડી આ છોકરી નક્કી પેલી રેશમૂડીના ઘરે જ હશે. ચોમાસું બેઠું નથી ને રેશમૂડીને મંજુડી બેય માટીનાં રમકડાં બનાવવામાંથી ધરાય નહી. આ વાદળા ચારેકોર કાળા ડીબાંગ થયા હમણાં જાણે આભ તુટી પડશે. ને આ છોકરી હજી ઘેરનો આવી બોલો."

આવું બબડાટ કરતી કરતી મંજુડીની મા મંજુને શોધવાં નીકળે છે અને રેશમૂડીનાં ઘરે આવે છે. મંજુડી પણ રેશમૂડીનાં ઘર સિવાય કયાંયનો જડે. બેય પાક્કી બેનપણીઓ રમવું સાથે,ભણવું સાથે, ઝઘડવું સાથે, હસવું સાથે, બસ માનો બેય એકબીજાનો પડછાંયો.

ઝરમર ઝરમર વરસાદચાલુ થાય છે. મંજુડી કહે "મા મને અને રેશમૂડીને થોડી વાર વરસાદમાં ન્હાય લેવા દેની. હે મા નાવા દેની બસ થોડી વાર..."

મા હકારે માથું હલાવે છે અને મંજુડી રેશમૂડી વરસાદમાં ન્હાય છે. પછી બેય બેનપણીઓની માઓ વાતોએ વળગે છે. સુખ દુઃખની વાતો કરી અંતર ઠાલવે છે અને હળવાશ માણે છે. ચોમાસું બેસે એટલે રોજનો આ જાણે નિયમ.

આજે અચાનક રેશમુડીનાં અબ્બાની તબિયત બગડે છે. દવાખાને જતાં રસ્તામાં જ અબ્બા અલ્લાહને વ્હાલાં થઈ જાય છે. આઠ વરસની રેશમુડીની અમ્મી ઉપર આભ તુટી પડ્યું. અબ્બાની અંતિમ વિધી પતાવી મહિના પછી રેશમુડીનાં મામાં રેશમુડી અને એની માને કાયમ માટે પોતાના ઘરે લઈ જવા આવે છે. બંને બહેનપણીઓ ભીંની આખે એકબીજાને મળવા આવશે એવા વાયદે જુદી થાય છે.

મામાનાં ઘરે રેશમુડીને મંજુડીની ખૂબ યાદ કરે છે. તો પેલી બાજુ મંજુડી પણ રેશમુડીને દિવસ રાત યાદ કર્યા કરે છે. મહિનો...વરસ....બે વરસ...ત્રણ...આમ વર્ષો વીતતાં જાય છે. પણ બંને બેનપણીઓ એકબીજાની યાદ માં ઝુરે છે.

આજે વર્ષો પછી રેશમુડીની માને જમીનનાં દસ્તાવેજ આર્થે મંજુડીનાં ગામે આવવાનું થાય છે. રેશમુડીનાં ચહેરાં પર મંજુડીને મળવાની ખુશી સાફ દેખાય છે. પાદરે પગ મૂકતાં જ રેશમુડી મંજુડીને મળવા એનાં ઘરે દોડી જાય છે. મંજુડી પણ રેશમુડીને જોઈ ખૂબ હરખાય છે. ફરી ઝરમર ઝરમર વરસાદ, મંજુડી અને રેશમુડી ત્રણેયનું મિલન થાય છે. બે દિવસ બાદ રેશમુડીની માનું કામ પૂર્ણ થતાં એ ફરી મામાંનાં ઘરે જાય છે. આજે બંને બેનપાનીઓ હસતાં મોઢે એકબીજાને મળવા આવશે એમ કહી અલગ પડે છે.

સમય પવન વેગે પસાર થતો રહ્યો વર્ષોનાં વાણા વીતી ગયાં. આજે મંજુડી ભણી ગણીને શિક્ષિકા બનીને રેશમુડીનાં ગામે નોકરીએ હાજર થવાની છે. "રેશમુડીને મળીશ એ ઓળખશે છે કે નહી ? અરે ઓળખે જ ને કેમ નહી ! હું આ એને ગમતા ગુલાબી રંગનો ડ્રેસ આપીશ. આ વર્ષનાં ચોમાસે ફરી ખૂબ ન્હાઈશું. ફરી બાળપણની જેમ ખૂબ મસ્તી કરીશું. અરે માટીનાં રમકડાં પણ બનાવીશું. હવે આપડે જુદી નહી પડીએ હું અહીં રહેવા આવવાની છું કાયમ માટે એ કહીશ તો રેશમુડી તો ખુશીથી પાગલ થઇ જશે."

આવી અઢળક કલ્પનાઓમાં રાચતી મંજુડી રેશમુડીનાં ઘરે આવે છે. રેશમુડીની અમ્મી ઓસરીમાં ઢોલીએ સૂતી છે હાથમાં પરવરદિગારની માળા છે. ઓસરીમાં દીવાલ ઉપર મંજુડીની નજર પડતાં જ એ અવાક થઈ જાય છે. એની બધીજ કલ્પનાઓ એક ઝાટકે તૂટી પડે છે. આંખો પલકવાનું ભૂલી જાય છે. બસ દીવાલ પર રેશમુડીનો સુખડનાં હારવાળો ફોટો મંજુડીને બહેનપણીને આજીવન નહી મળવાનાં વિયોગની ભેટ આપી દે છે.


Rate this content
Log in