sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

રંભુની કાબરી

રંભુની કાબરી

3 mins
358


પંથકમાં ક્યાંય ત્રણ વરહથી એક છાંટોય પડ્યો નથી. આ અમારા નઈ તો મૂંગા પશુડા હામુ તો જો બાપડા. કુદરત કંઈક તો મેર કર મારા વા'લા. આ મીટ માંડીને જોઈ જોઈને હવે લમણે પણ અંગૂઠાની છાપ પડી ગઈ. પણ હું કરીએ કુદરત તારી લીલા ન્યારી. એમ કહી આભ હામુ જોતા જોતા રંભુડોશી ઊંડા નિહાંકા સાથે લમણે હાથ દઈને હેઠી બેઠી. હે કુદરત આ આંખ્યુંનાં ભાગ્યમાં એ લ્હાવો હશે કે આ ધરણી માતા લીલી ઘાટડી ઓઢશે તથા લીલી કૂંપળો અને ફૂલોથી ખેતર પાદર લહેરાતા જોવા મળે. કેમ ખબર પળમાં મણ દેનારાનાં હાથમાં છે બધું. બસ કુદરત જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું મારી કાબરીને(બકરી) ખીલેથી ના તરછોડું એવી હિંમત આપજે બાપડા. 

પાદરનાં ઝાડવામાં એક પાંદડુય નથી બચ્યું. બસ હવે તો ખાલી થડ રહ્યા છે. અને જો આ વરહ પણ કોરું જશે તો આ મલકનાં માણહ હું કરશે ? ગામમાં કોઈ જણે ઢોરઢાંખર રાખ્યા નથી બસ આ એક રંભૂડોશી એ એની કાબરીને નથી તરછોડી. બાકી તો બધાએ પોતાના માલને પૂળોચારનાં અભાવે ક્યારનાં છોડી મૂક્યા.

રંભુડોશી મહળકે ઊઠીને કાબરીને લઈ દૂર દૂર જંગલમાં જાય. કાબરી અને રંભૂડોશી જાણે એકબીજાનો શ્વાસ. ઘડીભર વિખૂટાનો પડે. કાબરી સાથે રંભૂડોશી વાતો કરે અને કાબરી પણ જાણે હંધુય હમજતી હોય એમ મુંડું હલાવી હોંકારા ભણતી જાય. જાણે જન્મો જનમનો નાતો ગામ આખું કહે.. આ રંભૂડોશીને નથી બાવડે જોર તોય હું હવે ગજા વગર આ કાબરીને હાચવી બેઠા. આ ગામમાં કોઈએ પશુ રાખ્યા નથી. અને એક આ ડોશી છેક દૂર દૂર જંગલમાં જઈ રોજ ખાડો ખોદી જમીનમાંથી કંદમૂળ કાઢી બેઠી બેઠી હુડીથી જીણું જીણું સમારી ને આ એની કાબરીનું પેટ ભરે. આ કાબરી ને ક્યાંક સુધી હાચવશો ડોશી. તો રંભૂડોશી કહે આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તો અચૂક. એમ કહી થોડું હશે તો એ હાસ્યમાં માનો જાણે ચહેરાની એ કરચલીમાં પણ જીવન અર્થની સઘળી સરિતા રેલાય.અને પછી કહે કેમ કાબરી બરાબર ને એટલે કાબરી પણ મુંડું હલાવે.

નથી બાવડામાં જોર, નથી આંખ્યુંમાં તેજ, નથી ગુડા કયું કરતા, તોય રંભુડોશીનો હરોજનો આ નિયમ. હવે તો પંથકમાં ક્યાંય કંદમૂળ પણ રહ્યાં નથી. અને કાબરી પણ આ વાત સમજતી હોય એમ એક દિવસનાં લાવેલા કંદમૂળ બે દહાડા ચલાવે. અને રંભુડોશી વઢે કાબરીને કેમ મારી ધાવણી ખાવાનું કેમ ઓછું કરતી જાય છે ? તારી રંભુ ભલે ઘરડી થઈ પણ આ ખોળિયામાં જીવડો હજુ જવાન છે. ખા તું તારે તારા કાલની ઉપાધિ તું ના કર એતો કુદરત હંભાળી લે હે..

અને સોધાર આંસુડે રંભૂડોષી કાબરીને ભેટી પડે છે. કાબરી પણ જાણે આ વ્હાલની તરસી હોય એમ લપાઈ છે. અને પછી ઝૂંપડા બહાર રંભુડોશી ઢોલિયે લંબાણા અને કાબરી પણ ઢોલિયા ભણી નીચે રોજ સૂઈ જાય.

આ રંભુડોશી પણ ગજબ હો એની કાબરીને એણે આવા કપરા કાળમાં પણ હાચવી હો. કોઈ આવું કહે તો રંભુડોશી કહે મારી કાબરી મને હાચવે છે. બાકી આ ઘરડા જીવનો ઈના સિવાય કોઈ આધાર નથી કા કાબરી...? અને કાબરી બેંએએએએ કરતી જવાબ ભણે.

આજે અચાનક વાતાવરણ છાયું છે. વાદળી અંધારી છે. સૌ કોઈ આશ માંડી આભ તાકી રહ્યા છે.જાણે હમણાં ટપ ટપ ટપ મેહુલો વરહી પડે એમ... અને મારી કાબરી કા આજ મને આટલો વ્હાલ કરે છે. કુદરત કોઈ એંધાણ આપતો હોય એમ. ઊંડો શ્વાસ લઈ રંભુડોશી કાબરી ને કહે જો હવે વાલિડાની મેર થશે. પછી તારી ડોશીને આરામ તું કૂણું કૂણું ઘાસ ચરજે પછી મારી આંખ્યું વિંચાય જાય તોય ઉપાધિ નહીં કા... કાબરી...?

કાબરી આજ ઊંઘતી નથી આમતેમ દોડે છે. રંભુડોશી વાહે વાહે ફરીને સમજાવે છે. કાબરી હજુ વરસાદનો એક છાંટોય પડ્યો નથી ને તું હરખ ઘેલી ફરે છે.. કાબરી સૂઈ જા હું થાકી ગઈ છું... હવે નહીં દોડાય..અને કાબરી આજ અચાનક રંભુડોશીનાં ઢોલિયે સૂવા માગતી હોય એમ જિદે ચડી ઢોલિયે સૂઈ જાય છે નીચે નથી ઉતરતી. અને થાકેલ રંભુડોશી કહે સારું ત્યારે તું તારે ઢોલિયે સૂઈ જા હું ભોંય પર લંબાવ. 

ભોંય પર લંબાય રંભુડોશી ને માંડ પેલા પોરની નીંદર ચડે છે. ને અચાનક મોટા કડાકા સાથે વાદળ ગાજ્યું ને ધબાક દઈ વીજળી ઢોલિયે પડી. રંભુડોશી જાગી ને જુએ તો ઢોલિયો અને કાબરી બંને ભસ્મ થઈ જાય છે. અને પછી આભેથી અને રંભુડોશીની આંખ્યુંમાંથી સોઘાર મેહ વરહે છે. કયું પાણી ધરાને ભીંજવી રહ્યું છે એ નક્કી થઈ શકે તેમ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational