kaju chavda

Romance Fantasy

3.4  

kaju chavda

Romance Fantasy

દેવભૂમિ

દેવભૂમિ

7 mins
168


સત્યાવીસ વર્ષનો દેવ આજે રાત્રે તેના પરિવાર સાથે ઝગડો કરી અને ગુસ્સામાં પોતાનું ઘર છોડીને એક બસમાં બેસી ગયો. દેવનું સપનું હતું કે તે મોટો સિંગર બને. તેનો અવાજ પણ ખૂબ સારો હતો પણ દેવનો પરિવાર ઈચ્છતો હતો કે તે ફેમિલી બિઝનેસ સંભાળે અને પપ્પા સાથે રહીને કામ કરે. દેવે ઘણી વખત તેના પરિવાર સાથે આ બાબત પર બહેસ કરતો પણ પરિવાર માટે દેવના સપનાઓની કોઈ કિંમત ન હતી. આજે દેવ કોઈને કહ્યા વગર અને પોતાનો મોબાઈલ લીધાં વગર ઘર છોડીને જતો રહ્યો.

બસનું છેલ્લું સ્ટેશન દેવભૂમિ દ્વારકા હતું. દેવ આખી રાત પાગલની જેમ દ્વારકાની ગલીઓમાં ભટકતો રહ્યો. કલાકો સુધી દરિયા કિનારે બેઠો રહ્યો. દેવનું મગજ અત્યારે કોઈ પણ નિર્ણય લઈ શકે તેમ ન હતું. તેની પાસે જેટલા પૈસા હતાં તે બે દિવસમાં ખતમ થઈ ગયા. તે હજુ સુધી દ્વારકામા હતો. તે આખો દિવસ સાધુસંતો સાથે રહેવા લાગ્યો કયારેક કોઈ ભીખારીઓની ટોળકી સાથે ગપ્પા મારતો. તે ગીતો ગાતો અને લોકો તેને સાંભળવા આવતા. તેને થોડા ઘણા પૈસા મળી રહેતા. તેની પાસે રહેવા માટે કોઈ પણ ઘર ન હતું પણ જમવા માટે પૈસાની વ્યવસ્થા થઈ જતી.

કયારેક કોઇ માણસ દેવને ભીખારીઓની ટોળકી સાથે જોઈ અને પૈસા આપતાં બે અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો. આજે પહેલી વખત એવું બન્યું હતું કે પૈસા ન હોવા છતાં દેવ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. દેવે પેટ ભરીને જમી તો લીધું પણ બીલ ચૂકવવા માટે એક પણ રૂપિયો ન હતો. રેસ્ટોરન્ટનો મેનેજર દેવ સાથે પૈસા માટે માથાકુટ કરી રહ્યો હતો. દેવ ચુપચાપ ઊભો હતો. એક છોકરી આ બધી ઘટના જોઈ રહી હતી. તે છોકરી આવી અને મેનેજરના હાથમાંથી દેવે જમ્યુ હતું તેનું બીલ લઈ અને જોયું તેમા જેટલા પૈસા આપવાના હતા તે હોટેલ મેનેજરને આપ્યાં અને ત્યાંથી જતી રહી. મેનેજર હવે સાવ ચુપ થઈ ગયો હતો. દેવ તે છોકરીની પાછળ ગયો. તેણે તે છોકરી સાથે વાતચીત કરી અને પૈસા આપવા માટે આભાર વ્યક્ત કર્યો. દેવે તે છોકરીને કહ્યું કે તે તેના પૈસા પાછા આપી દેશે. તે બંને વચ્ચે નક્કી થયું કે આવતી કાલે સાંજે ૬ વાગ્યે ગોમતીઘાટ પર દેવ પેલી છોકરીની રાહ જોશે અને તે છોકરીના પૈસા આપી દેશે.

બીજા દિવસે દેવ પૈસા કમાવા માટે સવારથી બપોર સુધી કામ શોધતો રહ્યો પણ તેને કોઇ પણ કામ ન મળ્યું સાંજે ૬ વાગ્યા પહેલાં તેની પાસે પૈસા હોવા જરૂરી હતાં. દેવ ભીખારીઓની ટોળકી પાસે મદદ માંગવા માટે ગયો દેવે હોટેલ વાળી વાત કરી. તે લોકો દિલદાર નિકળ્યા તે બધાએ પોતપોતાની પાસે જેટલા પૈસા હતા તે આપી અને દેવની મદદ કરી. આખરે તે બધા હવે દેવના મિત્રો હતા. સાંજે ૬ વાગ્યે દેવ ગોમતીઘાટ પર પહોંચી ગયો. પેલી છોકરી પહેલાથી જ ત્યાં હાજર હતી. દેવ ત્યાં જઈને બોલ્યો "ભૂમિ તુંં તો સમયની પાક્કી નીકળી"

પેલી છોકરી બોલી " મારું નામ ભૂમિ નથી ઓકે"

દેવ- મારું નામ દેવ છે. આ જગ્યા દેવભૂમિ દ્વારકા છે એટલે મેં તને ભૂમિ કહ્યું.

પેલી છોકરી- (હસવા લાગી) 'ગજબનું વિચારો છો. ચાલો મારા પૈસા આપો મારે ઘરે પણ જવાનું છે.'

દેવ- 'ઓહો પૈસાની બહુ જલ્દી લાગે છે.'

પેલી છોકરી- 'તમે તે દિવસે તમારું વોલેટ ભુલી ગયા હતા કે શું ?'

દેવ- વોલેટ... 'ના ના મારી પાસે પૈસા હતા જ નહીં.'

પેલી છોકરી સવાલ પર સવાલ પૂછતી ગઈ અને દેવ બધી સચ્ચાઇ કહેતો ગયો. પેલી છોકરી આ વાત જાણી અને ખૂબ હસવા લાગી કે તે છોકરો દેવ ભીખારીઓ સાથે રહે છે. અને કપડાં કોઈના પણ ઘરની બહાર સુકાઈ રહ્યાં હોય તે પહેરી લે છે. ગમે ત્યાં સુઈ જાય છે. તે છોકરીએ દેવને પ્રેમથી સમજાવ્યો કે આવી રીતે ઘર છોડીને ચાલ્યા આવવું એ સારી વાત નથી. જો તેને સિંગર બનવું હોય તો પોતાના પરિવાર સાથે ઝગડો કરવા કરતાં તેની સાથે પ્રેમથી વાત કરી અને આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકાય. જોકે દેવને આ છોકરીની વાત યોગ્ય લાગતી હતી પણ તે હજુ થોડા દિવસ દ્વારકામાં રહેવા ઈચ્છતો હતો. તે છોકરી જતી રહી પણ હવે દેવના દિમાગમાં તેની ભૂમિ એવી તો છવાઈ ગઈ હતી કે એના દરેક ભિખારી મિત્રો પાસે હજાર વખત ભૂમિ વિશે વાતો કર્યા કરતો.

દેવ કાઈ પણ નહોતો જાણતો કે ભૂમિ કયાં રહે છે ? અને પાછી ક્યારેય તેની સાથે મુલાકાત થશે કે નહિ ! બે ત્રણ દિવસ પછી જયારે બપોરના ચાર વાગ્યે દેવ તેના ભીખારી દોસ્ત સાથે ગપ્પા મારી રહ્યો હતો ત્યારે તેની નજર સામે રોડ પર એકટિવા લઈને જતી ભૂમિ પર પડી. દેવ દોડતો દોડતો ભૂમિ.... ભૂમિ.. એવી બુમો પાડતો ગયો. પેલી છોકરીએ આ અવાજ સાંભળ્યો હોય એવું લાગ્યું તેણે પાછળ જોયું તો પેલો દેવ બુમો પાડતો આવી રહ્યો હતો. તે પેલી છોકરીની બાજુમાં આવ્યો અને બોલ્યો.

દેવ- 'ભૂમિ તું આખરે મળી તો ખરી.'

પેલી છોકરીને અજીબ લાગ્યું કે દેવ આવું શા માટે બોલ્યો!

દેવ- 'ભૂમિ મે તો તને બધું જણાવ્યું હતું મારા વિષે પણ હું તો તારું નામ પણ નથી જાણતો.'

પેલી છોકરી - 'દેવ તું હજુ દ્વારકામા રખડે છે ? ઘરે કેમ નથી ગયો ?'

દેવ- 'મારે તારી સાથે વાત કરવી છે પ્લીઝ બે મિનીટ આપીશ ?'

દેવ 'તે છોકરીનુ નામ અને તે કયાં રહે છે તે બધું જાણવા માટે કોશિશ કરે છે પણ તે છોકરી દેવને કહે છે કે 'તારા માટે હું ભૂમિ છું. તું મને ભૂમિ કહી શકે છે. તે દ્વારકાની બાજુના એક ગામડામાં રહે છે પણ રોજ એક વખત તો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે જ છે. તે છોકરી ઊતાવળમા હતી એટલે તે દેવ સાથે વધારે વાતો ન કરી શકી.

દેવ- 'તું કોને મળવા માટે જવાની છે ?'

ભૂમિ- 'દેવ મારા જેની સાથે લગ્ન થવાના છે તેને મળવા માટે જઈ રહી છું.'

આ સાંભળીને દેવને મનમાં દુઃખ થયું પણ તેમ છતાં ભૂમિ સાથે વ્યવસ્થિત રીતે વાત કરી.

ભૂમિ- 'દેવ હું તે છોકરાને લગ્ન માટે ના પાડવા માટે જવાની છું.'

આ સાંભળીને દેવતો સાતમા આસમાને પહોંચી ગયો.

દેવ- 'કેમ ના પાડવા માટે ?'

પેલી છોકરીએ જણાવ્યું કે તે હજુ ભણવા ઈચ્છે છે તેના પણ ઘણા સપનાઓ છે હજુ તેની ઉંમર ચોવીસ વર્ષની છે તે જલ્દી લગ્ન કરી અને પોતાના સપનાઓ અધુરા નહિ છોડી શકે. દેવને આ સાંભળીને ખૂબ જ મજા આવી ગઈ. તે હરખાઈ અને તેના બધા ભીખારી દોસ્તો સાથે ભૂમિ વિષે વાતો કરવા લાગ્યો.

બીજા દિવસે ભૂમિની રાહ જોઈ અને દેવ દ્વારકાધીશના મંદિર બહાર ઊભો રહ્યો જેવી ભૂમિ આવી એટલે તેની પાસે ગયો. આજે ભૂમિ ખુબજ ખૂશ લાગી રહી હતી. દેવ મનમાં વિચાર કરે છે કે જરુર ગઈકાલે ભૂમિએ પેલા છોકરાને લગ્ન માટે ના કહી દીધું હશે. જયારે ભૂમિ બોલી કે "દેવ એક ગુડ ન્યૂઝ છે મારા જેની સાથે લગ્ન થવાના છે તે છોકરો મને મેરેજ પછી પણ ભણવા દેશે મારા બધા સપનાઓ સાકાર કરવા માટે મારી મદદ કરશે " આ સાંભળીને દેવના પગ નીચેથી જમીન ખસી ગઈ. વરસાદમાં ભીંજાતો દેવ સાવ ચુપ થઈ ગયો. તેના ભિખારી મિત્રો આજે દેવની આવી હાલ જોઈ નહોતા શકતા.

બીજા દિવસે દેવ આખો દિવસ શાંતિથી દરીયા કિનારે બેઠો રહ્યો. તેને ભૂમિની ખૂબ જ યાદ આવી રહી હતી છતાં આજે તે ભૂમિને મળવા માટે ન ગયો. તેની રંગીન દુનિયા હવે ઝાંખી થઈ ગઈ હતી. તે આખો દિવસ ભૂમિની યાદોમાં બેઠો રહેતો. બે દિવસ પછી ભિખારીઓની મદદથી ભૂમિને ખબર પડી કે દેવ ભૂમિને પસંદ કરે છે અને હવે ભૂમિના લગ્ન થવાના છે એટલે દેવ આખો દિવસ ભુખ્યો તરસ્યો દરિયા કિનારે બેઠો રહે છે. ભૂમિ તરતજ દેવ પાસે પહોંચે છે ત્યારે ધીમે ધીમે વરસાદ વરસતો હતો.

ભૂમિ- 'દેવ આ બધું શું છે ? શું તું મને પ્રેમ કરે છે ? મારી યાદમાં આમ પાગલ બનીને તું શું સાબિત કરવા માંગે છે ? તું મને બે દિવસથી મળવા માટે કેમ નથી આવતો ?

દેવની આંખોમાં પાણી આવી ગયું હતું. ભૂમિ દેવને સમજાવી રહી હતી કે બે દિવસ પછી તેના લગ્ન છે. તે તેના સપનાઓ સાથે જીવનમાં આગળ વધી રહી છે. દેવને ખૂબ સમજાવ્યો કે સિંગર બનવું એ સપનું સાકાર કરવા માટે મહેનત કરે. આમ પણ ભૂમિ હવે કોઈ બીજા સાથે લગ્ન કરી રહી છે. તે દેવની સારી દોસ્ત છે પણ તેની સાથે બીજી કોઈ લાગણીઓ નથી. આ બધું સાંભળી અને વરસાદનાં છાંટા સાથે દેવની આંખોનુ પાણી પણ જમીનને ભીની કરી રહ્યું હતું. ભૂમિ જતી રહી.. દેવ કાંઈ પણ ન બોલી શક્યો..

દેવ બે દિવસ પછી પોતાના ઘરે પાછો જવાનો નિર્ણય કરી ચૂક્યો હતો. દેવ અને ભૂમિનુ મિલન હવે કોઈ પણ ભોગે શકય ન હતું.રાત્રે આઠ વાગ્યે બસની રાહ જોઈ રહેલા દેવની નજર સામે અચાનક દુલ્હન બનેલી ભૂમિ આવી.

દેવ- 'ભૂમિ તું અહીં અત્યારે ?'

ભૂમિ- 'હું છેલ્લી વખત દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી હતી. હવે અમારું મિલન ફરી કયારે થશે ? તે હું પણ નથી જાણતી.'

દેવ- 'તો અહીં શા માટે આવી છે ?'

ભૂમિ- 'તને છેલ્લી વખત મળવા માટે આવી છું. ભલે હું તને પ્રેમ નથી કરતી મતલબ કે એક દોસ્ત તરીકે ખૂબ પ્રેમ કરું છું પણ..'

દેવ- 'હું સમજી ગયો. હું ઘરે પાછો જવા માટે અહીં બસની રાહ જોઈ રહ્યો છું. એક દોસ્ત તરીકે તારી વાતનું માન રાખી રહ્યો છું.' દેવ આટલું બોલતા રડી પડ્યો.

ભૂમિ- 'દેવ બની શકે છે કે હવે આપણે કયારેય પણ નહિ મળીએ. હું જાણું છું કે આ વિયોગ તારા માટે ખૂબ અઘરો રહેશે પણ સમય જતાં તારું સપનું આ ભૂમિને ભુલવામા તને મદદ કરશે.'

દેવની બસ આવી ચુકી હતી.

દેવ- 'વિયોગ... વિયોગ... વિયોગ.'

દેવ આવું બોલી અને બસમાં બેસી ગયો. આજે દેવ પોતાના સપના તરફ એક કદમ આગળ વધી ચૂક્યો હતો. પેલી છોકરી જેને દેવ ભૂમિ કહેતો તે આજે દેવ માટે ખૂબજ ખુશ હતી. તે પોતાના લગ્ન માટે નીકળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance